તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીની ગાઈડલાઈન બદલાઈ:આજથી કોવિશીલ્ડનો પહેલો ડોઝ લેનારને 42 દિવસે બીજો ડોઝ મળશે, અમદાવાદના ખોખરામાં વેક્સિનેશનના પહેલા જ દિવસે અંધાધૂંધી

અમદાવાદએક મહિનો પહેલા
  • વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું પરંતુ કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો
  • ખોખરામાં રસીકેન્દ્રના ઉદઘાટન માટે ગયેલા મેયર અને શહેર પ્રમુખને લોકોએ ઘેરી લીધા

અમદાવાદ મ્યુનિ.એ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ 42 દિવસ પછી જ આપવાનો નિયમ ઓચિંતો આગળ ધરી દેતાં હજારો લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી રસી મુકાવ્યા વગર પાછા જવું પડ્યું હતું. મ્યુનિ.ને એકા એક કેન્દ્રનો નિયમ યાદ આવી જતાં લોકોની હાલાકી વધી ગઈ હતી અને લગભગ દરેક કેન્દ્ર પર લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કોઈપણ આગોતરી જાણ કર્યા વગર કેન્દ્રો પર આવેલા લોકોને નિયમ બતાવવામાં આવતા સૌથી વધુ હાલાકી 45થી વધુ વયના લોકોને પડી હતી. છેલ્લા કેટલાક સમયથી કોરોનાની રસી લેવા ધસારો થઈ રહ્યો છે ત્યારે જ આવી વિચિત્ર જાહેરાતે મુશ્કેલી ઊભી કરી છે. સંખ્યાબંધ લોકો એવા હતા કે જેમને 45 કે 48 દિવસ થવામાં માંડ એક-બે કે ત્રણ-ચાર દિવસ ખૂટતા હતા.

ખોખરામાં રસીકેન્દ્રના ઉદઘાટન માટે ગયેલા મેયર અને શહેર પ્રમુખને લોકોએ ઘેરી લીધા
ખોખરામાં રસીકેન્દ્રના ઉદઘાટન માટે ગયેલા મેયર અને શહેર પ્રમુખને લોકોએ ઘેરી લીધા

કોવિશીલ્ડ વેક્સિનના બીજા ડોઝની ગાઈડલાઈનમાં સુધારો
ભારત સરકાર તરફથી આજે મળેલી ગાઈડલાઈન અનુસાર, કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલ વ્યક્તિઓ, પોતાનો બીજો ડોઝ 42 દિવસ પછી જ લઇ શકશે.આ પ્રકારની પ્રોસેસ કોવિન સોફ્ટવેરમાં આજથી અપડેટ કરી દેવામાં આવેલ છે.વળી 42 દિવસ બાદ કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ મુકાવવાથી વધુ ફાયદો થાય છે.

કોઈ સરખી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો
કોઈ સરખી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો

42 દિવસ બાદ જ બીજો ડોઝ અપાશે
મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે પહોંચી ગયા હતા. પરંતુ કોઈ સરખી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો. બીજીતરફ આજથી કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લેવા આવેલા લોકોને હવે 42 દિવસ પૂર્ણ થયા હોય તો જ વેક્સિન આપવામાં આવશે તેવા બદલાવના કારણે રજિસ્ટ્રેશન ન થતાં પાછું ફરવું પડ્યું હતું.

મેયર કિરીટ પરમાર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યાં
મેયર કિરીટ પરમાર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યાં

ખોખરામાં મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યાં
ખોખરા વિસ્તારમાં આવેલા નવા વસાવડા કોમ્યુનિટી હોલ ખાતે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય સુરેશ પટેલ, મેયર કિરીટ પરમાર અને ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

વેક્સિન લેવા માટે મોટા પ્રમાણમાં વાહનોની લાઇનો લાગી હતી
વેક્સિન લેવા માટે મોટા પ્રમાણમાં વાહનોની લાઇનો લાગી હતી

નિકોલમાં ભાજપના કોર્પોરેટર રસીના 10 ટકા ટોકન લઈ જતાં ફરી વિવાદ
યુવકોને ઓનલાઇન રજિસ્ટ્રેશન નથી થતું તો 45થી વધુ વયનાને વેક્સિન ખલાસ થઇ જતાં ધક્કા ખાવા પડે છે. ત્યારે પૂર્વના કેટલાક વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરો ટોકન લઇ જતાં અને નિકોલમાં પણ ભાજપના કોર્પોરેટર 10 ટકા ટોકન લઇ જવાતાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મામલો છેક શહેર સમિતિ સુધી પહોંચ્યો છે. નિકોલમાં કોર્પોરેટર દ્વારા 10 ટકા ટોકન પહેલાંથી જ લઇ લેવાતા સેન્ટર પર આવતાં નાગરિકોને ધક્કા પડે છે. તો બીજી તરફ કોર્પોરેટરો પરિચિતો અને સગા સબંધીઓને સાચવવાની ગોઠવણમાં પડ્યા હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

આજથી કોવિશીલ્ડ વેક્સિનમાં બીજો ડોઝ 45 દિવસ બાદ જ આપવામાં આવવાની શરૂઆત કરવામા આવી છે
આજથી કોવિશીલ્ડ વેક્સિનમાં બીજો ડોઝ 45 દિવસ બાદ જ આપવામાં આવવાની શરૂઆત કરવામા આવી છે

મોટી સંખ્યામાં લોકો વેક્સિનેશન માટે ઉમટ્યા
સવારથી જ વેક્સિનેશન કેન્દ્ર પર અવ્યવસ્થા જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો વેક્સિનેશન માટે ઉમટ્યા હતા ત્યારે ના કોઈ સોશિયલ ડિસ્ટન્સની વ્યવસ્થા કે વેક્સિનના બીજા અને પહેલા ડોઝ અંગેની જાણકારી આપવામાં આવી ન હતી. આજથી કોવિશીલ્ડ વેક્સિનમાં બીજો ડોઝ 42 દિવસ બાદ જ આપવામાં આવવાની શરૂઆત કરવામા આવી છે જેથી કોવિન એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન ન થતાં બીજો ડોઝ લેવા આવેલા લોકોએ પાછું ફરવું પડ્યું હતું.

જિલ્લામાં પણ રસીનો સ્ટોક ખૂટી પડતાં બીજા ડોઝ માટે ધક્કો ખાવો પડે છે
અમદાવાદ જિલ્લામાં વેક્સિનના પૂરતા ડોઝના અભાવે લોકોને પરત જવું પડ્યુ હતું. કેટલાક સેન્ટરો પર રોજ 50 લોકોને જ વેક્સિન અપાય છે. મોટાભાગના લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. છતાં બીજા ડોઝ માટે લોકોને લાંબો સમય રાહ જોવી પડે છે. જિલ્લામાં 40 પીએચસી સેન્ટરો અને 5 અર્બન હેલ્થ સેન્ટર પર વેકસીનની કામગીરી ચાલે છે. વેક્સિન માટે 45 વર્ષથી ઉપરના 3.64 લાખ લોકો નોંધાયા હતાં. જેમાંથી મોટાભાગનાએ પ્રથમ ડોઝ લઇ લીધો હતો. હાલ વેક્સિનની અછતથી કેટલાક સેન્ટરો પર 50થી 100 લોકોને ડોઝ અપાતો હોવાથી બીજો ડોઝ લેવા ઇચ્છતા મુશ્કેલીમાં મુકાયા છે.

આગોતરી જાણ કરવી જરૂરી હોવાની દલીલ
તમે વેક્સિન આપવાના નથી તો જાહેરાતો શું કામ કરો છો? આવી તીખી પ્રતિક્રિયા સાથે ખોખરામાં મ્યુનિ. એ.સી. હોલમાં વેક્સિનેશનના ઉદઘાટન માટે ગયેલા શહેર પ્રમુખ જગદિશ પંચાલ, મેયર સહિતના પદાધિકારીઓને લોકોએ ઘેરી લઇ રજૂઆત કરી હતી.

મણિનગરના કેન્દ્ર પર એક મહિલા રડી પડી
મણિનગરના એક કેન્દ્ર પર બીજો ડોઝ લેવા આવેલી એક મહિલાને કહેવાયું કે, હજુ 38 દિવસ થયા છે. તમે 42 દિવસ પછી આવો તો જ વેક્સિન મળશે. જેથી મહિલા રડી પડી અને કહ્યું હું એક કલાક અહીં ઉભી રહી તો પણ મને વેક્સિન ન આપી તેમાં મારો શું વાંક?

કલાકો સુધી કારમાં રાહ જોઈ પણ રસી ન મળી
3 સ્થળે ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન સેન્ટર પર લાંબી કતારોમાં કાર લઇને ઉભા રહ્યા બાદ વારો આવ્યો ત્યારે તેમને કહેવાયું કે, તમે પ્રથમ ડોઝ લીધાને હજુ 42 દિવસ પૂરા થયા નથી. તેથી બીજો ડોઝ આ સમય પૂરો થયા પછી જ મળશે. આમ લોકોએ હોબાળો મચાવ્યો હતો.

વધુ 24943 લોકોએ કોરોનાની રસી લીધી
શહેેરમાં બુધવારે 24943 લોકોએ રસી મૂકાવી હતી. જેમાં 10369 45થી વધારે ઉંમરના, જ્યારે 7685 18થી 44 વર્ષના હતા.ડ્રાઇવથ્રુ વેક્સિનેસન નિકોલ ખાતે 888, ડ્રાઇવઇન સિનેમા ખાતે 555, જ્યારે સરદાર પટેલ ગ્રાઉન્ડ ખાતે 654 લોકોએ રસી મૂકાવી હતી.