અમદાવાદ શહેરમાં ચોમાસામાં વરસાદ બાદ અનેક જગ્યાએ રોડ તૂટી ગયા હોવાની અને ખાડા પડ્યા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યાં છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ કોર્પોરેટરોએ રોડ અને રસ્તા પરના ખાડાને લઈને અનેક ફરિયાદો કરી હતી.
નવરાત્રી પહેલા નોરતાથી રોડના ખાડા પૂરાશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યુ હતું કે, આગામી નવરાત્રીના પહેલા નોરતાથી ખાડા પુરવાની કામગીરી કરવામાં આવશે. નવરાત્રી સુધીમાં અમદાવાદનાં તમામ રોડ પરના ખાડા પૂરી દેવા આવશે. આ ઉપરાંત હું જાતે જ વિઝિટ લઇશ. અત્યારે વરસાદી સીઝન છે જેને લઇને કામગીરી ઓછી થઈ રહી છે. પરંતુ આગામી દિવસોમાં રોડ પરના પેચ વર્ક અને ખાડા પૂરી દેવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં ચોમાસામાં દરમ્યાન અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. શહેરના 30 ટકા વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ્સ બંધ હોવાને લઈ ઝડપથી લાઈટો ચાલુ કરવા સુચના આપવામાં આવી હતી.
નોનવેજની ગેરકાયદેસર દુકાનો બંધ કરાવાશે
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નોનવેજની ગેરકાયદેસર ચાલતી દુકાનો બંધ કરાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે અને આ બાબતે ડ્રાઈવ પણ યોજવામાં આવે તેવી પણ સૂચન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં મોટા ભાગે રોડ ઉપર અને મંદિરોની આસપાસ કેટલા સમયથી ગેરકાયદેસર દુકાનો ધમધમે છે. જે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા બંધ કરાવે તો તેઓ બીજી જગ્યા પર ખોલી નાખે છે જેને લઈને હવે આ ડ્રાઈવ યોજવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જે પણ દુકાનોના લાયસન્સ નહીં હોય તેને બંધ કરવામાં આવશે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે અગાઉથી તૈયારી
રોડ અને બિલ્ડીંગના અલગ અલગ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં 208 લાખના ખર્ચે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં જુદા જુદા વોર્ડના રસ્તાઓના પેચ વર્ક કરવામાં આવશે. આ ઉપરાંત 565 લાખના ખર્ચે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર વોર્ડમાં નવા સમાવિષ્ટ બોપલ વિસ્તારમાં એક નવું હેલ્થ સેન્ટર બનાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. 501 લાખના ખર્ચે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વેજલપુર વોર્ડમાં વિવિધ રસ્તાઓ અને ફૂટપાથ સેન્ટ્રલ વર્જ, સ્ટ્રીટ ફર્નિચર અને આર.સી.સી રોડ બનાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. કોરોના ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી કોર્પોરેશને 133 લાખના ખર્ચે SVP હોસ્પિટલમાં 6 PHC પ્લાન્ટના ફાઉન્ડેશન અને શેડ બનાવવામાં આવશે. આ સાથે જુદા જુદા ફ્લોરના સિવિલ કામને પણ મંજૂર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.