શહેરમાં ભાભી દિયરના સંબંધોને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા ઘરે એકલી હતી. ત્યારે તેની એકલતાનો લાભ લઇ તેનો દિયર ઘરે આવી ગયો હતો. જેણે છેડતી કરવાના ઇરાદે આ મહિલાનો હાથ પકડ્યો હતો. મહિલાએ પ્રતિકાર કરતા જ તેનો દિયર આવેશમાં આવી ગયો અને તેની ભાભી સાથે છેડતી કરી હતી. સમગ્ર બાબતને લઈને મહિલાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહિલાએ બચાવમાં દિયરને ધક્કો માર્યો હતો
મેઘાણીનગરમાં રહેતી 31 વર્ષીય મહિલા ઘરકામ કરે છે. તેને સંતાનમાં બે દીકરીઓ છે. તેનો પતિ એમ્બ્યુલન્સ ચલાવે છે. મહિલા રાત્રે નવેક વાગ્યે ઘરે એકલી હતી. ત્યારે તેની બંને દીકરીઓ પાડોશમાં રમવા ગઈ હતી. તેનો પતિ પણ એમ્બ્યુલન્સ લઈ કામથી સિવિલ હોસ્પિટલમાં ગયો હતો. આ મહિલા એકલી હોવાનું જાણી તેનો સગો દિયર ઘરે આવી ગયો હતો. જેણે મહિલાના ઘરે જઈ અચાનક જ તેનો હાથ પકડી લીધો હતો. મહિલા ગભરાઈ જતા તેણે હાથ છોડી દેવા કહેતા તેના દિયરે તેની સાથે છેડતી કરવાનું શરૂ કરી દીધું. મહિલાની ઈજ્જત પર હાથ નાખતા મહિલાએ બચાવમાં આ દિયરને ધક્કો માર્યો હતો. બાદમાં મોટા ભાઈને જણાવી દઈશ તેવું કહેતા આ દિયર ત્યાંથી નીકળી ગયો હતો.
મહિલા પતિ સાથે પહોંચી પોલીસ સ્ટેશન
જ્યારે મહિલાનો પતિ ઘરે આવ્યો ત્યારે મહિલાએ સમગ્ર બાબતની જાણ કરી હતી. જેથી મહિલાના પતિએ ફરિયાદ કરવાનું કહેતા મહિલા તેના પતિ સાથે મેઘાણી નગર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસે સમગ્ર હકીકત સાંભળી આ અંગે મહિલાના દિયર સામે છેડતીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અનેક છેડતીના કિસ્સા બની રહેતા મહિલાઓની સુરક્ષા સામે સવાલો થઈ રહ્યા છે. મહિલાઓની સુરક્ષા માટે પોલીસ અનેક પ્રોજેકટ પર કામ કરે છે છતાંય આવા બનાવો બનતા શહેર પોલીસની કામગીરી પર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા હોવાનું મનાય રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.