પથ્થરમારાનો વિવાદ વકર્યો:અમદાવાદના દરિયાપુરમાં વીજચોરી પકડવા ગયેલી ટોરેન્ટ-પોલીસની ટીમ પર પથ્થરમારો

અમદાવાદ8 દિવસ પહેલા
પોલીસે જવાબદારો સામે કાર્યવાહી કરવા પ્રયાસ શરૂ કર્યો
  • ટોરેન્ટ પાવરની ટીમ પોલીસ કાફલા સાથે સર્ચ માટે ગઈ હતી
  • કંપનીના 4 અને પોલીસના 3 કર્મચારીને ઇજા
  • પરિસ્થિતિ વણસતાં પોલીસે દરિયાપુરને જોડતા રસ્તા બંધ કરી દીધા

દરિયાપુરમાં વીજચોરી પકડવા ગુરુવારે સવારે ટોરેન્ટ પાવરની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ આ કામગીરીનો વિરોધ કરીને પથ્થરમારો કરતા ટોરેન્ટ પાવરના ચાર કર્મચારી અને ત્રણ પોલીસ જવાનને નાની મોટી ઈજા થઈ હતી. એકસમયે પરિસ્થિતિ વણસતાં દરિયાપુરને જોડતા રસ્તા બંધ કરી દેવાયા હતા.

દરિયાપુરના કેટલાક વિસ્તારોમાં વીજચોરી થતી હોવાની હોવાની ફરિયાદો ઊઠતા ટોરેન્ટ પાવરની ટીમોએ સ્થાનિક પોલીસની મદદ લઈ ગુરુવારે સવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નગીના પોળ પાસે પોલીસ કાફલા સાથે કંપનીના કર્મચારીઓ ઘરોની તપાસ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો, જેમાંથી કેટલાકે પથ્થરમારો કરતા પરિસ્થિતિ તંગ બની હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ વધારાના કાફલા સાથે દોડી આવ્યા હતા. આ ઘટનામાં કંપનીના ચાર કર્મચારી અને ત્રણ પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી.

વીજ ચોરીના સર્ચ દરમિયાન સ્થાનિક લોકો ઉશ્કેરાઈ ગયાં હતાં
વીજ ચોરીના સર્ચ દરમિયાન સ્થાનિક લોકો ઉશ્કેરાઈ ગયાં હતાં

જોકે આ અંગેની જાણ થતા દરિયાપુરના સ્થાનિક ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ભરૂચ જવાના રસ્તેથી પાછા ફર્યા હતા અને મામલો શાંત કર્યો હતો. એક તબક્કે પરિસ્થિતિ વણસે તેવંુ લાગતા સાવચેતીના પગલારૂપે દરિયાપુરને જોડતા રસ્તા બ્લોક કરી દીધા હતા.

વીજચોરી સંદર્ભે મેગા સર્ચ હાથ ધરાયું હતું
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દરિયાપુર વિસ્તારમાં કેટલાક લોકો વીજ ચોરી કરતા હોવાની જાણ ટોરેન્ટ વિભાગને થઇ હતી. તેની સાથે આ વિસ્તારમાં વીજચોરી સંદર્ભે સર્ચ કરવા માટે તેમણે પોલીસની મદદ માંગી હતી. તેમજ મોટા પ્રમાણમાં વીજચોરીને પકડવા માટે ખાસ સર્ચ હાથ ધર્યુ હતુ.આજે સવારા દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારમાં ટોરેન્ટની ટીમ પોલીસ સાથે સર્ચ કરવા માટે ગઇ હતી.

લોકોએ પથ્થર મારો કરતાં પોલીસની વધુ ટીમ બોલાવવાની ફરજ પડી હતી
લોકોએ પથ્થર મારો કરતાં પોલીસની વધુ ટીમ બોલાવવાની ફરજ પડી હતી

સ્થાનીક લોકોએ ટીમ પર હૂમલો કર્યો
આ દરમિયાન કેટલાક લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ટોરેન્ટના ચાર અને પોલીસના ત્રણ જવાનને ઇજા પહોંચી હતી. પોલીસ પર હુમલો થવાની જાણ થતા અન્ય પોલીસની ટીમ બનાવના સ્થળે મોકલી દેવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ દ્વારા હુમલો કરનાર સામે ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

જે વીજચોરી કરે તેમની સામે પગલાં લો: સ્થાનિકો
સ્થાનિક લોકો સાથે આ મામલે વાત કરતા તેમણે કહ્યંુ હતું કે, જે લોકો વીજચોરી કરતા હોય તેમની સામે પગલાં લેવાય તેમાં અમને વાંધો નથી, પરંતુ મોટો પોલીસ કાફલો લઈને એક ચોક્કસ વિસ્તારને કોર્ડન કરી તમામ લોકોને ગુનેગાર જેવા ગણીને વર્તન કરવું યોગ્ય નથી. આ બાબતને લઈને જ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. જોકે સ્થાનિક આગેવાનોની સમજાવટથી હાલ પૂરતી આ કામગીરી અટકી ગઈ હતી.