માસુમ પર અત્યાચાર:અમદાવાદમાં મમ્મી ફોનમાં કોઈની સાથે વાતો કરતી હોવાની ફરિયાદ કરનાર ભાણેજને મામાએ લોખંડનો સળિયો મારી અધમૂઓ કર્યો, નાનીએ ગાળો આપી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • સીટીએમ વિસ્તારમાં રહેતા યુવકે દાણીલીમડાની મહિલા સાથે 15 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા
  • પત્ની અવારનવાર ફોન પર વ્યસ્ત રહેતી હોવાથી પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થતા

શહેરમાં 13 વર્ષના માસુમને મામા તથા માસીએ માર માર્યાની ઘટના સામે આવી છે. જેમાં મામાએ છોકરાને હાથમાં લોખંડનો સળિયો મારીને ફ્રેક્ચર કરી નાખ્યું. જ્યારે આ વાતની ફરિયાદ કરવા છોકરાએ પોતાના નાનાને ફોન કર્યો તો તેમણે પણ ફૂલ જેવા માસુમને ફોનમાં ધમકાવ્યો હતો, જેથી આખરે તેણે પોતાના પિતાને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી પિતાએ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈને પોલીસમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પત્ની ફોનમાં વ્યસ્ત રહેતી હોવાથી અવારનવાર ઘરમાં ઝઘડા થતા
ઘટનાની વિગતો મુજબ, શહેરના સીટીએમ વિસ્તારમાં રહીને ફર્નિચરનું કામ કરતા મુકેશ (નામ બદલ્યું છે)ના 15 વર્ષ પહેલા નયના (નામ બદલ્યું છે) સાથે પ્રેમ લગ્ન થયા હતા. સંતાનમાં તેમને ત્રણ બાળકો છે જેમાં નિમેશ (નામ બદલ્યું છે) સૌથી મોટો દીકરો છે. નયના લગ્ન બાદ અવારનવાર ફોન પર કોઈની સાથે વાતો કરતી હોઈ પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હતા. શનિવારે સવારે મુકેશ કામ અર્થે ગયો ત્યારે નયના કોઈની સાથે વાત કરતી હતી, જેથી નિમેશ તેના પિતાને ફોન કરીને આની જાણ કરી અને પોતે દાણીલીમડામાં નાનીના ઘરે મમ્મીની ફરિયાદ કરવા જતો હોવાનું જણાવ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

નાની અને મામા ભાણેજના જીવના વેરી બન્યા
બાદમાં રાત્રે નિમેશે પિતાને ફોન કર્યો અને કહ્યું કે, 'હું નાનીના ઘરે ગયો ત્યાં મામા અને માસી બંને હાજર હતા. મેં મમ્મી ફોન પર કોઈની સાથે વાતો કરવાની જાણ કરતા જ નાની ગુસ્સે થઈ ગયા અને મને ગંદી ગાળો આપી બહાર નીકળી જવા કહ્યું, જ્યારે મામા અને માસીએ ગડદાપાટુંનો માર માર્યો હતો. આ દરમિયાન મામાએ લોખંડનો સળિયો લઈને નિમેશને હાથ પર માર્યો અને ધમકી આપી કે હવે તારી મમ્મીની ખોટી ફરિયાદ કરવા આવ્યો તો તને અને તારા પપ્પા બંનેને જાનથી મારી નાખીશ.'

યુવકે સાળા અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી
ડરેલો નિમેષ તરત રીક્ષામાં બેસીને ત્યાંથી ભાગી ગયો અને પિતાને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી. આ બાદ તેને એલ.જી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો જ્યાં તેનું ફ્રેક્ચર થયું હોવાનું જાણ થઈ હતી. આ બાદ મુકેશભાઈએ આ ઘટના સંદર્ભે તેમના સાસુ, સાળા તથા સાળી અને સસરા વિરુદ્ધ દીકરાને માર મારવાની તથા ફોન પર ધમકાવવાની ફરિયાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.