"ભિક્ષા નહીં શિક્ષા" પ્રોજેકટ:અમદાવાદમાં સિગ્નલ પર ભીખ માંગતા બાળકો હવે ભણશે, મુખ્યમંત્રીએ સિગ્નલ સ્કૂલ બસોને ફ્લેગ ઓફ કરાવ્યું

4 મહિનો પહેલા
  • શહેરના અલગ અલગ સિગ્નલ પરથી બાળકોને લઇ એક સ્થળે બાળકોને શિક્ષણ આપવામાં આવશે
  • 10 સિગ્નલ સ્કૂલ બસોમાં કુલ 139 જેટલા બાળકોને પ્રથમ તબક્કામાં અભ્યાસ કરાવવામાં આવશે

શહેરના રસ્તાઓ પર ભીખ માંગતા અને ઘર વિહોણા બાળકો માટે "ભિક્ષા નહીં શિક્ષા" પ્રોજેકટની આજથી શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને સુપ્રિમ કોર્ટ જજ એમ.આર શાહ અને ભાજપના નેતાઓએ સિગ્નલ સ્કૂલ બસોને ફ્લેગ ઓફ કરાવ્યુ હતું. મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવ્યા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી સિગ્નલ સ્કૂલ બસમાં જઈ અને બાળકોને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવશે અને કેવી રીતે અભ્યાસ કરશે તેની પણ માહિતી મેળવી હતી. રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ સિગ્નલ સ્કૂલો ચલાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાંથી રૂ. 35 કરોડ ફાળવી અને 10 સિગ્નલ સ્કૂલ બસો શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં કુલ 139 બાળકોને સ્કૂલના કલાસરૂમમા જ બેસીને અદ્યતન સુવિધાઓ સાથે અભ્યાસ કરાવવામાં આવશે.

નક્કી કરેલી જગ્યા પર બસ ઉભી રાખી તેઓને અભ્યાસ કરાવવામાં આવશે
નક્કી કરેલી જગ્યા પર બસ ઉભી રાખી તેઓને અભ્યાસ કરાવવામાં આવશે

સવારે 10થી 1 વાગ્યા સુધી શિક્ષણ આપવામાં આવશે
રોડ પર ભિક્ષા માગતા બાળકોને ભણાવવા માટે તૈયાર કરવામાં આવેલી આ સિગ્નલ સ્કૂલ બસ વિશે દિવ્યભાસ્કર આપને જણાવી રહ્યું છે કે બસમાં કેવી સુવિધાઓ અને કેવી રીતે બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે. શહેરના અલગ અલગ ચાર રસ્તા પરના સિગ્નલ પરથી સવારે બાળકોને સિગ્નલ સ્કૂલ મારફતે શિક્ષણ આપવામાં માટે બસમાં બેસાડવામાં આવશે. એક નક્કી કરેલી જગ્યા પર બસ ઉભી રાખી તેઓને અભ્યાસ કરાવવામાં આવશે. સવારે 10થી 1 વાગ્યા સુધી એમ ચાર કલાક શિક્ષણ આપવામાં આવશે. તૈયાર કરવામા આવેલી આ સિગ્નલ સ્કૂલ બસમાં તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે.

ચાર રસ્તાના જંકશન ખાતે ઉભી રાખી બાળકોને ભણાવવામાં આવશે
ચાર રસ્તાના જંકશન ખાતે ઉભી રાખી બાળકોને ભણાવવામાં આવશે

સવારે નાસ્તો અને બપોરે મધ્યાહન ભોજન
બસની અંદર બ્લેકબોર્ડ, શિક્ષક માટે ટેબલ અને ખુરશી, એલસીડી ટીવી, વાઇફાઇ, સીસીટીવી, પીવાનું પાણી, પડદા, મીની પંખા, મનોરંજનના સાધનો, બારાખડી અને 1થી 10ના ગુજરાતી ભાષાના પોસ્ટરો સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. સવારે નાસ્તો અને બપોરે મધ્યાહન ભોજન પણ આપવામાં આવશે. ખાનગી સ્કૂલના ક્લાસરૂમમાં બેસીને અભ્યાસ કરતા હોય તેવો કલાસરૂમ બસમાં તૈયાર કરવામાં આવ્યો છે. સિગ્નલ સ્કૂલ ચલાવવા માટે સ્કૂલ બોર્ડ દ્વારા વિશેષ શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી છે.

સિગ્નલ સ્કૂલ બસમાં તમામ પ્રકારની સુવિધાઓ
સિગ્નલ સ્કૂલ બસમાં તમામ પ્રકારની સુવિધાઓ

139 ભીખ માંગતા બાળકોને શિક્ષણ અપાશે
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા શાળાએ નહીં જતા અને રસ્તા ઉપર ભીખ માંગતા તથા ઘર વિહોણા બાળકોને શિક્ષણ આપવા માટે સિગ્નલ શાળાઓ શરૂ કરવા માટે 35 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. સ્કૂલ બોર્ડ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવા બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં વિવિધ સિગ્નલ પર 139 ભીખ માંગતા બાળકોને સિગ્નલ સ્કૂલ દ્વારા શિક્ષણ આપવા નક્કી કરવામાં આવ્યું હતું. સિગ્નલ સ્કૂલો માટે એએમટીએસની જૂની બસોને મોડિફાઇડ કરી અદ્યતન કલાસરૂમ બનાવી હરતી ફરતી સ્કૂલો બનાવવામાં આવી છે. આ સિગ્નલ સ્કૂલો જે તે સિગ્નલ અથવા નક્કી કરેલા ચાર રસ્તાના જંકશન ખાતે ઉભી રાખી બાળકોને ભણાવવામાં આવશે.

આ 10 લોકેશન પર સિગ્નલ સ્કૂલ બસમાં બાળકોને અભ્યાસ કરાવશે

આ પ્રસંગે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસ એમ.આર.શાહે ગુજરાત સરકારના કેરિંગ અને શેરિંગના નવા અભિગમ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આ નવા અભિગમ થકી સમાજ પ્રત્યેનું ઋણ અદા થઈ રહ્યું છે. જે બાળકો સિગ્નલ ઉપર ભિક્ષા માંગે છે તેમને જો આ પ્રકારે શિક્ષણ મળી રહે તો એ બાળકને ભવિષ્યમાં આગળ આવવાની તક મળશે. બાળકો ભણીને આગળ આવશે તો દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસ એમ.આર. શાહે પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સિગ્નલ ઉપર ભિક્ષા માગનાર બાળકોને દત્તક લેવાની સૌને અપીલ કરી હતી. શહેરના અલગ અલગ સિગ્નલ પર સવાર અને સાંજના સમયે સિગ્નલ સ્કૂલ મારફતે શિક્ષણ આપવામાં આવશે. સિગ્નલ સ્કૂલમાં તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. બસની અંદર બ્લેકબોર્ડ, શિક્ષક માટે ટેબલ અને ખુરશી, એલસીડી ટીવી, વાઇફાઇ, સીસીટીવી, પીવાનું પાણી, મીની પંખા સહિતની સુવિધા છે. બાળકોને શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ તબીબી તપાસ, મધ્યાહન ભોજન સહિત મ્યુનિસિપલ સ્કૂલોમાં આપવામાં આવતી અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે અને એક વર્ષ પછી નજીકની શાળામાં મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ઓ, રજિસ્ટ્રાર, અમદાવાદના નાયબ મેયર ગીતા બહેન, કમિશનર લોચન સહેરા, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સુજોય મહેતા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...