ચોપડાબજારમાં મંદી:અમદાવાદમાં ચોપડાપૂજનના ચોપડા-રોજમેળના વેચાણમાં 30 ટકાનો ઘટાડો, આ વર્ષે માત્ર 50 કરોડના જ ચોપડા વેચાયા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે પેપરના ભાવમાં 20-25 ટકાનો વધારો થયો
  • વેપારીઓને આશા આ વર્ષે ચોપડા વેચાઈ જશે

દિવાળી પર ચોપડાપૂજનનું મહત્ત્વ હોય છે. હિંદુ વેપારીઓ દિવાળીના દિવસે મુહૂર્ત જોઈને ઓફિસે અને ઘરે ચોપડાપૂજન કરે છે. ચોપડાપૂજન માટે દર વર્ષે બજારમાંથી નવા ચોપડા અને રોજમેળની ખરીદી કરે છે. ગત વર્ષે કોરોનાને કારણે ચોપડા અને રોજમેળનું વેચાણ ખૂબ ઓછું થયું હતું, ત્યારે આ વર્ષે પણ ચોપડા અને રોજમેળના વેચાણમાં 30થી 40 ટકાનો ઘટાડો થયો છે.

વેપારીઓને હજુ સારા ધંધાની આશા
અમદાવાદમાં આવેલા ગાંધીબ્રિજ પાસે ચોપડાનું મોટું બજાર આવેલું છે, જ્યાં ચોપડા અને રોજમેળ બનાવવામાં પણ આવે છે અને એનું હોલસેલ-રિટેલમાં વેચાણ પણ થાય છે. દિવાળીને લઈને અત્યારે બજારમાં ભીડ તો જોવા મળી હતી, ત્યારે ચોપડાબજારમાં પણ ભીડ જોવા મળી હતી. ગત વર્ષે કોરોનાને કારણે ચોપડાનું ખાસ વેચાણ થયું નહોતું, ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતાં વેપારીઓને ચોપડા વેચાઈ જશે એવી આશા બંધાઈ છે. અમદાવાદમાંથી ચોપડા ગુજરાતભરમાં મોકલવામાં આવે છે.

ગુજરાતભરમાં ચોપડા અમદાવાદથી મોકલાય છે.
ગુજરાતભરમાં ચોપડા અમદાવાદથી મોકલાય છે.

રૂ.600 સુધીના ચોપડા બજારમાં ઉપલબ્ધ
ચોપડાબજારમાં 100 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીના ચોપડા અને 600 રૂપિયા સુધીના રોજમેળ આ વર્ષે મળી રહ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે મોંઘવારી વધતાં ચોપડા અને રોજમેળના ભાવમાં પણ 20થી 25 ટકા જેટલો ભાવમાં વધારો થયો છે. ઉપરાંત હવે ડિજિટલ જમાનો થતાં ડિજિટલ ચોપડાપૂજન પણ વધ્યું છે. હવે લોકોએ લેપટોપ અને કમ્પ્યુટરમાં એકાઉન્ટ લખવાનું શરૂ કરતાં એની ચોપડાના વેચાણ પર અસર જોવા મળી છે.

ચોપડાબજારમાં આ વર્ષે 50 કરોડના ચોપડાનું વેચાણ થયું.
ચોપડાબજારમાં આ વર્ષે 50 કરોડના ચોપડાનું વેચાણ થયું.

આ વર્ષે 50 કરોડના ચોપડા અને રોજમેળનું વેચાણ
ગુજરાત બુક સેલ્સ એસોસિયેશનના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે કોરોનાના કેસ ઘટતાં ધંધા-રોજગાર ક્રમશ શરૂ થયા છે. ગુજરાતમાં આ વર્ષે 50 કરોડના ચોપડા અને રોજમેળનું વેચાણ થયું છે. દર વર્ષ કરતાં વેચાણમાં 30થી 40 ટકાનો ઘટાડો પણ થયો છે છતાં લોકોએ 1 અથવા 2 ચોપડા ખરીદીને પણ ચોપડાપૂજન માટે તૈયારી કરી છે. ગામડાંમાં ચોપડા અને રોજમેળનું વેચાણ વધ્યું છે, કારણ કે ત્યાં હજુ દુકાનોમાં જૂની પદ્ધતિથી હાથથી એકાઉન્ટ લખવામાં આવે છે. બજારમાં 100થી 600 રૂપિયા સુધીના ચોપડા અને રોજમેળનું વેચાણ થઇ રહ્યું છે.

પેપરના ભાવમાં 20થી 25 ટકાનો વધારો
અન્ય વેપારી ધ્રુમિલ ધામણીએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં પેપરના ભાવમાં 20થી 25 ટકાનો વધારો થયો છે, જેથી ચોપડા અને રોજમેળના ભાવમાં પણ 25 ટકા જેટલો વધારો થયો છે. કોરોનાને કારણે માલ નહીં વેચાય એ ડરથી વેપારીઓએ ઓછો માલ લીધો છે, પરંતુ બજારમાં ઘરાકી દેખાઈ રહી છે. માલની અછત છે અને ભાવ વધુ છે. જે માલ ભર્યો છે એ માલ તો વેચાઈ જશે એવી પૂરી આશા છે.