શોલે ફિલ્મ જેવો સીન:અમદાવાદમાં દારૂ પીધેલી હાલતમાં યુવક પાણીની ટાંકી પર ચઢ્યો, ફાયરબ્રિગેડે સમજાવીને નીચે ઉતાર્યો

અમદાવાદ5 મહિનો પહેલા

અમદાવાદમાં શોલે ફિલ્મ જેવો સીન જોવા મળ્યો છે. સારંગપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પર આજે સવારે એક યુવક દારૂ પીધેલી હાલતમાં ચડી ગયો છે. તેને જોઈને લોકોમાં પણ ભય ફેલાયો છે. આ યુવક પાણીની ટાંકીની ઉપર ચઢઊતર કરતો હોવાને પગલે લોકો દ્વારા તેને બૂમાબૂમ કરીને સમજાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ યુવક નીચે નહીં ઊતરતાં પોલીસ અને ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આખરે 20 મિનિટની જહેમત બાદ નીચે ઉતારવામાં સફળતા મળી.

લોકોએ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરીને પોલીસ બોલાવી.
લોકોએ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરીને પોલીસ બોલાવી.

ફાયરબ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ મગાવવાની ફરજ પડી
ફાયરબ્રિગેડ અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે જઈને આ યુવકને નીચે ઉતારવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. દારૂ પીધેલી હાલતમાં પાણીની ટાંકી પર ચડેલા યુવકને નીચે ઉતારવા માટે ફાયરબ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ મગાવવાની ફરજ પડી હતી. પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોએ યુવકને સમજાવીને નીચે ઉતારવા પ્રયાસ હાથ ધર્યો હતો.

યુવકને સમજાવીને નીચે લાવવાનો પ્રયાસ શરૂ કરાયો.
યુવકને સમજાવીને નીચે લાવવાનો પ્રયાસ શરૂ કરાયો.

યુવકને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયત્ન શરૂ કરાયો
ફાયરબ્રિગેડ જ્યારે પણ આ યુવકને નીચે ઉતારવાનો પ્રયત્ન કરે છે તો યુવક લોકોને જોઈને ફરી પાણીની ટાંકી પર ચઢી જાય છે, જેથી ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા હાલમાં તેને સમજાવીને નીચે લાવવાનો પ્રયાસ શરૂ કરાયો છે. સ્થાનિક વ્યક્તિ દ્વારા ખાડિયાના કોર્પોરેટર પંકજ ભટ્ટને જાણ કરતાં તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને તેમણે ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.

20 મિનિટની જહેમત બાદ નીચે ઉતારવામાં સફળતા મળી
ફાયરબ્રિગેડના ઓફિસર સુધીર ગઢવી અને તેમની ટીમ દ્વારા યુવકને નીચે ઉતારવા માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. 20 મિનિટની જહેમત બાદ તેને સમજાવીને ધીરે ધીરે નીચે લાવવામાં ફાયરબ્રિગેડે સફળતા મેળવી હતી. નીચે આવતાં જ તાત્કાલિક તેને પકડીને દારૂ પીધેલી હાલતમાં હોવાથી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.