શહેરની સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર મેળવે છે, જેમાં દર્દીઓ ગંભીર હાલતમાં પણ હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલા બીજે મેડિકલ કોલેજ દ્વારા ગઈકાલ રાત્રે લાઈવ કોન્સર્ટ યોજવામાં આવ્યો હતો. લાઈવ કોન્સર્ટમાં ડોક્ટર અને વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા પણ હતા. મહત્ત્વનું તો એ છે કે સ્થાનિક પોલીસે કાર્યક્રમ માટે પરવાનગી પણ આપી હતી. ત્યારે હોસ્પિટલમાં દાખલ અનેક દર્દીઓ લાઉડસ્પીકરના ઘોંઘાટને કારણે પરેશાન થયા હતા.
હોસ્પિટલ કેમ્પસમાં સચિન-જિગરનો લાઇવ કોન્સર્ટ
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજ દ્વારા સિંગર સચિન-જિગરનો લાઈવ કોન્સર્ટ રાખવામાં આવ્યો હતો. આમાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોકટર હાજર રહ્યા હતા. તથા બહારના લોકો પણ આવી શકે એ માટે પાસ રાખવામાં આવ્યા હતા. 150 રૂપિયામાં લાઈવ કોન્સર્ટના પાસ પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજે રાત્રે ગરબા પણ રાખવામાં આવ્યા છે.
લાઉડસ્પીકરના ઘોંઘાટ વચ્ચે દર્દીઓ પરેશાન
એક તરફ, સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દી દાખલ હોય છે અને બીજી તરફ કોલેજના વિદ્યાર્થીઓ તથા ડોકટર દ્વારા લાઈવ કોન્સર્ટ કરીને ડીજે વગાડવામાં આવે છે, જેનાથી દર્દીઓ પરેશાન પણ થાય છે. હોસ્પિટલ કેમ્પસ સાઇલન્ટ ઝોન હોવા છતાં શાહીબાગ પોલીસે પરવાનગી પણ આપી હતી અને પોલીસ ગરબા દરમિયાન તપાસ કરવા પણ ગઈ નહોતી. આ ઉપરાંત આજે રાત્રે મેડિકલ ગ્રાઉન્ડમાં ગરબા પણ યોજવામાં આવ્યા છે, જેમાં ડીજે સાથે ગરબા યોજાશે.
પોલીસે મર્યાદિત અવાજમાં લાઉડસ્પીકર સાથે પરવાનગી આપ્યાનું જણાવ્યું
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ આ અંગે જણાવ્યું હતું કે હું આ મામલે જવાબ નહીં આપી શકું, તમે બીજે મેડિકલના ડીન કલ્પેશ શાહ સાથે વાત કરો. કલ્પેશ શાહને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે ફોન ઉઠાવ્યો નહોતો. આ અંગે શાહીબાગ પીઆઇ કે.ડી જાડેજાએ જણાવ્યું હતું કે સાઇલન્ટ ઝોન છે, પરંતુ મર્યાદિત અવાજમાં લાઉડસ્પીકર અને કાર્યક્રમ માટે અમે પરવાનગી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.