ઇસુદાનની પોલીસને ચેતવણી:ઘાટલોડિયામાં સભાને મંજૂરી ન મળતા કહ્યું, 'જો ભાજપનો હાથો બની કામ કરશો તો અમે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું'

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • AAP તમારા ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરશે ત્યારે તમારે ઘરે બેસવું પડશે: ઇસુદાન

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીની આજે સાંજે ઘાટલોડિયા વિસ્તારમાં સતાધાર ચાર રસ્તા નજીક સાંઇબાબા મંદિર પાસે જનસંવાદની સભા હતી. જેને પોલીસે મંજૂરી આપી નથી. આપના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે મારી મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયામાં જન સભા હતી, જેને પોલીસે ટ્રાફિકના નામે મંજૂરી આપી નથી. છેલ્લા ઘણા વખતથી પોલીસ દ્વારા સભાની મંજૂરી કેન્સલ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીઆર પાટીલને સભા કરવાની મંજૂરી મળી શકતી હોય તો કેમ આમ આદમી પાર્ટીની સભાને કેમ મંજૂરી આપવામાં આવતી નથી.

'પોલીસ મંજૂરી વગર પણ સભા કરીશું'
ભાજપ એટલી ડરી ગઈ છે કે, સભાને મંજૂરી આપતી નથી? મારી રાજ્યના પોલીસવડાને સૂચન છે કે, તમે બંધારણના શપથ લઈને ડીજીપી તરીકે બેઠા છો. તમે કોઈના પર નથી. કાયદો વ્યવસ્થા જાળવવી તમારી જવાબદારી છે. તમામને અધિકારો છે અને અધિકારોનું હનન ન થાય તે જોવાની જવાબદારી તમારી છે. જો આગામી સમયમાં જો ભાજપ અમારી સભાઓ રદ કરશે તો અમે પોલીસ મંજૂરી વગર પણ સભા કરીશું અને ભાજપવાળા જો અરાજકતા ફેલાવશે તો તેની જવાબદારી પણ ભાજપ અને કાયદો વ્યવસ્થા સંભાળતી સરકારની છે.

'અમે ઈચ્છતા નથી કે કોઈ પોલીસ અધિકારી સસ્પેન્ડ થાય'
હું ગુજરાતની જનતાને જણાવું છું કે, આમ આદમી પાર્ટીની સભાઓની મંજૂરી રદ કરવામાં આવી રહી છે. અમે આજે પહેલીવાર તક આપીએ છીએ. એકવાર દબાણ કર્યું હોય પરંતુ બીજીવાર પોલીસ પણ ધ્યાન રાખે. અમે ઈચ્છતા નથી કે કોઈ પોલીસ અધિકારી સસ્પેન્ડ થાય. અમે ઇન્વેસ્ટિગેશન કરીએ અને તેઓ સસ્પેન્ડ થઈ જાય. અમે પણ કોઈના રોટલા પર દાગ લાગે કે અડચણરૂપ બનીએ પણ જો પોલીસ ભાજપનો હાથો બની કામ કરશે તો અમારે આ રસ્તો અપનાવો પડશે. ભાજપવાળા તમારી બદલી કરી શકશે. આમ આદમી પાર્ટી તમારા ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરશે ત્યારે તમારે ઘરે બેસવું પડશે યાદ રાખજો.

આપના નેતાને 80 કલાક બાદ પણ જજ સામે રજૂ કરાયા નથી
બનાસકાંઠામાં પાણીની માંગણી મામલે અનશન પર ઉતરેલા આમ આદમી પાર્ટીના નેતા ભેમાભાઈ ચૌધરીની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે હજી સુધી તેમને મુક્ત કર્યા નથી અને કોર્ટમાં રજૂ કરવા પડે પરંતુ હજી સુધી કાર્યવાહી ન કરતા આજે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપણા બંધારણમા કોઈને ડિટેઇન કરવામાં આવે તો 24 કલાકમા જજ સામે રજૂ કરવાના હોય છે. ભેમાભાઈ ચૌધરી 30 એપ્રિલ રાત્રે તેઓ અનશન પર ઉતર્યા હતા. જ્યા તેમની અટક રરવામાં આવી હતી 80 કલાક થઈ ગઈ છતા તેમને જજ સામે રજૂ નથી કર્યા. ઉત્તર ગુજરાતની ના ખેડુતો મુશ્કેલીમા મુકાયા છે. ભેમાભાઈ સાથે અન્ય બે લોકોની અટકાયત કરી હતી. થરા પોલીસ સ્ટેશનના અધિકારી સામે સિહોરી કોર્ટમાં ફરીયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...