અમદાવાદમાં સાસુ વહુ વચ્ચેના ઝગડાના અનેક કિસ્સાઓ રોજ બનતા હોય છે. આવા કિસ્સાઓમાં મોટા ભાગે વહુ સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતી હોય છે. પરંતુ શહેરમાં આનાથી વિપરીત કિસ્સો બન્યો છે. જેમાં વહુએ પોતાની માતા સાથે મળીને સાસુને માર માર્યો છે. પરિવારમાં ઝગડો થતાં સાસરિયાઓ વહુને મોટેરા ખાતે તેના પિયરમાં મુકીને ઘરે પરત ફરતાં મંદિર પાસે ઉભા હતાં. આ દરમિયાન વહુએ તેની માતા સાથે આવીને બોલાચાલી કરી હતી અને સાસુને માર માર્યો હતો. આ ઘટનામાં ચાંદખેડા પોલીસે વહુ અને તેની માતા સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડો થતો રહે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરના મોટી આદરજ ખાતે એક મહિલા તેના બે દિકરા તથા વહુ સાથે રહે છે. મોટા દિકરા અને તેની પત્ની વચ્ચે ઘરમાં અવારનવાર ઝગડો થતો હોય છે. ઝગડો થાય ત્યારે સાસુ વહુને સમજાવીને ઠપકો આપે છે. પરંતુ વહુ સાસુને તમે દિકરાનું ઉપરાણું લો છો એમ કહેતી હતી. બે દિવસ પહેલાં વહુ સાસરિયાઓ સાથે ઘરમાં હાજર હતી ત્યારે તેણે હાજર રહેલા લોકો સાથે ઝગડો કર્યો હતો. ઝગડો થતાં જ સાસરિયાઓ વહુને તેના પિયર મુકવા માટે ગયાં હતાં.
વહુએ માતા સાથે મળીને સાસુને માર માર્યો
સાસરિયાઓએ વહુને પિયરમાં મુકીને પરત ફરતાં એક મંદિર પાસે ઉભા હતાં. ત્યારે વહુ તેની માતાને લઈને આવી હતી. જ્યાં તેણે સાસરિયાઓ સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન તેણે સાસુને નખ મારીને લીસોટા પાડી દીધાં હતાં. તે ઉપરાંત તેની માતા પણ સાસુને માર મારવા માંડી હતી. ત્યાં હાજર દિકરાએ ઈજાગ્રસ્ત માતાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. ચાંદખેડા પોલીસે સાસુની ફરિયાદના આધારે ગુનોં નોધીને તપાસ શરૂ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.