મિત્રને બનાવ્યો બીજો શિકાર:દારૂ પીતી વખતે રૂપિયાની લેતી-દેતીમાં બે મિત્ર વચ્ચે ઝગડો થયો, ઉશ્કેરાઈને મિત્રએ મિત્રનું પથ્થરથી માથું છૂંદી નાખ્યું

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપી સત્યા રાઠોડને ઝડપી પાડ્યો - Divya Bhaskar
પોલીસે આરોપી સત્યા રાઠોડને ઝડપી પાડ્યો
  • પોલીસ પૂછપરછમાં આરોપીએ અગાઉ પણ એક હત્યા કરી હોવાનું કબૂલ્યું

અમદાવાદના નારોલ વિસ્તારમાં અરેરાટી ભરી ક્રૂર હત્યાનો કિસ્સો સામે આવતાં ચકચાર મચી ગઈ છે. પથ્થરથી યુવાનું માથું છૂંદી નાખીને હત્યા કરી હત્યારો ફરાર થઇ જતાં લોકોમાં ભય ફેલાયો છે. નારોલ વિસ્તારમાં યુવક ઘરેથી સમાન લેવા જવાને બદલે સીધો જ દારૂ પીવા ગયો હતો. ત્યાં મિત્ર સાથે દારૂ પિતા પિતા રૂપિયા અંગે ખોટું બોલતાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા મિત્રએ પથ્થર મારીને તેનું માથું છૂંદી નાખ્યું હતું. ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી અગાઉ પણ હત્યા કરી ચૂક્યો હોવાની વિગત જાણવા મળી રહી છે. પકડાયેલા આરોપી સ્ટોન કિલર તરીકે ઓળખાય છે.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો
નારોલ પોલીસે મિત્રની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસના હાથે પકડાયેલા સ્ટોન કિલરનું નામ સતીષ ઉર્ફે સત્યો રાઠોડ છે. સતીશ થોડા દિવસ પહેલાં જ નારોલમાં સનરાઈઝ હોટલ નજીક આવેલા ઉમંગ ફ્લેટમાં રહેવા આવ્યો હતો. એ દરમિયાન તેને મૃત્યુ પામનાર રાજેશ યાદવ સાથે સંપર્ક થયો હતો. આરોપી સતીશને ખ્યાલ આવ્યો કે રાજેશ પાસે સારાએવા રૂપિયા આવ્યા છે, જેથી સતીશે રૂપિયા લેવા માટે રાજેશને જણાવ્યું હતું. રાજેશે રૂપિયા આપવાની ના પાડતાં સતીશે અદાવત રાખી રાજેશ પર હુમલો કર્યો હતો.

મિત્ર સાથે રૂપિયાની લેતી-દેતી મામલે ઝગડો થયો હતો
રાજેશ 2 જાન્યુઆરીના રોજ સાંજે પોતાના ફ્લેટથી બહાર નીકળ્યો હતો. ત્યારે આરોપી સતીશ રાઠોડે તેની સાથે તકરાર કરી અને નજીકમાં આવેલી ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝની ખાલી પડેલી અવાવરૂ ઓરડીમાં પથ્થરથી માથું છૂંદીને હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસે બાતમીના આધારે આરોપી સ્ટોન કિલરની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. નારોલ પોલીસની પૂછપરછમાં આરોપી સતીષ ઉર્ફે સત્યા રાઠોડે અગાઉ પણ એક હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.

પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી
પોલીસે ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં, જેમાં ગણતરીના કલાકમાં આરોપીને પકડવામાં નારોલ પોલીસને સફળતા મળી હતી. નારોલમાં કરેલા સ્ટોન કિલિંગ કેસ બાદ પોલીસ ઇસનપુરમાં કરેલી હત્યાની જાણ થતાં હવે તપાસ કરી રહી છે. ઇસનપુરમાં થયેલી હત્યામાં સ્ટોન કિલિંગ છે કે કેમ એ જાણવા તપાસનો તખતો તૈયાર કર્યો છે. આરોપીએ 40 વર્ષીય રાજેશ યાદવના મોત પાછળ રૂપિયા જ એકમાત્ર કારણ છે કે કંઈ બીજું એ જાણવા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...