રખડતા ઢોર મુદ્દે વિરોધ પ્રદર્શન:અમદાવાદમાં માલધારીઓએ અમારા ગામમાં વોટ માંગવા આવવું નહીં તેવા પોસ્ટરો લગાવ્યા, આજે સંતો સાથે બેઠક

અમદાવાદ23 દિવસ પહેલા
શહેરના વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લાગ્યા

રાજ્યમાં રસ્તે રખડતાં ઢોર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોજના 150થી વધુ ઢોરને પકડવામાં આવી રહ્યા છે. માલધારી સમાજનો આક્ષેપ છે કે કોર્પોરેશનની ટીમ ઘર પાસેથી અને બાંધેલી ગાયો પણ લઈ જાય છે. ઢોર પકડવાની કામગીરીને લઈ ભરવાડ યુવા સંગઠન દ્વારા આજે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભાજપ સરકાર વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. ભાજપ પક્ષના ચિહ્નન પર ચોકડી મારેલા તેમજ અમારા ગામ (નેહડા)માં વોટ માગવા આવવું નહી એવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

કોર્પોરેશનની ટીમો અમારા ઘરમાંથી ઢોર પકડી જાય છે
ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા આજે સવારે રામોલ,CTM,જશોદાનગર,રબારી કોલોની,ઓઢવ,વટવા,ઇસનપુર અને નારોલ વિસ્તારમાં પોસ્ટરો લગાવી વિરોધ કરવામાં આવ્યો છે. નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો અમારા ઘરમાંથી ઢોર પકડી જાય છે. માતા અને બહેનોને હેરાન કરવામાં આવે છે. અમારી માગ છે કે ગૌચરની જમીન પરના દબાણ ખાલી કરવામાં આવે. શહેરીકરણ બંધ કરી માલધારી વસાહત ઉભી કરવામાં આવે. વૈકલ્પિક જગ્યા આપી પછી શહેરીકરણ કરવામાં આવે તેવી અમારી માગ છે.

આંદોલનના બીજા કાર્યક્રમો અંગે નિર્ણય લેવાશે
રખડતાં ઢોર મામલે જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે સમગ્ર ગુજરાત માલધારી સમાજના સંતો, મહંતો અને આગેવાનીની આજે અમદાવાદમાં બેઠક મળવાની છે જેમાં વડવાળા મંદિરના કનિરામ બાપુ સહિતના સંતો આગેવાનો ઉપસ્થિત રહેશે અને હવે આ પરિસ્થિતિમાં સરકાર સામે કઈ રીતે રજુઆત તેમજ આગળ આંદોલન અને બીજા કાર્યક્રમોના નિર્ણય લેવામાં આવશે.