અમદાવાદ શહેરમાં ફરી એકવાર હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં 56 વર્ષીય વ્યક્તિને ઘેનની દવા સુંઘાડીને નગ્ન અવસ્થામાં યુવતી સાથે ફોટો પાડી લેવાયા હતાં. આ ફોટા વાઈરલ કરવાની ધમકી આપીને આધેડ પાસે 80 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આ અંગે નરોડા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે એકની ધરપકડ કરી હતી અને એક ફરાર થયેલ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
રિક્ષામાં બેસાડી પછી એક મકાનમાં મહિલા સાથે તસવીરો લીધી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં નરોડા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી મોહિત ઉર્ફે પપલ ચૌધરી મૂળ દહેગામનો વતની છે અને ખેતી કરે છે. તે હનીટ્રેપના ગુનામાં પણ સંડોવાયેલો છે. તેણે ગત ચાર જાન્યુઆરીએ એક આધેડ વ્યક્તિને રિક્ષામાં મુસાફરી માટે બેસાડીને ઘેનની દવા સુંઘાડી હતી. ત્યારબાદ તે રિંગરોડ પર આવેલા આવાસના મકાનમાં લઈ ગયો હતો. આ આવાસના મકાન માલિક મહિલાને 3 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. પોલીસે આ મકાન માલિક મહિલાની પણ પુછપરછ શરૂ કરી છે.
પોલીસે ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી
આ મકાનમાં ગયા પછી ત્યાં કોઈ યુવતી સાથે નગ્ન ફોટો પાડીને આધેડને હની ટ્રેપના શિકાર બનાવ્યા હતાં. ત્યારબાદ આ ફોટો વાઈરલ કરવાની ધમકી આપીને 80 હજાર રૂપિયાની માંગ કરી હતી. જેથી આધેડ વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે એકની ધરપકડ કરી હતી અને એક ફરાર થયેલા આરોપીને પકડવા તજવીજ હાથ ઘરી છે.
એક મહિલા અને એક પૂરુષ હનીટ્રેપમાં સામેલ
આ અંગે નરોડા પોલીસ સ્ટેશનના PI એસ જે ભાટીયાએ કહ્યું હતું કે, નરોડા પોલીસે હનીટ્રેપના ગુનામાં મોહિતની ધરપકડ કરી પૂછપરછ કરતાં સામે આવ્યું કે ,આ ગુનામાં તેની સાથે સમીર જુબેર અને અન્ય એક 30 વર્ષની મહિલા સામેલ છે. જેની નરોડા પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ટ્રેપ ગોઠવી હતી. જેમાં 30 હજાર લેવા આવતા આરોપી ઝડપાઈ ગયો. સાથે જ તેણે આવા અન્ય બે ગુના કર્યા હોવાની પણ કબૂલાત કરી છે, જેથી પોલીસે ભોગ બનનાર લોકોને શોધી વધુ ફરિયાદો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.