દિન દહાડે 12 લાખની ઉઠાંતરી:અમદાવાદમાં ગઠિયાઓએ કારચાલક સાથે તકરાર કરીને ગાડી ઉભી રખાવી, બે શખસો કારમાંથી પૈસા લઈ ફરાર

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં ગઠિયાઓ હવે પૈસા લઈને જતા કારચાલકને ટાર્ગેટ કરી રહ્યા છે. જેમાં કારચાલક સાથે તકરાર કરીને ટોળકીના માણસો ગાડીમાંથી પૈસાની ઉઠાતરી કરી જાય છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગાડીમાં પૈસા લઈને જતા કારચાલકને ઉભા રાખીને તકરાર કરી 2 ગઠિયા 12.75 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બાઇકચાલકે કાર પર હાથ મારી તકરાર કરી
ગાંધીનગરમાં રહેતા મનીષ ભટ્ટ ફોરેન એક્સચેન્જનું કામ કરે છે. ગઈકાલે મનીષભાઈ તેમની ગાડી લઈને સી.જી રોડથી પૈસા લઈને નીકળ્યા હતા. આયકર ભવન પાસે પહોંચતા એક બાઇકચાલકે તેમની ગાડી પર હાથ માર્યો હતો. જેથી મનીષભાઈ ગાડીની બહાર ગયા તો બાઇકચાલક થોડો આગળ જઈને ઉભો રહ્યો હતો. ત્યારે મનીષભાઈ તેની પાછળ ગયા અને ગાડી પર હાથ મારવા મામલે પૂછતાં બંને વચ્ચે તકરાર થઈ હતી.

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
જે બાદ મનીષભાઈ પરત ગાડી તરફ આવ્યા ત્યારે ગાડીનો એક કાચ તૂટેલો હતો અને અંદર રહેલી 12,75,000 રૂપિયા ભરેલી બેગ ગાયબ હતી. જે અંગે કાર પાસે ઉભેલા એક વ્યક્તિએ કહ્યું કે, એક વ્યક્તિ બેગ લઈને ભાગી ગયો છે. જેથી મનીષભાઈએ પોલીસને જાણ કરી હતી અને 12.75 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...