વાસણા સોરાઈનગરમાં પાનનો ગલ્લો ધરાવતા યુવાન પાસે તેના મિત્રે ઉછીના રૂ.500 માગ્યા હતા. જો કે પાનના ગલ્લા વાળાએ પૈસા આપવાની ના પાડી દેતા 3 મિત્રોએ ભેગા મળીના આડેધડ છરી ના ઘા ઝીંકી પાનના ગલ્લા વાળાની હત્યા કરી દીધી હતી. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વાસણા સોરાઈનગરમાં રહેતા દેવેન્દ્રભાઈ ઉર્ફે કાનો કેસરીલાલ માહોર(રાજપૂત)(35) પત્ની પ્રીતિબહેન દીકરા સિધ્ધાર્થ અને દીકરી દેવાંશી સાથે રહેતા હતા. દેવેન્દ્રભાઈ સોરાઈનગર ખાતે પાનનો ગલ્લો ધરાવતા હતા જ્યારે પ્રીતિબહેન બાવળાના મોરૈયા ખાતે આવેલી અરવિંદમીલમાં નોકરી કરતાં હતાં.
રવિવારે રાતે 8 વાગ્યે દેવેન્દ્રભાઈ પાનના ગલ્લે હાજર હતા. ત્યારે તેમના મિત્ર દિનેશ ઉર્ફે બુધો પોપટભાઈ કોચરા, વિજય ભૂપતભાઈ મકવાણા અને અજય ભીખાભાઈ મકવાણા(ત્રણેય રહે. સોરાઈનગર, વાસણા) ત્યાં આવ્યા હતા. આ ત્રણેય જણાં એ દેવેન્દ્રભાઈ પાસે રૂ.500 ઉછીના માંગ્યા હતા. જો કે દેવેન્દ્રભાઈએ પૈસા આપવાની ના પાડી દેતા આ ત્રણેયે ભેગા મળીને તેમને માર માર્યો હતો.
જ્યારે દિનેશે દેવેન્દ્રભાઈને છાતી અને દાઢીના ભાગે છરીના ઘા મારી દીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દેવેન્દ્રભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયુ હતુ. આ અંગે પ્રીતિબહેને વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.