રેસ્ક્યૂ-ઓપરેશન:અમદાવાદમાં ગર્ભવતી મહિલાની ટોઇલેટમાં ડિલિવરી થતાં બાળક કમોડમાં ફસાયું, ફાયરના જવાનોએ 25 મિનિટમાં બાળકને બચાવ્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • ફાયરના જવાનોએ ટાઈલ્સ તોડીને બાળકને બહાર કાઢી લીધું હતું
  • બાળકને વધુ સારવાર માટે 108માં મોકલી આપ્યું
  • બાળકને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી

આજે રાષ્ટ્રીય ફાયર સર્વિસ દિવસ છે. ફાયરબ્રિગેડના જવાનો પોતાના જીવન જોખમે આગ, ભૂકંપ કે કોઈપણ હોનારતમાં તાત્કાલિક પહોંચી અને લોકોને પોતાના જીવના જોખમે બચાવે છે. આજે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિકાસગૃહમાં આજે સવારે મંદબુદ્ધિની એક ગર્ભવતી મહિલાને ટોયલેટમાં જ ડિલિવરી થઈ જતા બાળક કમોડમાં ફસાઈ ગયું હતું. ટોયલેટના કમોડમાં ફસાયેલા બાળકને અમદાવાદના ફાયરબ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓએ 25 મિનિટમાં તેને કોઈપણ તકલીફ ન પડે તે રીતે કમોડને તોડી અને બાળકને સહીસલામત રેસ્ક્યુ કર્યું હતું. દિવ્યભાસ્કરે કમોડમાં ફસાયેલા બાળકને કઈ રીતે બહાર કાઢ્યું તેનું રેસ્ક્યુ ઓપરેશન અંગે ફાયરબ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ સાથે ખાસ વાતચીત કરી હતી.

અમદાવાદ ફાયરબ્રિગેડમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ
અમદાવાદ ફાયરબ્રિગેડમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ

ફાયર ઓફિસર ઇનાયત શેખે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી
અમદાવાદ ફાયરબ્રિગેડમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સવારે 7.50ની આસપાસ કોલ મળ્યો હતો કે પાલડી વિસ્તારમાં આવેલા વિકાસગૃહમાં એક મંદબુદ્ધિની ગર્ભવતી મહિલાને ટોયલેટમાં ડિલિવરી થઈ ગઈ છે અને બાળક કમોડમાં ફસાઈ ગયું છે. જેથી નવરંગપુરા ફાયર સ્ટેશનની ઈમરજન્સી રેસ્ક્યુ ટીમ સૌથી પહેલા ત્યાં પહોંચી હતી ફાયરના અધિકારીઓએ ત્યાં પહોંચ્યા અને જોયું તો બાળક કમોડમાં અંદરની તરફ ફસાઈ ગયું હતું અને તેનું મોઢું પણ ફસાયેલું હતું. ખુબજ કોમ્પ્લિકેટેડ કેસ હતો જેથી મણીનગર ફાયર સ્ટેશનની વધારાની રેસ્ક્યુ ટીમને પણ તાત્કાલિક ત્યાં પહોંચવાનું જણાવ્યું હતું જેથી શુભમ ખડીયા અને ભુમિત મિસ્ત્રી સહિતના SHO અને ડિવિઝનલ ઓફિસર તરીકે હું પણ ત્યાં પહોંચ્યો હતો.

મણિનગર ઈમર્જન્સી રેસ્ક્યૂ ટીમને પણ બોલાવવામાં આવી હતી
મણિનગર ઈમર્જન્સી રેસ્ક્યૂ ટીમને પણ બોલાવવામાં આવી હતી

કમોડમાં ફસાયેલા બાળકને બહાર કાઢવું ચેલેન્જ હતી
બાળક કમોડમાં ફસાયેલું હતું અને તેને બહાર કાઢવું એક ચેલેન્જ જેવું હતું કારણ કે બાળક અજીતા જ જન્મ્યું હતું અને ટોયલેટમાં ગેસ, હવા અને પાણી વગેરે ધ્યાન રાખવું પડે જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું સૌથી પહેલા ફાયરના કર્મચારીઓએ ટોયલેટની અંદર કમોડની આસપાસ લાગેલી ટાઇલ્સને તોડવાની કામગીરી કરવામાં આવી હતી બાળક કસાયેલું હતી અને તેને બહાર કાઢવા માટે કમોડ ને બહાર કાઢવો જરૂરી હતું જેથી આસપાસની ટાઇલ્સ ને તોડી અને કમળને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી કમોડ ને ઊંચું કરી અને તેની સાથે જોડાયેલી પાઈપ માંથી દૂર કરવામાં આવ્યું હતું બાળકનું મોઢું હજી પણ અંદર ફસાયેલું હતું.

આસપાસની ટાઈલ્સને તોડી અને બાળકને બહાર કાઢી લીધું
આસપાસની ટાઈલ્સને તોડી અને બાળકને બહાર કાઢી લીધું

બાળકને ઇજા વગર સહી-સલામત બચાવી લેવામાં આવ્યું
બાળકને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય તેને ધ્યાનમાં રાખી અને હથોડી દ્વારા કમોડને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ધીરે ધીરે કર્મચારીઓએ કમોડની એક તરફનો ભાગ પર હથોડી મારી અને તેને ધીમે ધીમે તોડવાનું શરૂ કર્યું હતું અને સાઈડનો ભાગ તોડી અને બાળકને સહી-સલામત બહાર કાઢી લેવામાં આવ્યું હતું. 108 એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને ત્યાં હાજર હોવાથી બાળકને ઓક્સિજન આપી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બાળકને રેસ્ક્યુ કરવાનું ઓપરેશન માત્ર 25 મિનિટમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને બાળકને કોઈ પણ પ્રકારની ઇજા વગર સહી-સલામત બચાવી લેવામાં આવ્યું હતું