શહેરના ગોતા વિસ્તારમાં રહેતી દીકરીને સ્કૂલે લેવા-મૂકવા જતા સમયે પરિણીતાની છેડતી કરનારા તથા બારીમાં નિર્વસ્ત્ર ઊભા રહીને પરેશાન કરતા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આટલું જ નહીં યુવક મહિલાને રસ્તામાં રોકીને પરેશાન કરતો અને અનેક વખત ચેતવણી આપવા છતાં મહિલાનો પીછો છોડતો નહોતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે યુવકે પરિણીતા તેની સાથે વાત ન કરે તો તેના પતિને મારી નાખવાની અને તેને ઉપાડી જવાની ધમકી આપી દીધી. આખરે કંટાળીને પરિણીત મહિલાએ સોલા પોલીસમાં પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
ઘરની બારીમાં નિર્વસ્ત્ર થઈ મહિલા સામે ઊભો રહેતો યુવક
જગતપુર રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા મોનાબેન (ઉં.33, નામ બદલ્યું છે) દીકરીને સ્કૂલે લેવા-મૂકવા જતા ત્યારે સામેના ફ્લેટમાં રહેતો કિરણ ત્રિવેદી તેમની પાછળ જતો. કેટલીક વખત તો કિરણ મોનાને રસ્તામાં રોકી, હાથ પકડીને કહેતો કે, ‘તમે મારી સાથે વાત કરો, હું તમારી સામે જ રહું છું.’ હદ તો ત્યારે થઈ કે જ્યારે તેણે બારીએ નિર્વસ્ત્ર ઊભા રહી મહિલાની છેડતી કરવાનું શરૂ કર્યું હતું.
વાત ન કરવા પર મહિલાના પતિને મારી નાખવાની ધમકી આપતો
યુવકની હરકતોથી કંટાળી મોનાબેને અગાઉ પોલીસમાં અરજી આપી હતી, જોકે પાડોશી યુવકે પરિણીતા સાથે સમાધાન કરીને ફરી આમ ન કરવાની બાયંધરી આપી હતી. જોકે તેમ છતાં ફરીથી તેણે મોનાબેનનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું અને તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો અને આમ ન કરવા પર તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતો. આથી કંટાળીને આ અંગે મોનાબેને સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કિરણની ધરપકડ કરાઈ હોવાનું પીઆઈ જે. પી. જાડેજાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.