આજના યુગમાં છોકરાઓ પ્રેમના નામે છોકરીનો ગમે તે રીતે નંબર મેળવી અને તેને ફોન મેસેજ કરવા લાગે છે. પરંતુ અમદાવાદના પોશ વિસ્તાર એવા સેટેલાઈટમાં રહેતી એડવોકેટ યુવતીને તેની જ સોસાયટીમાં રહેતાં યુવકે લવ લેટર લખી અને પ્રપોઝ કર્યું હતું. લવ લેટર મામલે સેક્રેટરીને જાણ કરતા તેઓ સમજાવવા ગયા તો ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. જેથી યુવતીએ મહિલા હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે સમજાવવા જતાં યુવકે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. જેથી યુવતીએ આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવવા તૈયારી દર્શાવતા હેલ્પલાઇનની ટીમ તેઓને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.
યુવકે સોસાયટીના સેક્રેટરી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું
મહિલા હેલ્પલાઇન અભયમ 181ને યુવતીનો ફોન આવ્યો હતો કે મારી જ સોસાયટીમાં રહેતા એક યુવકે લવ લેટર લખી પ્રપોઝ કર્યું છે. જેથી મહિલા હેલ્પલાઇનની વસ્ત્રાપુર લોકેશનની ટીમે ત્યાં પહોંચીને યુવતીની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે પોતે એડવોકેટ છે અને પોતાની જ સોસાયટીમાં રહેતા અપરણિત યુવકે તેને લવલેટર લખ્યો હતો. યુવકે બંગલાની બહાર નેમ પ્લેટ લગાવેલી જોઈ અને તે નામથી લવ લેટર લખ્યો હતો. જે બાજુમાં રહેતા વ્યક્તિના ઘરમાં આપી દીધો હતો. જયારે આ બાબતે તેઓએ સેક્રેટરીને જાણ કરતા તેઓ યુવકને સમજાવવા ગયા હતા. યુવકે તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.
યુવકે હેલ્પલાઈનની ટીમને પણ જવાબ ના આપ્યો
યુવકે સેક્રેટરીને જણાવ્યું હતું કે હજી હું લવ લેટર લખીશ અને એ મને ગમે છે તો પ્રપોઝ કર્યું એમાં શું થઈ ગયું? હજી પણ લખીશ આવું કહ્યું હતું. જેથી મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમ યુવતીને લઈ યુવકના ઘરે ગઈ ત્યારે યુવક નાહવા જવાનું બહાનું કાઢી અને જતો રહ્યો હતો. જેથી યુવતીએ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા કહેતા મહિલા હેલ્પલાઇન ટીમ તેઓને સેટેલાઈટ પોલીસ સ્ટેશન લઇ જઇ યુવક સામે ફરિયાદની કાર્યવાહી કરાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.