વરસાદી પાણી નિકાલનો પ્રશ્ન:અમદાવાદમાં ભારે વરસાદથી નિકોલ, નારોલ અને વટવામાં પાણી ભરાયા તેનો અધિકારીઓ પાસે જવાબ મંગાયો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં 15 દિવસ પહેલા ભારે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના કેટલાક એવા વિસ્તારો હતા જેમાં બેથી ત્રણ દિવસ સુધી પાણી ઉતર્યા ન હતા. ગુરુવારે મળેલી વોટર એન્ડ સપ્લાય કમિટીમાં ચેરમેન જતીન પટેલે કોર્પોરેશનના તમામ એન્જિનિયરો અને અધિકારીઓ પાસેથી જે વિસ્તારમાં વધુ દિવસો પાણી ભરાયા હતા એવા નારોલ, વટવા, વસ્ત્રાલ, નિકોલ, બાપુનગર અને શાંતિપુરા સર્કલ પાસે ભરાઈ રહ્યા તે અંગેનો ખુલાસો માંગ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં પાણી ઝડપથી ઉતરી જતા હોય છે પરંતુ આ વિસ્તારોમાં શામાટે ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ રહ્યા હતા અને નિકાલ કેમ નથી થઈ શકતો તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

વોટર એન્ડ સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે કમિટીમાં સૌથી વધારે શહેરમાં જે વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યાં નિકાલ કેમ ઝડપી ન થઇ શક્યો તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૌથી વધારે પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ, નારોલ, વસ્ત્રાલ, નરોડા અને બાપુનગરમાં પાણી ભરાયા હતા. ત્રણ દિવસ સુધી પાણીનો નિકાલ કેમ ન થયો તે અંગે જવાબ આપવા માટે તેઓને જણાવ્યું છે. આગામી મળનારી કમિટીમાં આ મામલે ચર્ચા કરવામાં આવશે અને આવતા વર્ષે આ વિસ્તારોમાં પાણી ન ભરાય તેના આયોજન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલા કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો મોટા મોટા દાવા કરતા હોય છે કે પ્રિમોન્સૂનમાં ત્રણ રાઉન્ડ કેચપીટની સફાઈ કરવામાં આવી છે. છતાં પણ પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ, નારોલ અને વટવા જેવા વિસ્તારોમાં પણ ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ ગયા હતા ખુદ સત્તાધીશોને પાણીના નિકાલ માટે રાઉન્ડ લેવાની ફરજ પડી હતી ત્યારે અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હોવાની ઉપરથી ફરિયાદો ઊઠતાં ચેરમેન દ્વારા અધિકારીઓ પાસે આ બાબતનો ખુલાસો માંગવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...