દીકરીની માતા-પિતાને ધમકી:અમદાવાદની કોલેજમાં ભણતા પ્રેમી સાથે પરણાવો, તેની જ કોલેજમાં એડમિશન અપાવો, નહીં તો આપઘાત કરીશ

અમદાવાદ3 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • છોકરાની ઉંમર પુખ્ત વયની ન હોવાથી પરિવારે લગ્ન કરાવવા ઈનકાર કર્યો હતો
  • હેલ્પલાઇનની ટીમે કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડ્યો
  • દીકરીએ હેલ્પલાઇનની ટીમને કહ્યું, મારે ધોરણ 12માં 90 ટકા આવ્યા છે, એટલે સારી કોલેજમાં એડમિશન લેવું છે

સમાજમાં દીકરો અથવા દીકરી યુવા વયનાં થાય ત્યારે માતા-પિતાની ચિંતા વધી જાય છે. પ્રેમના નામે તેઓ આંધળાં બનીને માતા-પિતાની સામે થઈ જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. યુવતીએ પોતાના પ્રેમીએ જે કોલેજમાં એડમિશન લીધું છે એ જ કોલેજમાં એડમિશન લેવાની જીદ પકડી હતી. એ ઉપરાંત તેની સાથે જ લગ્ન કરવા પણ માતા-પિતા પર દબાણ કર્યું હતું. છોકરો લગ્ન માટે પુખ્ત વયનો ન હોવાથી લગ્નની ના પાડતાં દીકરી જીદે ચઢી હતી.

પરિવારે રજાઓમાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો
અમદાવાદમાં મહિલા હેલ્પલાઇન અભયમ 181માં ફોન આવ્યો હતો કે મારી દીકરીની ઉંમર 18 વર્ષની છે અને ખોટી જીદ કરે છે. અમારા કહ્યામાં નથી, જેથી હેલ્પલાઇનની ટીમ યુવતીના ઘરે પહોંચી હતી, જ્યાં તેની માતાએ જણાવ્યું હતું કે મારે બે દીકરી છે. દિવાળીમાં બહાર ફરવા જવાનો અમે પ્લાન બનાવ્યો હતો, પરંતુ મોટી દીકરીએ બહાર ફરવા સાથે આવવાની ના પાડી હતી. હેલ્પલાઈનની ટીમે દીકરીનું કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. દીકરીને મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ વિશે ખ્યાલ આપ્યો હતો તેમજ તેની ઉંમર હાલમાં ભણવા માટેની છે એમ પણ સમજાવ્યું હતું.

છેલ્લાં ત્રણ વર્ષથી દીકરીનું પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે (પ્રતીકાત્મક તસવીર)
છેલ્લાં ત્રણ વર્ષથી દીકરીનું પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે (પ્રતીકાત્મક તસવીર)

દીકરીનું છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેમપ્રકરણ ચાલે છે
હેલ્પલાઇનની ટીમે દીકરીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે મારે ધો. 12માં 90 ટકા આવ્યા છે અને મારે મનગમતી કોલેજમાં એડમિશન લેવું છે, જેથી તેમનાં માતા-પિતાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેમની દીકરીને છેલ્લાં 3 વર્ષથી યુવક સાથે પ્રેમસંબંધ છે. તેના પ્રેમીએ જે કોલેજમાં એડમિશન લીધું છે એ જ કોલેજમાં એડમિશન લેવા કહે છે. બીજી કોલેજમાં એડમિશન માટે ના પાડે છે અને જો તેની જ કોલેજમાં એડમિશન ના અપાવે તો તેના પ્રેમી સાથે લગ્ન કરાવવાની જીદ કરે છે.

માતા-પિતા જીદ પૂરી નહીં કરતાં દીકરી આપઘાત કરવાની ધમકી આપે છે( પ્રતીકાત્મક તસવીર).
માતા-પિતા જીદ પૂરી નહીં કરતાં દીકરી આપઘાત કરવાની ધમકી આપે છે( પ્રતીકાત્મક તસવીર).

જીદ પૂરી નહીં કરતાં દીકરી આપઘાતની ધમકી આપે છે
દીકરીના પ્રેમીની ઉંમર 18 વર્ષની છે. પ્રેમીની ઉંમર પુખ્ત વયની નહીં હોવાથી લગ્ન કરાવી શકાય નહીં અને સાથે અભ્યાસ પણ ન કરી શકે, માટે એક જ કોલેજમાં એડમિશનની ના પાડી હતી. જો તેની બંને પ્રકારની જીદ નહીં પૂરી કરીએ તો આપઘાત કરવાની ધમકી આપે છે, જેથી મહિલા હેલ્પલાઇન અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરી સમજાવી હતી કે હિન્દુ મેરેજ એકટ મુજબ યુવકની લગ્ન કરવાની ઉંમર ઓછી છે, જેથી લગ્ન કરી શકે નહીં. તેઓ હાલમાં અભ્યાસમાં ધ્યાન આપે એ જરૂરી છે, જેથી યુવતીએ પણ પોતાની રીતે હવે અભ્યાસમાં ધ્યાન આપવાની બાંયધરી આપી હતી.