કોંગ્રેસના સિનિયર નેતા હવે 'આપ'ના:અમદાવાદમાં ઈસુદાને ટોપી પહેરાવી કૈલાશ ગઢવીનું 'આપ'માં સ્વાગત કર્યું, 10 જેટલા હોદ્દેદારો પણ જોડાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૈલાશ ગઢવી, પૂજા શર્મા અને એચ.કે ડાભી સહિતના કોંગ્રેસના હોદ્દેદારો AAPમાં જોડાયા

રાજયમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પક્ષમાં જોડાવવાના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસમાં નેતાઓની નારાજગી વચ્ચે હવે પાર્ટી છોડીને ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. આજે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા કૈલાશ ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાત આમ આદમી પાર્ટીના ચૂંટણી ઈન્ચાર્જ ગુલાબસિંહ યાદવ, આપના નેતા ઇસુદાન ગઢવીની હાજરીમાં તેઓએ આમ આદમીનો ખેસ અને ટોપી પહેરી હતી. આ સાથે 10 જેટલા હોદ્દેદારો અને આગેવાનો તથા તેમના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ આપમાં જોડાયા હતા.

આજે નવી ઈનિંગ શરૂ કરું છું:કૈલાશ ગઢવી
કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે, આજે નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છું. 27 વર્ષથી અહંકારી સરકાર રહી છે. મહિલા, સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણમાં કંઈ જ એવું નથી સરકારે કર્યું હોય. આજે નવી ઇનિંગ શરૂ કરું છું, જ્યાં નવું ગુજરાત જેમાં સુરક્ષા, શિક્ષણ મળે એવી વ્યવસ્થા ઉભી થાય એમાં જોડાઈએ. તેમણે વધુમાં કહ્યું કે, આજે 27 વર્ષ સુધી વિરોધ પક્ષ કોંગ્રેસ ભાજપને હરાવી શકી નથી. કોંગ્રેસમાં જીતવાની કમી છે. છેલ્લી ઘડીએ જીતનારાને બદલી દેવામાં આવતા હતા. 20 સીટો જીતવા લાયક હતી જે પાર્ટીએ જીતનારાને ન આપી અને હારી ગયા.

ગુલાબસિંહ યાદવ અને ઈસુદાન ગઢવી સાથે આપમાં જોડાનાર હોદ્દેદારોની તસવીર
ગુલાબસિંહ યાદવ અને ઈસુદાન ગઢવી સાથે આપમાં જોડાનાર હોદ્દેદારોની તસવીર

સરકાર હવે પેપર પણ બચાવી શકતી નથી: ગુલાબસિંહ યાદવ
આ દરમિયાન ગુલાબસિંહ યાદવે જણાવ્યું હતું કે, કૈલાશ ગઢવી, પૂજા શર્મા અને એચ.કે ડાભીનું સ્વાગત કરું છું. આવનારા મહિનામાં કે ગમે ત્યારે ચૂંટણીના પડઘમ દેખાય છે. દિવસ રાત પાર્ટીના કાર્યકર્તા લોકોને મળી સંગઠન બનાવી રહ્યા છીએ. જેઓ ગુજરાતની જનતા માટે સારું ઈચ્છતા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છીએ અને હજી જોડાશે. કોંગ્રેસ હોય કે ભાજપના જે પણ કાર્યકર્તા જેઓ ગુજરાતમાં સારું શિક્ષણ, વીજળી ઈચ્છે છે. તેઓને આહવાન છે કે આમ આદમી પાર્ટીમાં જોડાય. ધો. 7નું પેપર ચોરાઈ ગયું હવે સરકાર પેપર પણ બચાવી શકતી નથી. પેપરલીક નવું નથી. સરકાર જ લીક છે.

100થી વધુ કાર્યકર્તા સાથે કૈલાશ ગઢવી આપમાં જોડાયા
પાર્ટીમાં જોડાતા પહેલાં કૈલાશ ગઢવીએ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ગાંધીબાપુને પુષ્પાંજલિ અર્પી હતી અને ત્યારબાદ બાઇક રેલી સાથે 100 વધુ કાર્યકર્તાઓ સાથે ગાંધીઆશ્રમ સિલ્વર હોટલ સિલ્વર કલાઉડ ખાતે આપના નેતાઓની હાજરીમાં જોડાયા હતા. આ અગાઉ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુલાકાત કરી હતી. ટ્વિટર પર કેજરીવાલ સાથેની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો હતો.

અગાઉ ટ્વીટ કરીને કહ્યું હતું, 'પાર્ટીમાં બહુ થાક લાગ્યો છે'
કોંગ્રેસ નેતા કૈલાશ ગઢવીએ અગાઉ એક ટ્વિટ કર્યુ હતું કે, હવે પાર્ટીમાં થાક બહુ લાગ્યો છે. ચાલો કંઈક નવું કરીએ. સમગ્ર ટ્વિટ પર નજર કરીએ તો તેમણે લખ્યુ હતું કે, સત્તા મેળવવા કે સરકાર બનાવવાના કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. તેનાથી સૌથી વધુ નુકસાન જમીન સાથે જોડાયેલા તે કાર્યકર્તાઓ થાય છે. જે દિવસ રાત મહેનત કરે છે. હવે થાક બહુ લાગ્યો છે. ચાલો કંઈક નવું કરીએ.

અન્ય સમાચારો પણ છે...