ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં 20 જાન્યુઆરીથી ઓફલાઈન પરીક્ષા યોજાવાની હતી. કોરોનાના કેસો વધવાથી ઓફલાઈન પરીક્ષાના નિર્ણયથી વિદ્યાર્થીઓ સહમત નહોતા.જે અંગે દિવ્યભાસ્કર દ્વારા કોરોનાકાળમાં પણ ઓફલાઈન પરીક્ષા યોજવાનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ GTU દ્વારા 24 કલાકમાં પરિપત્ર કરીને નિર્ણય બદલવામાં આવ્યો છે. રાજ્યમાં રોજ 6 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યાં છે. આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ સંક્રમિત થયાં છે. તે ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી પરીક્ષા આપવા માટે આવવાના હતાં.
આ માટે GTU દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓનો વિરોધ હતો તેની સાથે NSUI દ્વારા પણ આજે GTU ખાતે ઉગ્ર પ્રદર્શન કરવાનું આયોજન હતું.GTUના કુલપતિ નવીન શેઠે તાત્કાલિક નિર્ણય બદલ્યો અને કહ્યું કે કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 20 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે હવે નવી તારીખ આગામી સમયમાં પરીક્ષાના 10 દિવસ અગાઉ જાહેર કરવામાં આવશે.
GTUના ઓફલાઈન પરીક્ષાના નિર્ણયનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો
કોરોનાના કેસ વધતા સ્કૂલોમાં 1 થી 9 ધોરણની સ્કૂલો ઓનલાઇન કરવામાં આવી છે અને અન્ય સ્કૂલ તથા કોલેજોને પણ ઓનલાઇન કે ઓફલાઇન ચાલુ રાખવા જેવી નિર્ણય લેવા જણાવ્યું છે. ત્યારે GTUની 20 જાન્યુઆરીથી શરૂ થનાર પરીક્ષા ઓફલાઇન જ લેવાશે જેવા નિર્ણયની સામે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો.વિદ્યાર્થીઓએ કહ્યું કે, સરકાર GTU પર છોડે છે અને GTU સરકાર પર,બંને વચ્ચે વિદ્યાર્થીઓ પીસાય છે. અત્યારે પ્રતિદિન 6000 કરતા વધુ કેસ આવી રહ્યા છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ છે અને કેટલાક વિદ્યાર્થીઓ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવે છે. ત્યારે ઓફલાઇન પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સંક્રમિત થાય તેવી શક્યતાઓ હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન યોજવા માંગણી કરી રહ્યાં હતાં.
ગત વર્ષે કેસ વધ્યા ત્યારે ચાલુ પરીક્ષા બંધ કરી હતી
અગાઉ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે કેસ વધ્યા ત્યારે ચાલુ પરીક્ષા બંધ કરી હતી. તો આ વર્ષે પણ તેનું પુનરાવર્તન થશે. GTU સરકાર પર નિર્ણય કરવાનું ઢોળે છે અને સરકાર GTU પર નિર્ણય કરવાનું ઢોળે છે. જો GTU સરકાર પર જ આધારિત હોય તો કુલપતિની જરૂર જ શું છે? આ અંગે NSUIના નેતા ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં પરીક્ષા ઓનલાઇન લેવી જોઈએ, છતાં GTU ઓફલાઇન પરીક્ષા લે અને તે દરમિયાન વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થાય તો તેની જવાબદારી GTUના કુલપતિની જ રહેશે. NSUI આ મામલે GTUનો ઘેરાવો કરીને ઉગ્ર વિરોધ કરશે તેવી જાહેરાત પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.