ગુનેગારોને 'ખાખી'નો પણ ડર નહીં:અમદાવાદના જુહાપુરામાં પોલીસની હાજરીમાં યુવકનો બીજી પત્ની પર છરાથી હુમલાનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

અમદાવાદ3 મહિનો પહેલા
પત્ની પર છરા વડે હુમલાનો પ્રયાસ કરતા આરોપીની તસવીર

અમદાવાદમાં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. કાળુ ગરદન અને નઝીર વોરાએ ફરી માથું ઉચકયું છે ત્યાં ફતેવાડીમાં પોલીસની હાજરીમાં એક શખ્સે પત્ની પર છરા વડે હુમલાના પ્રયાસ કરવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા પોલીસે હુમલાખોર શખ્સને ઝડપી લીધો છે.

પત્ની પર છરો લઈને હુમલાનો પ્રયાસ
શહેરના જુહાપુરામાં કાયદો વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે. ગુનેગારોને હવે પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓના રિપેરીંગનું કામ કરતા તહેસીમ અલીહુસેન કુરેશી નામના શખ્સે પોલીસની હાજરીમાં પોતાની બીજી પત્ની પર છરાથી હુમલો કરતા તેની ધરપકડ કરાઈ છે.

ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ
પોલીસને શુક્રવારે મેસેજ મળ્યો હતો કે મસ્તાન મસ્જિદ પાસે એક મહિલાને તેના જેઠ જેઠાણી માર મારે છે, જેથી વેજલપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ જ કરી રહી હતી. તેવામાં અચાનક આરોપી તહેસીમ કુરેશીએ પત્ની પર છરાથી હુમલાનો પ્રયાસ કર્યો હતો. જે ઘટનાના CCTV વાયરલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આરોપીને ઝડપી પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી
વેજલપુર પોલીસે આ ગુનામાં સામેલ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે જાહેરમાં બનેલી સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા હતા. આ ઘટના પાછળનું કારણ પતિ-પત્નીનો પારિવારિક ઝઘડો હોવાનું સામે આવ્યું હતું. જોકે ફરિયાદી મહિલા આરોપીની બીજી પત્ની હોવાથી પોલીસે ઝઘડા પાછળનું સાચું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...