અમદાવાદમાં ગામડાઓ ભેળવીને શહેરની હદ વધારાઇ રહી છે.શહેરમાં લાખોની સંખ્યામાં વાહનો નોંધાયેલા છે. સાંકડા રોડ, રોડ પર દબાણો, ખોટી ડિઝાઇનવાળા વળાંકો,તૂટેલા રોડ,ટ્રાફિક નિયમનમાં બેદરકારી સહિતના કારણોસર વાહન અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે. ટ્રાફિક સેન્સ, ટ્રાફિક નિયમનના ભારે અભાવ વચ્ચે શહેરમાં રોજ વાહન અકસ્માત થયા કરતા હોય છે. જેમાં લોકોના જીવ જઇ રહ્યા છે. શહેરમાં 2021માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી વાહન અકસ્માતમાં કુલ 204 લોકોના મોત નિપજ્યા છે.ઇમરજન્સી સેવા 108ના આંકડા મુજબ ગત વર્ષે અમદાવાદ શહેરમાં 17 હજાર 865 વાહન અકસ્માત થયા હતા.
108ને અમદાવાદમાં વર્ષે 17 હજારથી વધુ કોલ આવે છે
વાહન અકસ્માત માટે કોર્પોરેશનના તૂટેલા, સાંકળા, દબાણયુક્ત, ખામીવાળી ડિઝાનવાળા રોડને પણ જવાબદાર મનાય છે. બીઆરટીએસ રૂટ પર પણ વધારે અકસ્માતો થઇ રહ્યા છે. ખુલ્લો રૂટ જોઇને વાહનચાલકો તેમાં ઘુસી જાય છે અને મોટરસાયકલ સ્પીલ થવાથી, અન્ય વાહન સાથે અથડાઇ જવાના બનાવો બને છે.ઇમરજન્સી સેવા 108ના અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદમાં વર્ષે 17 થી 20 હજાર સુધીના વાહન અકસ્માતના કોલ આવતા રહેતા હોય છે.
શહેરમાં 34 સ્થળને બ્લેક સ્પોટ જાહેર કરાયાં
અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા ટ્રાફિક અને અનિયંત્રિત પાર્કિંગ સૌથી મોટી સમસ્યા છે. શહેરમાં રોજ અકસ્માતના બનાવો બને છે. આ સમયે અકસ્માતના બનાવોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વારંવાર અક્સ્માત થતા હોય એવાં 34 સ્થળને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયાં હતાં. હવે શહેરનાં વધુ 6 નવાં સ્થળને બ્લેક સ્પોટ જાહેર કરાયાં છે. શહેરમાં નવા જાહેર કરાયેલ બ્લેક સ્પોટમાં જ છેલ્લાં 3 વર્ષમાં 53 જીવલેણ અકસ્માતોમાં 25 લોકોનાં મોત થયાં છે.
બ્લેક સ્પોટની સંખ્યા હવે વધીને 40 થઈ
બ્લેક સ્પોટમાં 6 સ્થળના વધારા સાથે અમદાવાદમાં અકસ્માતની સંભાવનાવાળા બ્લેક સ્પોટની સંખ્યા હવે વધીને 40 થઇ ગઇ છે. અમદાવાદમાં અકસ્માતના બનાવો વધે નહીં એ માટે અસરકારક પગલાં ભરવા રોડ સેફટી કમિટીએ જે-તે વિભાગને આદેશ કર્યો છે.અમદાવાદ શહેરના રખિયાલ ચાર રસ્તા, બાપુનગર ચાર રસ્તા, કામદાર મેદાન સારંગપુર, અદાણી સર્કલ રામોલ ટોલ પ્લાઝા, મણિનગર રેલવે સ્ટેશન અને અડાલજ કટને બ્લેક સ્પોટ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.