અમદાવાદમાં ટ્રાફિકના નિયમનું પાલન કરાવવા માટે નાગરિકો પાસેથી પોલીસે અલગ પ્રકારે દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. એક સમયે સ્થળ પર જ રોકડ રકમનો દંડ વસૂલવામાં આવતો હતો. છેલ્લાં બે વર્ષમાં કોરોનાનો સમય હોવા છતાં પણ 42 કરોડ રૂપિયાનો રોકડમાં દંડ વસૂલવામાં આવ્યો છે. એ ઉપરાંત CCTVથી ઇ-મેમો મોકલીને દંડ વસૂલવાની પદ્ધતિમાં લોકોએ દંડ ભરવાનું માંડી વાળ્યું છે. છેલ્લાં બે વર્ષમાં 11 લાખ લોકોને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે, એમાંથી 90 ટકા લોકોએ દંડની રકમ નથી ભરી. જેથી લોકો પાસેથી ઈ-મેમોની દંડની રકમના 65 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. સૌથી મોટી વાત એ છે કે અમદાવાદ શહેરની 65 લાખની વસતિમાંથી 17 ટકા વસતિને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે, એટલે કે 15 ટકા લોકો સતત ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે.
પોલીસને ખાસ દંડ વસૂલાત સ્કવોડ કાર્યરત કરવી પડી
દંડની વસૂલાત કરવા માટે આખરે ટ્રાફિક-પોલીસે ખાસ દંડ વસૂલાત સ્કવોડ કાર્યરત કરવી પડી છે. શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહનચાલકો પાસેથી દંડ વસૂલાત માટે પોલીસ રસ્તા ઉપર ઊભી રહીને રોકડ દંડ વસૂલીને હાથેથી પહોંચ લખીને આપતી હતી. હવે સ્થળ પર ઊભાં ઊભાં જ ઓનલાઈન દંડ વસૂલાત કામગીરી માટે POS મશીન કાર્યરત કરવામાં આવ્યાં છે. દંડ વસૂલાતમાં આધુનિક થવામાં પોલીસને થોડો વધુ સમય લાગ્યો, એ દરમિયાન સીસીટીવીથી ઈ-મેમો મોકલવાની પદ્ધતિ અમલમાં હતી. ઈ-ચલણ મોકલવાની પદ્ધતિમાં પોલીસે જાણે લાખના બાર હજાર કરવા હોય એમ ઈ-ચલણ મોકલાયાં, એમાંથી માંડ 10 ટકા જ દંડની વસૂલાત થઈ શકી છે.
પોલીસ માટે ઈ-ચલણ કરતાં હાજર દંડ વધુ આશીર્વાદરૂપ
કોરોનાના સમયગાળામાં વર્ષ 2020થી જુલાઈ 2021 દરમિયાન નિયમભંગ કરનાર વાહનચાલકોને કુલ 11 લાખ 07 હજાર 235 ઈ-ચલણ અપાયાં હતાં. આમાંથી માંડ 10 ટકા એટલે કે 1.29 લાખ લોકોએ ઈ-ચલણના દંડની રકમ ભરપાઈ કરી છે. હજુ પણ 9.77 લાખ લોકોએ 64 કરોડ 88 લાખ રૂપિયાનો દંડ ભરપાઈ કરવાનો બાકી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે ઈ-ચલણ કરતાં હાજર દંડ વધુ આશીર્વાદરૂપ છે. વર્ષ 2020થી જુલાઈ-2021 સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 8.24 લાખ નાગરિકો પાસેથી સ્થળ પર જ 42.26 કરોડ રૂપિયાનો હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો.
માત્ર 1.29 લાખ લોકોએ દંડ ભર્યો
બે વર્ષમાં 8.24 લાખ લોકો પાસેથી હાજર દંડ વસૂલવામાં આવ્યો એના કરતાં ત્રણ લાખ વધુ લોકો એટલે કે કુલ 11.06 લોકોને ઈ-ચલણ મેમો પહોંચતાં કરવામાં આવ્યાં છે. કુલ 11 લાખ લોકોમાંથી માત્ર 1.29 લાખ લોકોએ ઈ-ચલણના મેમોની રકમ ભરપાઈ કરી છે. હજુ 9.77 લાખ લોકો પાસેથી 64.88 કરોડ રૂપિયાની ઈ-ચલણની દંડ વસૂલાત કરવાના બાકી છે. બે વર્ષમાં બધું થઈને કુલ 107 કરોડ રૂપિયા ટ્રાફિક દંડ ફટકારવામાં આવ્યો, એમાંથી ઈ-ચલાનના 65 કરોડ રૂપિયાની વસૂલાત તો બાકી છે. મતલબ કે સરેરાશ 70 ટકા દંડ વસૂલાત હજુ બાકી છે. ટ્રાફિક-પોલીસે અગાઉના બાકી પૈસાની વસૂલાત કરવા માટે સ્પેશિયલ સ્કવોડ બનાવી છે.
150 કર્મચારીને કાર્ડથી દંડ વસૂલવાની ટ્રેનિંગ અપાઈ
30 જુલાઈ 2021થી અમદાવાદ ટ્રાફિક-પોલીસ સ્વાઈપ મશીનમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને પણ વાહનચાલક પાસેથી સ્થળ પરથી દંડ વસૂલવાનું શરૂ કરશે. આ માટે અમદાવાદ ટ્રાફિક-પોલીસે 150 સ્વાઈપ મશીન ખરીદ્યાં છે. એના માટે ટ્રાફિક-પોલીસના 150 હેડ કોન્સ્ટેબલને મશીનમાં કાર્ડ સ્વાઈપ કરીને દંડ વસૂલવાની 3 દિવસની ટ્રેનિંગ આપી હતી. પ્રાયોગિક ધોરણે પશ્ચિમ અમદાવાદમાં સ્વાઈપ મશીનથી દંડ વસૂલવાનું શરૂ કરાશે.
કયા કારણથી કેટલાં લોકોનાં મોત
કારણ | મૃતકની સંખ્યા |
ઓવરસ્પીડ | 433 |
ડ્રંક એન્ડ ડ્રાઈવ | 1 |
રોંગ સાઈડ | 4 |
મોબાઈલ | 1 |
2019-20માં 439 લોકોનાં અકસ્માતમાં મોત થયાં
શહેરમાં વર્ષ-2018ના વર્ષમાં કુલ મળીને 1585 અકસ્માત થયા હતા. આ અકસ્માતમાં કુલ 316 લોકોનાં મોત થયાં હતાં. વર્ષ-2019માં અમદાવાદમાં નોંધાયેલા અકસ્માતની સંખ્યા 1375 રહેવા પામી હતી, જેની સામે મૃતકોની સંખ્યા 439 થતાં મૃતકાંકની સંખ્યામાં 38 ટકાનો વધારો થયો છે. 2019-20ના વર્ષમાં થયેલા અકસ્માત અને મૃતકોની સંખ્યામાં સૌથી મોટું કારણ ઓવરસ્પીડ હોવાનું બહાર આવવા પામ્યું છે. અકસ્માતમાં 135 જેટલા રાહદારીઓ અને 126 જેટલા ટૂ-વ્હીલર ચાલકોનાં મોત થયાં હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.