સ્કૂલોની હાલતથી AAPને મોકળું મેદાન:અમદાવાદ શહેરની વચ્ચે આવેલી મ્યુનિ. સ્કૂલ ખંડેર બનતાં બંધ કરી, આંગણવાડી શરૂ કરી તો દારૂડિયાઓનો અડ્ડો બની

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ દ્વારા દાવા કરવામાં આવે છે કે ખાનગી સ્કૂલો થોડી અને હવે સરકારી શાળામાં બાળકો ભણવા આવી રહ્યાં છે. મ્યુનિસિપલ સ્કૂલોમાં એડમિશન વધ્યાં છે, પરંતુ અમદાવાદની એક એવી સ્કૂલ છે, જેમાં વિદ્યાર્થીઓ ન હોવાને કારણે બંધ કરી દેવામાં આવી છે અને હાલમાં આ સ્કૂલ ખંડેર બની ગઈ છે અને આવી ખંડેર કાંકરિયા ગુજરાતી સ્કૂલ નંબર 3-4માં બે આંગણવાડીઓ બનાવવામાં આવી છે. ત્રણ મહિના પહેલાં જ રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ દ્વારા આંગણવાડીઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ આજે એની હાલત એટલી ખરાબ છે કે બાળકોને રમવાનાં સાધનો તૂટી ગયાં છે. આંગણવાડીની બહાર વરસાદી પાણી ભરાયેલાં છે, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યાં નાનાં બાળકો ભણે છે ત્યાં જ પાછળ આવેલા દારૂના અડ્ડાઓમાં દારૂડિયા દારૂ પી સ્કૂલમાં ઘૂસી જાય છે અને ત્યાં જ બેસે છે, જેથી બાળકોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. આવા વાતાવરણમાં બાળકો કઈ રીતે ભણશે એના પર સવાલ છે.

દારૂ પીને લોકો આવતા હોવાથી બાળકો પણ અસુરક્ષિત
રાયપુર વિસ્તારમાં આવેલા કાંટોડિયા વાસની કાંકરિયા ગુજરાતી શાળા નંબર 3-4 દિવ્ય ભાસ્કરે જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો ત્યારે સૌથી પહેલા તો દરવાજાની બહાર જ ગંદકી જોવા મળી હતી. ત્યાર બાદ અંદર બનાવવામાં આવેલી આંગણવાડી, જેનું 6 મે 2022ના રોજ મંત્રી જગદીશ પંચાલે ઉદઘાટન કર્યું હતું. તેની તપાસ કરતાં બહાર વરસાદી પાણી ભરાયેલું હતું અને એનાં તૂટેલાં સાધનો જોવા મળ્યાં હતાં. સ્કૂલની તપાસ કરતાં સંડાશ બાથરૂમ બધાં તૂટેલાં હતાં અને બહારથી સ્કૂલની હાલત એવી હતી કે ખંડેર બિલ્ડિંગ બની ગયું છે. આંગણવાડીમાં સવારથી બપોર સુધી બાળકો ભણતાં હોય છે, પરંતુ આ વિસ્તારમાં દારૂ પીને લોકો આવતા હોવાથી બાળકો પણ અસુરક્ષિત છે. સ્થાનિક કોર્પોરેટરો ત્યાં આવતા નથી અને પોલીસ પણ ત્યાં જતી નથી, જેથી આવા વાતાવરણમાં કઈ રીતે બાળકો ભણી શકશે એના પર સવાલ છે.