કોરોના વોરિયરે લૂંટ ચલાવી:અમદાવાદમાં આંગડિયા કર્મીના હાથ-પગ બાંધી 7 લાખની લૂંટ, ભાગવા જતા વિકલાંગ આરોપી ઝડપાયો

અમદાવાદ2 મહિનો પહેલા
લૂંટની ઘટનામાં જપ્ત કરાયેલ મુદ્દામાલ
  • સોલા વિસ્તારમાં ધોળા દિવસે આંગડિયા કર્મી સાથે લૂંટની ઘટના
  • લૂંટમાં પકડાયેલ વિકલાંગ આરોપી હોસ્પિટલમાં આસિસ્ટન્ટ ટેકનિશીયન તરીકે કામ કરી ચૂક્યો છે

શહેરના સોલા વિસ્તારમાં લૂંટનો ચોંકાવનારો બનાવ બન્યો છે. બપોરના સમયે આંગડિયા પેઢીના કર્મચારીને બંધક બનાવી બે વ્યક્તિઓ દ્વારા રૂપિયા 7 લાખની લૂંટ કરવામાં આવી હતી. જોકે સ્થાનિકની મદદથી એક આરોપી પકડાઈ ગયો હતો. પકડાયેલ આરોપી હોસ્પિટલમાં આસિસ્ટન્ટ ટેકનિશીયન છે અને કોરોનાના હોમ ક્વોરન્ટાઈન દર્દીની સારવાર કરી ચૂક્યો છે. સોલા પોલીસે હાલમાં મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મેનેજર બપોરે એકલા હોવાથી મિત્ર સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો
સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપીઓમાંથી ઝડપાયેલો આરોપી જતીન પટેલ એક વાર આ આંગડિયા પેઢીમાં અગાઉ પૈસા લેવા આવ્યો હતો ત્યારે જોયું હતું કે મેનેજર કાકા બપોરે એકલા હોય છે જેથી મિત્ર સાથે મળી લૂંટનો પ્લાન કરી લૂંટ કરી હતી. તેઓને 15થી 20 લાખ મળશે એવી ખાતરી હતી અને પૈસાની જરૂર હોય તેઓએ લૂંટ કરી હતી. આરોપી જતીન પગે વિકલાંગ છે. જ્યારે લૂંટ કરી રિક્ષામાં બેસવા જતા હતા ત્યારે નીચે દુકાનમાં કામ કરતા રોનકે જોઈ જતાં રીક્ષા પાસે જઈ બુમાબુમ કરતા જતીન પકડાયો હતો.

આંગડિયા કર્મીના હાથ-પગ બાંધી લૂંટી લીધો
ગોતા વિસ્તાર નજીક આવેલી રમેશકુમાર અંબાલાલ આંગડિયા પઢીના કર્મચારીને પાસેથી 7 લાખ રૂપિયા રોકડના લૂંટી લેવામાં આવ્યા હતા. લૂંટને અંજામ આપનારા બંને આરોપીઓએ કર્મચારીને છરી બતાવી હાથ-પગ બાંધી દીધા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બેમાંથી એક આરોપી જતીન પટેલ વિકલાંગ હોઈ ભાગ જતા પકડાઈ ગયો હતો.

ગોતામાં આવેલી આંગડિયા પેઢીની તસવીર
ગોતામાં આવેલી આંગડિયા પેઢીની તસવીર

કર્મચારીની છાતી પર છરી મૂકી લૂંટ કરી
શહેરનના ગોતાથી ચાંદલોડિયા તરફ વિશ્વકર્માબ્રિજ પાસે ગાયત્રી ટાઇલ્સની ઉપર રમેશકુમાર અંબાલાલ આંગડિયા પેઢીમાં ગોવિંદભાઈ પટેલ મેનેજર બપોરના સમયે હાજર હતા. ત્યારે 2 યુવકો આવ્યા હતા જેમાંથી એક કહ્યું, મારું નામ જતીન પટેલ છે, મારા આંગડિયા કોઈ પૈસા આવ્યા છે? જેની સામે આંગડિયા પેઢીના કર્મચારીએ મેસેજ આવેલ નથી જવાબ આપ્યો હતો. જે બાદ યુવકે પોતાની પાસેની છરી કાઢીને કર્મચારીની છાતી પર મૂકીને પૈસા લાવ તેમ કહ્યું હતું. પરંતુ કર્મચારીએ પૈસા આપ્યા નહોતા જેથી બંને યુવકે સાથે મળીને કર્મચારીના હાથ અને પગ બાંધી દીધા હતા. જે બાદ ડ્રોઅરમાં પડેલા રૂ. 7 લાખ, કર્મચારીનો મોબાઈલ ફોન અને સીસીટીવી કેમેરાનું ડીવિઆર કાઢી સાથે લઈ જતા હતા. દરમિયાન કર્મચારીએ બૂમો પાડતા તેને 'કંઈ બોલતો નહિ, નહીં તો છરી મારી દઈશ' તેવી ધમકી આપી હતી.જે બાદ ઓફિસનો દરવાજો બંધ કરી અને શટલ પાડીને નાસી ગયા હતા.

ભાગતા સમયે નીચેની દુકાનમાં કામ કરતા યુવકે આરોપીને પકડી લીધો
યુવકો ભાગતા હતા તે દરમિયાન આંગડિયા પેઢીની નીચે આવેલ ગાયત્રી ટાઇલ્સ નામની દુકાનમાં કામ કરતા રમેશ પટેલ ઘરેથી જમી પરત આવતો હતો ત્યારે બંને યુવકોને પૈસા અને ડીવીઆર સાથે આ રીતે ભાગતા જોઈને શંકા ગઈ હતી જેથી તેમને બીજા માણસોની મદદથી બંને યુવકોને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાંથી એક યુવક છટકી ગયો અને બીજો વિકલાંગ યુવક પકડાઈ ગયો હતો જેની પાસે રોકડ રકમ, ડીવીઆર કબ્જે કર્યું હતું. આ દરમિયાન આંગડિયા લેશીનો કર્મચારી પણ હાથ અને પગ ખોલીને નીચે આવ્યો હતો અને પેઢીના માલિકને જાણ કરીને પોલીસને જાણ કરી હતી.પોલીસે સ્થળ પર પહોંચીને યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

લૂંટના આરોપમાં પકડાયેલ આરોપી જતીન પટેલ
લૂંટના આરોપમાં પકડાયેલ આરોપી જતીન પટેલ

ફરાર આરોપી રાજકોટનો રહેવાસી
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, પકડાયેલ યુવકનું નામ જતીન પટેલ જણાવ્યું હતું જે હાલ મુંબઈ ખાતે રહે છે અને ભાગી ગયેલ યુવકનું નામ રોનક ચુડાસમા હતું, જે રાજકોટનો રહેવાસી છે.સમગ્ર મામલે આંગડિયા પેઢીના કર્મચારીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી હોસ્પિટલમાં આસિસ્ટન્ટ ટેકનિશીયન તરીકે કામ કરી ચૂક્યો
વિગતો મુજબ, લૂંટનો આરોપી જતીન પટેલ ધો. 10 પાસ છે અને હોસ્પિટલમાં આસિસ્ટન્ટ ટેકનિશીયન તરીકે કામ કરી ચૂક્યો છે. હાલમાં તે વિરમગામમાં હોમ ક્વોરન્ટાઈન દર્દીઓને સારવાર આપી ચૂક્યો છે. હાલમાં સોલા પોલીસે આરોપી પાસેથી લૂંટની રૂ.7 લાખની રકમ કબ્જે કરી અન્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.