ભાસ્કર એક્સક્લૂઝિવ:અમદાવાદ સિવિલમાં 621 ભૂતિયા નામે બિલ બની ગયાં અને 1.12 કરોડ ચૂકવાઈ પણ ગયા

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ - ફાઇલ તસવીર
  • કોવિડમાં સરકારે તાત્કાલિક ચોથા વર્ગના કર્મચારીની ભરતી કરવાનું કહ્યું, એજન્સીએ માત્ર બિલ બનાવ્યું
  • ઓડિટ રિપોર્ટમાં કૌભાંડની નોંધ મૂકવામાં આવી છતાં RMO, સેનેટરી ઇન્સ્પેક્ટર અને નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટે એજન્સીએ રજૂ કરેલા ખોટાં બિલ મંજૂર કરી નાખ્યાં

સિવિલમાં વર્ગ-4ના કર્મચારી ન આવ્યા હોવા છતા એજન્સીને રૂ.1.12 કરોડ પગાર ચૂકવાયાનું કૌભાંડ પકડાયું છે. કોવિડ દરમિયાન સિવિલ 1200 બેડમાં દર્દીઓની સંખ્યા વધતાં સરકારે હયાત સંખ્યા ઉપરાંત 621 કર્મચારીની ત્રણ મહિના માટે કરાર આધારિત નિમણૂક કરવા આદેશ કર્યો હતો. જોકે એજન્સીએ વધારાનો સ્ટાફ પૂરો પાડ્યો ન હતો, પરંતુ બિલ મૂક્યું હતું.હાજરી રજિસ્ટર અને એજન્સીએ રજૂ કરેલા બિલની વિગતો તપાસતા સમગ્ર કૌભાંડ પકડાયું છે.

આરટીઆઈ અને સૂત્રોની માહિતી મુજબ કોરોનાની પ્રથમ લહેર દરમિયાન હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હતા અને વર્ગ-4ના સ્ટાફની ભારે અછતથી સરકારે સિવિલમાં તાત્કાલિક કોન્ટ્રાક્ટ આધારિત સ્ટાફ મૂકવા મેસર્સ રાજદીપ એન્ટરપ્રાઈઝને આદેશ કર્યો હતો. ઓડિટ કરતા ધ્યાને આવ્યું કે, એપ્રિલ અને મે 2020 દરમિયાન વર્ગ-4ના કર્મચારીઓની સંખ્યા 174થી 667 સુધી જ રહી હતી તેમ છતાં રાજદીપ એન્ટરપ્રાઈઝે રજૂ કરેલ બિલમાં 1200 બેડ ખાતે 1120 કર્મચારી હાજર હોવાનું બિલ રજૂ કર્યું હતું. વહીવટી શાખાના એક અધિકારીએ કર્મચારીઓની ખરેખર હાજરી અને એજન્સીએ રજૂ કરેલ બિલમાં કર્મચારીઓની હાજરી બાબત સરખામણી કરી હતી. જેમાં એજન્સી દ્વારા 621 કર્મચારીઓનું ખોટુ બિલ બનાવી રજૂ કર્યું હોવાનું સામે આવ્યું હતું.

સામાન્ય રીતે બિલનું પેમેન્ટ કરવાનું હોય ત્યારે બિલની ખરાઈ કરવામાં આવતી હોય છે. ઓડિટ રિપોર્ટ આધારે વહીવટી અધિકારીએ રાજદીપ એન્ટરપ્રાઈઝે સિવિલ ખાતે ખોટા બિલો રજૂ કર્યા છે તેમજ સેનેટરી ઈન્સ્પેક્ટર, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ અને આરએમઓએ ખોટા બિલોને પ્રમાણિત કરી આપ્યા હોવાથી બિલને પરત કરી સહી કરનાર ત્રણે અધિકારી પાસે ખુલાસો માગવામાં આવે તેવી સ્પષ્ટ નોંધ મૂકી હતી.

મહત્ત્વનું છે કે, વર્ગ-4ના વધારાના 621 કર્મચારી ફાળવવા બાબતે 8 એપ્રિલ 2020 અને 21 એપ્રિલ 2020ના રોજ આદેશ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય બહારથી પણ વર્ગ-4ના કર્મચારીઓ પૂરા પાડવા જણાવ્યું હતું તેમ છતા રાજદીપ એન્ટરપ્રાઈઝે કર્મચારીઓ ફાળવ્યા ન હતા. સમગ્ર બાબતે સિવિલ હોસ્પિટલમાં રાજદીપ એન્ટરપ્રાઈઝના ઈનચાર્જ શૈલેષભાઈનો વારંવાર સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ તેમને મોબાઈલ સતત સ્વિચઓફ આવતો હતો.

કૌભાંડ બહાર લાવનારા અધિકારીની બદલી કરી જૂની નોંધ રદ કરાઈ અને એજન્સીને પેમેન્ટ થયું
વહીવટી શાખામાં હેડ ક્લાર્કે તરીકે ફરજ બજાવતા અધિકારીએ ફરજના ભાગરૂપે કર્મચારીઓની હાજરી બાબતની તપાસ કરી હતી જેમાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. રાજદીપ એન્ટ્રપ્રાઈઝ દ્વારા 621 કર્મચારીઓના ખોટા બિલો રજૂ કર્યાનું સામે આવ્યું હતું. આ બાબતે 20 જુલાઈ 2020ના રોજ અધિકારીએ નોંધ મૂકી બિલને પરત મોકલવા ભલામણ કરી હતી. મહત્ત્વનું છે કે, હેડ ક્લાર્કે જે નોંધ મૂકી હતી તેના ઉપર અન્ય ત્રણ અધિકારીઓની પણ સહી થયેલી હતી. વિશ્વસનીય સૂત્રો દ્વારા ઓરિજનલ નોંધ પ્રાપ્ત થઈ હતી. સિવિલ દ્વારા આ અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી અને જૂની નોંધને રદ કરી સુધારા સાથે નવી નોંધ મૂકી રાજદીપ એન્ટરપ્રાઈઝને બિલ ચૂકવી દેવાયું હતું.

અધિકારીઓની સહી પછી જ પેમેન્ટ થયાનો દાવો
એપ્રિલ અને મે 2020 દરમિયાન રાજદીપ એન્ટરપ્રાઈઝને બિલની ચૂકવણી થઈ છે તેમાં જે તે વિભાગના અધિકારીઓની સહી થયા બાદ પેમેન્ટ કરવામાં આવેલું છે. > ડૉ. રાકેશ જોષી, સિવિલ સુપરિન્ટેન્ડન્ટ

રેકોર્ડની તપાસમાં ગોટાળો પકડાયો હોવા છતાં ઢાંકપિછોડો થયો
રાજદીપ એન્ટરપ્રાઈઝે 621 કર્મચારીઓનું એપ્રિલ-2020નું બિલ 30,98,285 રૂપિયા (ઈનવોઈસ નંબર -01 covid) પહેલી મે અને મે-2020નું બિલ 82,30,301 (ઈનવોઈસ નંબર 02 covid) પહેલી જૂને રજૂ કર્યું હતું. 2 જુલાઈના રોજ બંને બિલો વહીવટી શાખામાં પેમેન્ટ માટે આવ્યા હતા ત્યારે અધિકારી દ્વારા હાજરી બાબતે હોસ્પિટલ રેકર્ડની તપાસ કરી હતી જેમાં ગોટાળો સામે આવતા ગંભીર નોંધ મુકાઈ હતી જેના પર મુખ્ય ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ અને વહિવટી અધીકારીએ સહી કરી હતી. નોંધ મુજબ બિલને પરત કરી આરએમઓ, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ અને સેનેટરી ઈન્સ્પેક્ટરે કે જેમણે કર્મચારીઓની હાજરી પ્રમાણિત કરી હતી તેમની પાસે ખુલાસો માગવા જણાવ્યું હતું. નોંધ બદલવા માટે અધિકારીઓ ઉપર દબાણ પણ આવ્યું હતું. તાબે નહીં થનાર અધિકારીઓની અન્ય વિભાગમાં બદલી કરાઈ હતી. આ કૌભાંડ બાબતે સિવિલના પૂર્વ કર્મચારી અને આરટીઆઈ એક્ટિવિસ્ટ જયંતી આહિરે પણ માહિતી માગી હતી પણ તેમને અપૂરતી માહિતી આપવામાં આવી હતી. જયંતી આહિરે કહ્યું કે, સિવિલમાં સેનેટરી ઈન્સપેક્ટર વર્ગ-3 ફરજ બજાવે છે તે હકીકતમાં પંચાયતમાં મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની જગ્યાએ નિમણૂક પામેલા છે. તેમને ખોટી રીતે સેનેટરી ઈન્સ્પેક્ટર બનાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...