તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:અમદાવાદમાં મેનેજર મહિલાને રેમડેસિવિર આપવાનું કહી યુવકે ઠગાઈ કરી, 50 ટકા પૈસા એડવાન્સ લીધા પણ ઇન્જેક્શન ન આપ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સોશિયલ મીડિયામાં રેમડેસિવિર આપવાની જાહેરાત કરીને ઠગાઈ કરનારા સાગર પ્રજાપતિ સામે સાઈબર ક્રાઇમે ગુનો નોંધ્યો

કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશનની જરૂરિયાત સામે છેતરપિંડી કરનારાઓ હવે સોશિયલ મીડિયામાં પણ સક્રીય બન્યા છે. ફેસબુકના માધ્યમથી રેમડેસિવિર ઈન્જેકશન આપવાની બાંહેધરી આપી એક યુવતી સાથે રૂ. 8500 ની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે યુવતીએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કર્ણાવતી કોલેજમાં ફરજ બજાવે છે મહિલા
વેજલપુરમાં રહેતા માનિનીબેન મુકેશભાઈ શાહ ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓને મદદરૂપ થવાનું કામ કરે છે. દરમિયાન માનિનીબેનના બનેવી શરદકુમારના મિત્ર વિનોદકુમાર માગંલાને કોરોના થતા તેમની તબિયત ગંભીર હોવાથી તેમના બનેવીએ તેમને કહ્યું હતું કે, તેમના મિત્રની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશનની જરૂર છે. જેથી તેમણે તપાસ કરતા તેમને રેમડેસિવિર ઈન્જેકશન મળ્યા ન હતા.

પહેલા અડધું પેમેન્ટ એડવાન્સમાં કરવાનું કહ્યું
દરમિયાન માનિનીબેનની પાડોશમાં રહેતા યશ ચોકસીએ તેમને કહ્યું હતું કે, રેમડેસીવીર ઈ્ન્જેકશનની જરૂર હોય તો કહેજો ફેસબુકના માધ્યમથી સાગર પ્રજાપતિનો કોન્ટેક્ટ નંબર મળ્યો છે. આથી તેમણે યશ ચોકસીને વાત કરતા તેણે પોતાના મોબાઈલ પરથી સાગર પ્રજાપતિને ફોન કર્યો હતો. જેમાં સાગરે એક રેમડેસિવિર ઈન્જેકશનના રૂ.2800 થશે અને ડોકટરના પ્રિસ્કીપ્શનના આધારે એક દર્દીને 6 ઈન્જેકશન મળશે તે પેટે 6ના રૂ.16,800 અને તેમાં ડિલિવરીના રૂ.200 ચાર્જ એમ કુલ રૂ.17 હજાર પૈકી 50 ટકા રકમ એટલે કે રૂ.8500 એડવાન્સ આપવાના રહેશે અને બાકીના પૈસા ડિલિવરી પછી આપવાનું કહ્યું હતું. ત્યાર બાદ સાગરે બેંક એકાઉન્ટની માહિતી પણ આપી હતી. જેના પર માનિનીબેને ગુગલ પે મારફતે સાગરને રૂ.8500 મોકલી આપ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી
મંગળવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રેમડેસિવિર ઈન્જેકશનની ડિલિવરી આપવાનું કહેવાયું હતું, જોકે ડિલિવરીનો સમય વીતવા છતાં ઈન્જેકશન ન મળતા માનિનીબેને યશ ચોકસીને સાગરને ફોન કરવા કહ્યુ હતુ. જોકે સાગરનો ફોન રિસીવ થયો નહતો. દરમિયાન તેને વોટસઅપ મેસેજ મોકલતા તેણે મેસેજ જોઈને યશને બ્લોક કરી દીધો હતો. આમ પૈસા લઈને પણ રેમડેસિવિર ઈન્જેકશન નહીં આપી છેતરપીડી આચરવામાં આવી હોવાનું જણાતા માનિનીબેને આ બાબતે ક્રાઈમ બ્રાંચમાં સાગર પ્રજાપતિ નામના વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

10 દિવસ સુધી ઈન્જેકશન આપવાની માત્ર વાતો કરી
શરૂઆતના તબકકામાં ઈન્જેકશન આપવાની વાતો કરી ભરોસો જીતી પૈસા લીધા બાદ સાગર પ્રજાપતિએ શકય તેટલું વહેલા રેમડેસિવિર ઈન્જેકશનોની ડિલિવરી આપવાનો ભરોસો આપ્યો હતો. પહેલી મેથી 11મી મે સુધી આરોપીએ ઈન્જેકશન આપવાનો ભરોસો આપ્યો હતો, પરંતુ તેણે અંતે ઠગાઈ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...