અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમમાં પણ કેટલાક વિસ્તારમાં પાણી ઓછા પ્રેશરથી અને ક્યારેક તો પાણી આવતું જ ન હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. શહેરમાં પાણીની સમસ્યાને લઇ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ, કોંગ્રેસના કોર્પોરેટરો સહિત લોકો પાણીની ડોલ, બ્રશ લઈ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાના લો ગાર્ડન સ્થિત બંગલે પહોંચ્યા હતા. કમિશનર બંગલાની બહાર કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી.
પાણી આપોના નારા લગાવી વિરોધ કર્યો
કોંગ્રેસના નેતાઓ અને લોકોએ હાય રે કમિશનર હાય હાય અને પાણી આપો પાણી આપોની માગ કરી વિરોધ કર્યો હતો.અમદાવાદ શહેરમાં પાણીની સમસ્યાને લઇ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંગલે આશ્ચર્યજનક કાર્યક્રમનું આયોજન વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટરો અને લોકો પાણીની ડોલ, બ્રશ અને ટુવાલ લઈ મ્યુનિસિપલ કમિશનરના બંગલે જઈ અને નાહવા માટે પાણી આપોના નારા લગાવી વિરોધ કર્યો હતો.
પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય છે
શહેઝાદખાન પઠાણ, ઇકબાલ શેખ સહિતના કોર્પોરેટરો-લોકોએ કમિશનર બંગલાની બહાર બેસીને પાણી આપો, પાણી આપોના નારા લગાવ્યા હતા. કમિશનર હમારા લોચન સહેરા હે પાણી કે નામ પર બહેરા હેના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતા અને કોર્પોરેટરો સહિત 15થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.એક તરફ શહેરમાં પાણીની સમસ્યા છે તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં ગેરકાયદેસર પાણીના જોડાણો પહોંચાડવામાં આવે છે અને અનેક જગ્યાએ પાણીની પાઈપલાઈનો તૂટેલી છે. શહેરનો પૂર્વ કે પશ્ચિમ વિસ્તાર હોય દરેક વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય છે.
એકતરફ પાણીની સમસ્યા છે તો બીજી તરફ વેડફાટ
બુધવારે ઘોડાસર વિસ્તારમાં પાણીની પાઈપલાઈન તૂટી જતા હજારો લીટર પાણીનો ફુવારો ઉડયો હતો અને રોડ પર વહી ગયું હતું. જ્યારે થલતેજ વિસ્તારમાં એલન કલાસીસ રોડ પર દરરોજ સવારે પાણીનો વેડફાટ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો અને આ પાણીનો વેડફાટ નથી પરંતુ નજીકમાં રોડ પર ફૂટપાથ પર રહેતા લોકો આ પાણીની એક એક ટીપાંની કિંમત છે અને તેઓ આ પાણીને ભરી તેનો ઉપયોગ કરે છે. એકતરફ પાણીની સમસ્યા છે તો બીજી તરફ વેડફાટ અને ગેરકાયદેસર કનેક્શનના પગલે લોકો હેરાન થઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.