તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગની ગંભીરતા:અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઈકોસિસિના કારણે 14 લોકોએ આંખ ગુમાવી, 550 દર્દીઓની સર્જરી થઈ, 400 દર્દી સારવાર હેઠળ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • રાજ્યમાં 4 મોટા શહેરોની સિવિલ હોસ્પિટલોમાં ડોક્ટરોની ટીમ દ્વારા દિવસ-રાત દર્દીઓની સર્જરી કરે છે
  • મોટાભાગના દર્દીઓની સારવાર 20 દિવસ સુધી ચાલી હતી

દેશભરમાંથી સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસિના કેસ ગુજરાતમાં નોંધાયા છે. જેમા પણ અમદાવાદમાં અંદાજે 900ની આસપાસ દર્દી અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ છે. સિવિલમાં અત્યાર સુધીમાં 550 લોકોની સર્જરી કરવામાં આવી છે. જેમાથી 14 દર્દીઓએ પોતાની આંખ ગુમાવવી પડી છે. હાલમાં 400ની આસપાસ દર્દી સારવાર હેઠળ છે. જોકે થોડા સમયથી મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

અનેક દર્દીઓએ સર્જરી સમયે પોતાના શરીરના અંગ ગુમાવવા
ગુજરાતમાં કોરોના પછી મ્યુકોરમાઈકોસિસિના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો હતો. જેના કારણે રાજ્યમાં 4 મોટા શહેરોની સિવિલ હોસ્પિટલોમાં ડોક્ટરોની ટીમ દ્વારા દિવસ-રાત દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. મ્યુકોરમાઈકોસિસિ એટલી ગંભીર બીમારી છે. જેનાથી અનેક દર્દીઓએ સર્જરી સમયે પોતાના શરીરના અંગ ગુમાવવા પડ્યા છે. અમદાવાદની સિવિલમાં પણ 550 દર્દીઓની સર્જરી થઈ જેમાથી 14 દર્દીઓની આંખ કાઢવી પડી છે. મોટાભાગના દર્દીઓની સારવાર 20 દિવસ સુધી ચાલી હતી.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

ગઈકાલે 25 જેટલા દર્દીઓને રજા અપાઈ
સિવિલની ડેન્ટલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા શરૂઆતથી જ ઓપરેશન થિયેટરની ઉણપ જોવા મળી હતી. જોકે હવે સિવિલના ઈએનટી વિભાગમાં હવે દર્દીઓ ઘટવાની શરૂઆત થઈ છે. હાલમાં અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઈકોસિસિના 400ની આસપાસ દર્દીઓ દાખલ છે જ્યારે અન્ય દર્દીઓ સફળ સર્જરી બાદ સ્વસ્થ્ય થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. ગઈકાલે એકસાથે 25 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના 3000 કેસ, એકલા અમદાવાદમાં જ 1000?
અમદાવાદના લોકો હજુ કોરોનાની મહામારીની વ્યથામાથી બહાર પણ નીકળ્યા નથી ત્યાં જ મ્યુકોરમાઇકોસિસ નામની બીજી મહામારીએ પગદંડો જમાવવા માંડયો છે. અમદાવાદ સિવિલમાં અત્યારે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે ઉભા કરાયેલા તમામ આઠ વોર્ડ લગભગ ફૂલ થવાના આરે છે. જેથી હવે તાત્કાલિક નવાં વોર્ડ ઉભા કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. કેન્દ્ર સરકારની યાદી અનુસાર ગુજરાતમાં અત્યારે 2281 કેસ છે પરંતુ રાજ્ય સરકારની સત્તાવાર યાદીની અનુપસ્થિતિમાં નિષ્ણાત તબીબોના મતે આ આંક 3000 અથવા તેથી પણ વધુ હોય તો નવાઈ નહીં. એકલા અમદાવાદમાં જ 1000થી વધુ કેસ હોવાનું ખુદ રાજ્યના એક આરોગ્ય ઉચ્ચાધિકારી જ નામ ન આપવાની શરતે કબૂલી ચૂક્યા છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

ફંગલ ઈન્ફેક્શન ક્યાંથી આવે, કોને થાય હજી પણ લોકોમાં જાગૃતિ નથી
મોટાભાગે લોકો એવું માને છે કે જેમને ડાયાબિટિસ હોય અને કોરોના થયો હોય એવા લોકોને જ મ્યુકોરમાઈકોસિસ થાય છે. પરંતુ એવું જરૂરી નથી, કારણ કે મોટાભાગે ડાયાબિટિસવાળા કોરોના પેશન્ટને પાછળથી ફંગલ ઈન્ફેક્શન લાગે છે તે સાચું પરંતુ નાન-ડાયાબિટિક પેશન્ટને પણ મ્યુકોરમાઈકોસિસ થઈ શકે છે. જો આવું ન હોત તો અમદાવાદમાં 16 વર્ષીય સગીર મ્યુકોરમાઇકોસિસનો શિકાર ન બન્યો હોત કારણ કે તે તો નોન-ડાયાબિટિક છે. કોઇ સગીર આવી રીતે સંક્રમિત થવાનો આ દેશનો સૌપ્રથમ કેસ છે. બીજીતરફ સુરતમાં ગઈકાલે બ્લેક ફંગલના કોઈ લક્ષણો ન હોવા છતાં 23 વર્ષીય યુવાનનું મ્યુકોરમાઈકોસિસથી મોત થયું છે. આવામાં આ રોગ અને તેના ઈન્ફેક્શન વિશે જાત-ભાતની થિયરીઓ ચાલી રહી છે અને સરકારે તેમાં સ્પષ્ટીકરણ કરવું ખૂબ જરૂરી બને છે.