સાસરિયાંનો ત્રાસ:પિતાના મોત બાદ પરિણીતા પાસે સાસરિયાંએ 10 લાખ માગ્યા, સસરાએ પુત્રવધૂના ભાઈને કહ્યું- પૈસા ના હોય તો તારી બહેનને ભાડે આપી દે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનિમૂનની વાત સાસરિયાંને કરતાં તેમણે પુત્રવધૂને ઘરમાંથી જ કાઢી મૂકી

અમદાવાદમાં પરિણીતા પર પારિવારિક ત્રાસની ઘટનાઓમાં વધારો થયો છે. શહેરમાં સાસરિયાંના ત્રાસને કારણે પરિણીતા દ્વારા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ રહી છે. ત્યારે ફરીવાર એક એવો શરમજનક કિસ્સો મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પરિણીતાના પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા છે. એ બાદ સસરાએ પરિણીતાના ભાઈ પાસે 10 લાખની માગણી કરી. ભાઈ રૂપિયા નહીં ચૂકવી શકતાં બહેનનાં સાસરિયાંએ કહ્યું કે રૂપિયા ના હોય તો તારી બહેનને ભાડે આપી દે.

પત્નીને પતિ દારૂ પીને માર મારતો હતો
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક પરિવારે તેમની દીકરી નેહા (નામ બદલ્યું છે) સાસરીમાં ખૂબ ખુશ રહેશે એમ માનીને પિતાએ સારો પરિવાર શોધીને તેના લગ્ન કરાવ્યા હતા. નેહાનો ભાઈ અને પિતા હંમેશાં તેની તમામ પ્રકારે તકેદારી રાખતા હતા. તેની આંખમાંથી ક્યારેય આંસુ ના આવે એ માટે પ્રયાસ કરતા હતા. નેહા લગ્ન કરીને સાસરીમાં ગઈ. તેનો પતિ મહેશ (નામ બદલ્યું) ખૂબ દારૂ પીતો હતો. લગ્ન બાદ પતિ-પત્ની હનિમૂન માટે હિમાચલ પ્રદેશ ગયાં હતાં, જ્યાં મહેશ ચિક્કાર દારૂ પી ગયો અને હોટલના રૂમમાં ઊલટીઓ કરી હતી. નેહાએ મહેશને રોકતાં તેણે તેને માર મારી હોટલમાં સફાઈ કરાવી હતી.

પતિ દારૂ પીને પત્નીને માર મારતો હતો ( પ્રતીકાત્મક તસવીર).
પતિ દારૂ પીને પત્નીને માર મારતો હતો ( પ્રતીકાત્મક તસવીર).

સસરાએ પુત્રવધૂ પાસે 10 લાખની માગણી કરી
બંને જણા ફરીને પરત આવ્યાં ત્યારે નેહાએ આ અંગે તેનાં સાસરિયાંને વાત કરી, પણ તેમણે મહેશને ઠપકો આપવાને બદલે નેહાને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યાર બાદ સમજાવટ બાદ નેહા સાસરીમાં પરત આવી હતી, પરંતુ આ વખતે નેહાના પિતા કોરોનામાં સપડાયા અને થોડા દિવસ બાદ તેમનું મૃત્યુ થયું હતું. નેહા પિતાનું મોત થતાં પિયર ગઈ ત્યારે તેના સસરાએ તેના ભાઈને સાંત્વના આપવાની જગ્યાએ 10 લાખ રૂપિયાની માગણી કરી હતી.

સસરાની વાત સાંભળીને ભાઈ અને બહેન સ્તબ્ધ થઈ ગયાં ( પ્રતીકાત્મક તસવીર)
સસરાની વાત સાંભળીને ભાઈ અને બહેન સ્તબ્ધ થઈ ગયાં ( પ્રતીકાત્મક તસવીર)

સસરાએ પુત્રવધૂના ભાઈને કહ્યું, પૈસા ના હોય તો બહેનને ભાડે આપી દે
તેમણે નેહાના ભાઈને એવું કહ્યું હતું કે જો રૂપિયા નહીં આપે તો નેહાને સાસરીમાં પરત ના મોકલે. એક દિવસ નેહાના ભાઈ પર નેહાના સસરાનો ફોન આવ્યો. તેમણે કહ્યું, તું રૂપિયા ના આપી શકતો હોય તો તારી બહેનને ભાડે આપી દે. આ સાંભળીને નેહા અને તેનો ભાઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં. આ ઘટના બાદ નેહાએ તેના પતિ અને સાસરિયાં સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવા પ્રયાસ શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...