સૂકા સાથે લીલું બળ્યું!:અમદાવાદમાં માંસ, મચ્છી, ઈંડાં પછી ખાણીપીણીની અન્ય લારીઓ, ગલ્લા ઉઠાવી લેવાયા; કોંગ્રેસે-ઓવૈસીના પક્ષના દેખાવો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાપુર તળાવ પાસે સોમવારે ઈંડાંની લારીઓ ઊભી હતી, મંગળવારે એકપણ લારી નહોતી. - Divya Bhaskar
વસ્ત્રાપુર તળાવ પાસે સોમવારે ઈંડાંની લારીઓ ઊભી હતી, મંગળવારે એકપણ લારી નહોતી.

શહેરમાં જાહેર-ધાર્મિક સ્થળો, હોલની આસપાસ વેચાતાં માંસ, મચ્છી અને ઇંડાંની લારીને હટાવવાની ઝુંબેશની સાથે હવે ટ્રાફિકને અડચણરૂપ તમામ લારીઓ હટાવવાનું શરૂ થયું છે. શહેરના તમામ વિસ્તારમાં મ્યુનિ.એ મંગળવારે તમામ ખાણીપીણીની લારીઓ તેમજ પાનના ગલ્લા ઉઠાવી લીધા હતા. બીજી તરફ ઓવૈસીનો પક્ષ તેમજ કોંગ્રેસે મંગળવારે મ્યુનિ. કચેરી ખાતે દેખાવો કરી લારી-ગલ્લા હટાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો.

શહેરમાં જાહેર રસ્તા, ધાર્મિક સ્થળો, હોલ, બગીચાની આસપાસ જાહેરમાં વેચાતાં માંસ, મચ્છી અને ઇંડાંની લારીઓ હટાવવા માટે ટી.પી.કમિટીએ એસ્ટેટ અધિકારીઓને આદેશ આપ્યાના 24 કલાકમાં જ સમગ્ર અભિયાન હવે પૂરું થઇ ગયું છે.

શહેરમાં તમામ વિસ્તારમાં માત્ર માંસ, મટન, મચ્છી અને ઇંડાં જ નહીં પણ તમામ પ્રકારના ખાદ્યપદાર્થોની લારીઓ અને કેબીનોને મ્યુનિ.એસ્ટેટ વિભાગે ઉઠાવી લીધી છે. જોધપુર વોર્ડમાં પ્રહેલાદનગર સહિતના વિસ્તારમાંથી મ્યુનિ.એ 16 લારી, 9 કેબીનો હટાવી હતી, મણિનગર એલજી કોર્નર પર 5 લારીઓના દબાણને મ્યુનિ.એ હટાવ્યું છે

ભાજપના કોર્પોરેટરોના ઘરે જઈ ઘેરાવ કરવાની ઓવૈસીના પક્ષની ચીમકી
ઔવેસીના પક્ષના શહેર પ્રમુખ શમશાદ પઠાણે ઇંડાંની લારીઓના અભિયાન સામે મેયરને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી કે, જો ઇંડાની લારીઓને ખોટી રીતે હેરાન કરાશે ભાજપના તમામ કોર્પોરેટરના ઘરે જઇને ઘેરાવ કરાશે. તેમણે કહ્યું, જો ઇંડાની લારીઓ પર ગ્રાહકોના આધારકાર્ડ લેવામાં ‌આવશે તો ચોંકાવનારી સ્થિતિ સામે આવશે. કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે કહ્યું કે, ગેરકાયદે બાંધકામ દૂર કરાતા નથી અને નાના લારીવાળાને હેરાન કરાય છે.

નોનવેજ લારીઓ મુદ્દે ભાંગરો વટાતાં મ્યુનિ. નેતાઓએ હવે ઉપરથી મંજૂરી લેવી પડશે
ઇંડા અને નોનવેજની લારીઓ સામે અભિયાનમાં ટી.પી. કમિટીએ ભાંગરો વાટતાં હવે આવા કોઇપણ નીતિ વિષયક નિર્ણય મોવડીમંડળ, પ્રભારી અને પદાધિકારીઓને પૂછીને જ લેવા તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

મેયરની ખાતરી - ટ્રાફિકને નડતરરૂપ લારીઓ જ રોડ પરથી હટાવવામાં આવી છે
એક તરફ ભાજપ સત્તામાં છે તે અનેક શહેરમાં ઇંડાની લારીઓ સામે તવાઇ ચાલે છે, અમદાવાદમાં આ રીતે તવાઇ લાવવા માટે સૂચના અપાયાના બીજા દિવસે હોબાળો મચતાં મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, એસ્ટેટ વિભાગની આ રૂટિન કામગીરી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ એવા લારી-ગલ્લા હટાવાશે. તેમાં વેજ-નોનવેજ જેવો કોઇ ભેદભાવ રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...