હેવાનિયત:અમદાવાદમાં યુવકે ફોન આપીને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી, શારીરિક અડપલાં કરવા મોડી રાત્રે ઘરની બહાર બોલાવતો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
અડધી રાત્રે યુવક સગીરાને શારીરિક અડપલાં કરવા ઘરની બહાર બોલાવતો હતો. - Divya Bhaskar
અડધી રાત્રે યુવક સગીરાને શારીરિક અડપલાં કરવા ઘરની બહાર બોલાવતો હતો.
  • માતાએ અપહરણ અને પોકસો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
  • માતાએ વારંવાર ઠપકો આપતાં સગીરા ઘર છોડીને યુવક પાસે પહોંચી હતી.

અમદાવાદમાં શારીરિક છેડછાડના ગુનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં જ વાડજમાં બાળકીને અડપલાં કરનારા શખ્સને લોકોએ પોલીસને હવાલે કર્યો હતો. ત્યારે શહેરમાં ફરીએક વાર આવો જ બનાવ બન્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી સગીરાને ફસાવી તેને કારમાં લઈ જઈ અડપલાં કરનાર યુવક સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બળકીને ફોસલાવીને રાતે ફોન પર વાતો કરતો આ યુવક અડપલાં કરવા મોડી રાતે ઘરની બહાર બોલાવતો હતો.

સગીરા ફોનમાં અવારનવાર વાતચીત કરતી હતી
ઘાટલોડિયામાં રહેતી એક મહિલા ઘરેથી ટિફિન બનાવવાનું કામ કરે છે. આ મહિલાને સંતાનમાં ત્રણ દીકરા દીકરીઓ છે. આજથી છ મહિના અગાઉ મોડી રાત્રે આ મહિલા શૌચ કરવા માટે જતી હતી તે વખતે તેમની સૌથી નાની દીકરી કોઈ છોકરા સાથે વિડીયોકોલથી વાતચીત કરતી હતી. જેથી આ મહિલાએ તેની પાસેથી ફોન લઈ લીધો હતો અને છોકરા બાબતે પૂછપરછ કરી હતી. ત્યારે આ સગીરાએ તેની માતાને જણાવ્યું કે બે મહિના પહેલા તે મોટા બાપુજીના વેજલપુર ખાતેના ઘરે ગઈ હતી ત્યારે આકાશ નામના છોકરાએ તેને તેનો મોબાઈલ નંબર અને ઇન્સ્ટાગ્રામ આઈડી આપ્યું હતું અને બાદમાં તેની સાથે ફોનમાં અવારનવાર વાતચીત કરતી હતી.

માતાએ સગીરાને સમજાવીને ફોન આપવાનું બંધ કર્યું ( પ્રતિકાત્મક તસવીર)
માતાએ સગીરાને સમજાવીને ફોન આપવાનું બંધ કર્યું ( પ્રતિકાત્મક તસવીર)

માતાએ સમજાવી અને ફોન આપવાનું બંધ કર્યું
આ સગીરાએ તેની માતાના ફોનમાં માતાના નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને તેનાથી તે આ છોકરા સાથે વાતચીત કરતી હતી. આકાશ નામના છોકરાએ આ સગીરાને લગ્ન કરવાનું જણાવી તેની સાથે વાતચીત કરતો હતો. દીકરીની પ્રેમ કહાની સામે આવતા માતાએ તેને સમજાવી હતી અને બાદમાં ફોનમાં પિન લોક રાખવાનું માતાએ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તે બનાવના દોઢ મહિના બાદ ફરીથી આ સગીરા તેના પિતાના મોબાઈલ નંબર માંથી આકાશ સાથે વાતચીત કરતી હતી. તે સમયે પણ તેને તેની માતાએ સમજાવી હતી અને ફોન આપવાનું બંધ કરી દીધું હતું.

દિકરી પાસેથી એક સાદો મોબાઈલ ફોન પકડાયો
ત્યારબાદ મહિલાએ તેની દીકરી તથા આકાશ નામના છોકરાને સમજાવ્યા હતા. જો કે સમાજમાં ઈજ્જત ન જાય તે માટે કોઈ ફરિયાદ કરી ન હતી.27 મેના રોજ સાંજે આ મહિલા ઘરે હાજર હતી. તે સમયે તેમની દિકરી પાસેથી એક સાદો મોબાઈલ ફોન પકડાયો હતો અને તે ફોન બાબતે પૂછતાં તેણે જણાવ્યું કે તે ફોન તેને આકાશ એ આપ્યો છે. આ ફોનમાં આ મહિલાના ભાભીનું સીમકાર્ડ લગાવ્યું હતું. જેથી આ મહિલાએ તેની દીકરીને ઠપકો આપ્યો હતો અને બાદમાં સાંજે તેમની દીકરી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. આસપાસમાં તપાસ કરતા આ મહિલાને તેમની સગીર વયની દીકરી મળી આવી ન હતી.

સગીરાને પ્રેમજાળમાં ફસાવીને યુવક શારીરિક અડપલાં કરતો હતો ( પ્રતિકાત્મક તસવીર)
સગીરાને પ્રેમજાળમાં ફસાવીને યુવક શારીરિક અડપલાં કરતો હતો ( પ્રતિકાત્મક તસવીર)

માતાએ ઠપકો આપતાં સગીરા રાત્રે યુવક પાસે પહોંચી
સવારે આ મહિલાની સગીર વયની દીકરી ઘરે આવી હતી ત્યારે પૂછ્યા વગર આખી રાત ક્યાં ગઈ હતી તે બાબતે પૂછતાં આ સગીરાએ જણાવ્યું કે ગઈકાલે ફોન રાખવા બાબતે ઠપકો આપતા તેને ખોટું લાગ્યું હતું અને તેથી તે ઘરેથી નીકળી ગઈ હતી. રોડ ઉપર બહાર ગઈ હતી ત્યાં રસ્તે જતાં એક ભાઈ પાસેથી મોબાઇલ ફોન લઈ આકાશને ફોન કર્યો હતો અને આકાશે આ સગીરાને જણાવ્યું હતું કે તું શાસ્ત્રી નગર ખાતે આવી જા હું તને લેવા આવું છું અને તને મારી સાથે મારા ઘરે રાખીશ તેમ જણાવતાં આ સગીરા ત્યાં પહોંચી હતી.

સગીરાની માતાએ યુવક સામે ફરિયાદ નોંધાવી
ત્યારે આકાશ સફેદ કલરની ગાડી લઈને સગીરાને લેવા આવ્યો હતો અને બાદમાં નારણપુરા તરફ લઈ ગયો હતો અને રસ્તામાં કોઈ જગ્યાએ ગાડી ઉભી રાખી સગીરાના શરીરના અલગ અલગ ભાગે સ્પર્શ કરવા લાગ્યો હતો. જેથી સગીરાએ આવું ન કરવા જણાવતા આકાશ તેને સવારે આઠ વાગ્યાની આસપાસ ટેલિફોન એક્સચેન્જ પાસે ઉતારી જતો રહ્યો હતો બાદમાં સગીરા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી હોવાથી પરિવારજનો ઠપકો આપશે જે બીકે તે ઘરે આવી ન હતી અને તેની એક બહેનપણીના ઘરે જઈ રાત ત્યાં રોકાઇ હતી. જેથી સમગ્ર બાબતે સગીરાની માતાએ આકાશ નામના છોકરા સામે અપહરણ અને પોકસો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.