અમદાવાદ શહેરમાં ચાલુ વરસે વરસેલા વરસાદથી ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લોકોના મકાન, દુકાન અને રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે ભારે નુકસાન થયું છે. પાણી ભરાઈ જવાને કારણે લોકોએ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. શહેર જળબંબાકાર થવા પાછળ અનેક કારણો હોવાની ચર્ચાઓ ચાલી છે. જે અંગે દિવ્યભાસ્કરે સાચી હકિકત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે. CEPT યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર દ્વારા શહેરમાં ભરાતા વરસાદી પાણીની અસરો અંગે કરેલ અભ્યાસના આઘારે કેટલાક કારણો સામે આવ્યાં છે. જેમાં સૌથી મોટું કારણ શહેરમાં વધી રહેલું કન્સ્ટ્રક્શન છે.
એક દાયકામાં કન્સ્ટ્રક્શન 30 ટકા વધ્યું
CEPT યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર તુષાર બોઝ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની સેટેલાઈટ ઇમેજનો આધાર લઈ તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2001 એટલે કે અમદાવાદ શહેરમાં 21 વર્ષ પહેલા જમીન પર 40થી 50% કન્સ્ટ્રક્શન એરીયા હતો. જેમાં આજે 30%નો વધારો થયો છે. કન્સ્ટ્રક્શન વધવાને કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરી શકતું અને પાણી રસ્તા પર લાંબો સમય સુધી ભરાયેલું રહે છે.
21 વર્ષ અગાઉ જમીન પર વૃક્ષોનું પ્રમાણ વધુ હતું
CEPT યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર તુષાર બોઝ દ્વારા સેટેલાઈટ ઇમેજ દ્વારા વરસાદી પાણી કેમ ભરાય છે તે સરળતાથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદમાં 21 વર્ષ અગાઉ જમીન પર વૃક્ષોનું પ્રમાણ વધુ હતું. બાંધકામના વિસ્તારનું પ્રમાણ વધુ ન હતું, જેથી વરસાદી પાણી જમીનમાં સરળતાથી પોતાનો રસ્તો બનાવી શકતું પરંતુ દિવસે દિવસે શહેરનો વિકાસ થતો ગયો તેમ તેમ જમીન પર બાંધકામનું પ્રમાણ પણ વધ્યું. બાંધકામ વધવાને કારણે જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે.
જમીન વરસાદી પાણીને ગ્રહણ કરવામાં સફળ નથી થતી
પ્રોફેસર તુષાર બોઝ દ્વારા બતાવવામાં આવેલી તસવીરોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે લીલાં રંગ દર્શાવતા હિસ્સામાં સરેરાશ પ્રમાણમાં વધુ વૃક્ષો ધરાવતો વિસ્તાર હતો, જે હાલમાં કોરો ધાકોર જોવા મળી રહ્યો છે. ઇન્ટરગવર્ન્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ એટલે કે IPCC, જે એશિયાઇ દેશોમાં વાયુ પરિવર્તન સંદર્ભે સંશોધનની કામગીરી કરે છે તેના અહેવાલ પ્રમાણે હવે વરસાદની તીવ્રતામાં વધારો થઈ રહ્યો છે, ઉપરાંત જળવાયુ પરિવર્તનના કારણે વરસાદની પેટર્ન અવારનવાર બદલાતી રહે છે. આ પરિસ્થિતિમાં વરસાદ વધુ પડે છે અને બીજી તરફ જમીન વરસાદી પાણીને ગ્રહણ કરવામાં સફળ નથી થતી.
પાણીને તળાવમાં સંગ્રહ કરવા આયોજન જરૂરી
પ્રોફેસર તુષાર બોઝ દ્વારા કરાયેલ અભ્યાસ બાદ તેમનું માનવું છે કે જો વરસાદી પાણીને તળાવમાં યોગ્ય રીતે સંગ્રહ માટેની નીતિ - આયોજન હોવું ખૂબ જ જરૂરી છે સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે સોસાયટીના સ્થાનિક લોકોએ બાકી રહેલ જગ્યા પર પીર્મિએબલ પેવર બ્લોક, રેઇન વૉટર હરાવેસ્ટીંગ, પીરકોલેશન ટેન્ક, વૃક્ષો રોપી જમીનમાં ચોરસ બૉક્સ બનાવી જગ્યા કોરી રાખવી જોઈએ જેથી પાણીનો સંગ્રહ થઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.