પતિના મર્ડરનો માસ્ટર પ્લાન:અમદાવાદમાં કંટાળેલી પત્નીએ 10-10 વખત પતિ પર હુમલો કરાવ્યો, અંતે 4 લાખની સોપારી આપી પતાવી દીધો

અમદાવાદ15 દિવસ પહેલા
  • એલિસબ્રિજ નજીક રિક્ષાચાલક પર છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારાયા હતા
  • પોલીસે 3 હત્યારા સહિત ગુનાનું ષડયંત્ર રચનારી પત્ની સાથે 6 આરોપીઓને ઝડપી લીધા

શહેરના એલિસબ્રિજ ખાતેની લેબોરેટરી નજીક સાંજના સુમારે એક રિક્ષાચાલક પર છરીથી હુમલો કરાયો હતો. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનામાં ઇજાગ્રાસ્ત શાંતિલાલ ધંધુકીયાનું સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું. એવામાં રિક્ષાચાલક શાંતિલાલની હત્યા કોણે કરી? શા માટે કરી? તેના જવાબ કોઇની પાસે નહોતો. એલિસબ્રીજ પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી સાથે જ અમદાવાદ ક્રાઇમબ્રાંચ પણ કામે લાગી ગઇ હતી. હવે આ ગુનાનો ભેદ ઉકેલાતા મૃતક રિક્ષાચાલકની પત્નીએ જ પતિની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઘટનામાં કુલ 6 જેટલા આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે.

સીસીટીવીમાં નંબર પ્લેટ વિનાની રિક્ષા દેખાતા ગુનો ઉકેલાયો
રિક્ષાચાલકની અજાણ્યા શખસો દ્વારા કરાયેલી હત્યાના આ બનાવમાં કોઈપણ કડી નહોતી એવામાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાથી શરૂઆત કરી હતી. જેમાં તેમને એક નંબર વગરની રિક્ષા દેખાઈ હતી. તપાસ કરતા આ રિક્ષા ઈમ્તિયાઝ ઉર્ફે બાબાની હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા ઇમ્તિયાઝને ગણતરીની મિનિટોમાં જ ઝડપીને પૂછપરછ કરતા તે હત્યામાં સંડોવાયેલો હોવાનું કબૂલ્યું હતું. જોકે હત્યા માટેનું કારણ તેની પાસે નહોતું, પરંતુ આ ગુનામાં તેની સાથે બાબા શાહરુખ અને અલ્તમસ નામના બે યુવકો પણ હતા.

પત્નીએ જ પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું
પોલીસે જ્યારે શાહરૂખ અને બાબાની સંયુક્ત પુછપરછ કરી ત્યારે તેમણે કબુલાત કરી કે શકિલ નામના વ્યકિતએ તેમને હત્યાની સોપારી આપી રૂપિયા આપ્યા હતા. હવે પોલીસે શકીલને શોધી કાઢ્યો, શકિલે પણ કબુલાત કરી કે શાંતિલાલની હત્યા માટેની સોપારી તેને શાહઆલમમાં દુકાન ધરાવતા ફૈઝુદ્દીને આપી હતી. પોલીસે ફૈઝુદ્દીનને ઝડપી પૂછપરછ કરતા તેણે જ પોતાના મિત્ર સાબિર અંસારી સાથે મળીને શાતિલાલની હત્યાનું કાવતરૂ ઘડ્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે શાંતિલાલની હત્યાનું કારણ સામે આવ્યું ત્યારે પોલીસે પણ સ્તબ્ધ થઇ ગઇ. ફૈઝુએ જણાવ્યું કે, શાંતિલાલની હત્યા માટે તેની પત્ની રૂપલે જ ચાર લાખ રૂપિયાની સોપારી આપી હતી. જે પૈકી બે લાખ તો એડવાન્સ પણ આપી દીધા હતા.

પતિથી ખુશ ન હોવાથી પતાવી દીધો
રૂપલ ઘરે એમ્બ્રોઈડરીનું કામ કરતી હોવાથી તે કામ લેવા ફૈઝુની દુકાને આવતી હતી. જ્યાં ફૈઝુ સાથે થોડી ઓળખાણ થઇ હતી. ત્યારે જ રૂપલે ફૈઝુ અને તેના મિત્ર સાબિરને જણાવ્યું હતું કે, તે પતિ શાંતિલાલથી ખુશ નથી માટે તેની હત્યા કરાવવી છે અને તેના માટે તે ખર્ચો કરવા પણ તૈયાર છે. રૂપલે સોપારી આપવાની તૈયારી કરતાં ફૈઝુ અને સાબિરે આ કામ માટે શકીલને સોપારી આપી હતી અને શકીલે આ કામ શાહરૂખ, ઇમ્તિયાઝ અને અલ્તમસને સોપ્યું હતું.

કેવી રીતે હત્યાનો ભેદ ઉકેલાયો?
ડીસીપી ઝોન-7 ભગીરથસિંહ જાડેજાની ટીમે કોઇ પણ કડી વગર હત્યાનો ભેદ ઉકેલવા માટે કવાયત શરૂ કરી દીધી હતી. જેમાં હત્યાના દિવસના શાંતિલાલના ઘરથી લઇને હત્યાના સ્થળ સુધીના ફુટેજ ચેક કરાયા. જેમાં દરેક ફુટેજમાં શાંતિલાલની રિક્ષા પાછળ એક નંબર વગરની રિક્ષા નજરે પડી. નંબર વગરની રિક્ષા આ હત્યાની પહેલી કડી સાબિત થઇ. હવે વારંવાર ફૂટેજ જોતાં રિક્ષાચાલકનો ચહેરો નજરે પડ્યો. આ ફોટો બાતમીદારોમાં શેર કરાયો ને માહિતી મળી કે આ સાહિર ઉર્ફે બાબા છે. પોલીસે બાબાને પકડ્યોને ભેદ ઉકેલાયો.

છરીથી હુમલો કરનારાઓને માત્ર 10-20 હજાર મળ્યા
શાંતિલાલ પર જે લોકોએ છરીથી હુમલો કર્યો હતો. તેવા સાબિરને રૂ.10 હજાર, અલ્તમસને 20 હજાર તથા શાહરૂખને 15 હજાર આપવામાં આવ્યા હતા. આ રૂપિયા શકિલે તેમને હત્યા કરવા માટે આપ્યા હતા. આમ હત્યા માટેની ચાર લાખની સોપારી લઇ શકિલે હત્યારાઓને માત્ર 10થી 20 હજાર જ આપ્યા હતા.

પત્નીએ જ હત્યા કરાવવા પતિનું લોકેશન આપ્યું
પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, રૂપલ જ જ્યારે તેનો પતિ ઘરેથી નિકળે ત્યારે તેનું લોકેશન ફૈઝુને શેર કરતી હતી. આ ઉપરાંત તેણે ફૈઝુની દુકાને જઇને જે ચર્ચા કરી હતી. તેની વિગતો પણ પોલીસે મેળવી લીધી છે. સીસીટીવી ફુટેજ અને ઓડીઓ રેકોર્ડીંગ પણ મળ્યા છે. શાંતિલાલની હત્યા માટે હત્યારાઓ બે મહિનાથી તેમની રેકી કરતા હતા. તેમણે 10 વખત હુમલાના પ્રયાસ કર્યા હતા. આખરે એલિસબ્રીજ ખાતે શાંતિલાલ પર હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...