પોલીસનો હિંસક ચહેરો:​​​​​​​અમદાવાદમાં પોલીસકર્મીએ સ્કૂલના ઝઘડામાં વચ્ચે પડી લાકડી વડે બે સગીરને ઢોર માર માર્યો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પીડિત સગીરની તસવીર - Divya Bhaskar
પીડિત સગીરની તસવીર
  • ચાંદખેડા પોલીસે યોગ્ય ફરિયાદ ન લીધી હોવાની પરિવારજનોનો આક્ષેપ
  • સ્કૂલમાં ઝઘડો થતા સગીરે પોલીસમાં ફરજ બજાવતા કૌટુંબિક મામાને બોલાવ્યા હતા

ચાંદખેડામાં પોલીસ કર્મીનો વરવો ચેહરો સામે આવ્યો છે. સગીરોના સ્કૂલમાં થયેલા ઝઘડામાં પોલીસ કર્મીએ વચ્ચે પડી બે સગીરને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ચાંદખેડા પોલીસે આ પોલીસકર્મી વિરુદ્ધ મારમારીનો ગુનો નોંધ્યો છે. પરંતુ ફરિયાદીનો આક્ષેપ છે કે પોલીસકર્મીને બચાવવા યોગ્ય ફરિયાદ લીધી નથી.

પોલીસકર્મીએ સગીરોને PCRમાં બેસાડી અન્ય સ્થળે લઈ જઈ ફટકાર્યા
વિગતો મુજબ, એક સગીરે સ્કૂલમાં ઝઘડો તથા બદલો તેવા તેના કૌટુંબિક મામા મહિપાલસિંહને જાણ કરી હતી. જેથી બે સગીરોને સબક શીખવાડવા પોલીસકર્મી મહિપાલસિંહે તેમને ઘરની બહાર બોલાવ્યા હતા. આ બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજા બજાવતા મહિપાલસિંહએ સગીરોને પી.સી.આર વાનમાં બેસાડી એક જગ્યાએ લઈ જઈને લાકડીઓ વડે ઢોર માર માર્યો. એટલું જ નહીં બીભત્સ ગાળો બોલી ગળદાપાટુનો મારમાર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત સગીરોને હોસ્પિટલમાં દાખલ કરાયા અને ચાંદખેડા પોલીસે પોલીસકર્મી મહિપાલસિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો.

પોલીસની કામગીરી સામે પરિવારનો આક્ષેપ
હાલ ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે પોલીસ કર્મી મહિપાલસિંહને બચાવવા યોગ્ય ફરિયાદ લેવાઈ નથી. સગીર વિદ્યાર્થીઓને મારવાના કેસમા પોલીસ મહિપાલસિંહને બચાવી રહી હોવાના પરિવારના આક્ષેપો છે. તે પોલીસ કર્માચારીને સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. જયારે સગીર બાળકો પણ પોલીસના આ હિંસક ચહેરાથી ભયભીત છે. બાળકોના ઝઘડામાં વિવાદ બનનાર પોલીસ કર્મચારી મહિપાલસિંહ ફરાર થઈ જતા ચાંદખેડા પોલીસે મારામારીનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

સ્કૂલમાં સગીરો વચ્ચે ઝઘડો થયો હતો
આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ વિક્રમ દેસાઈએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મીનો ભાણીયો અને અન્ય સગીરનો સ્કૂલમાં ઝઘડો થયો હતો. જેનું ઉપરાણું લઈને પોલીસકર્મીએ સગીરને માર માર્યો હતો. આ અંગે હાલ પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો નોંધી તાપસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ચાંદખેડા પોલીસ સ્ટેશન અગાઉ પણ વિવાદો સપડાયું હતું. થોડા દિવસ પહેલા એક સિનિયર સીટીઝન પોતાના ઘરેથી ઢસડી બહાર લાવનાર પોલીસકર્મી માર માર્યો હતો. હવે તમામ હદો વટાવી સગીરોને બેહરહેમી પૂર્વક મારમાર્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે વિવાદિત ચાંદખેડા પોલીસ સ્ટેશન પોલીસકર્મી મહિપાલસિંહ છાવરી લઈ બચાવી લેશે કે સગીરોના પરિવાજનો ન્યાય અપાવશે.

અન્ય સમાચારો પણ છે...