તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, A Bootlegger Hid Expensive Liquor Of A Foreign Brand In The Kitchen Of His Luxury Bungalow, Police Seized 275 Bottles Worth Rs 9 Lakh.

દારૂના રેકેટનો પર્દાફાશ:અમદાવાદમાં બુટલેગરે પોતાના વૈભવી બંગલોના રસોડામાં વિદેશી બ્રાન્ડનો મોંઘો દારૂ સંતાડ્યો હતો, પોલીસે 9 લાખની કિંમતની 275 બોટલો કબજે કરી

અમદાવાદએક મહિનો પહેલા
પોલીસે લાખોની કિંમતનો મોંઘી બ્રાન્ડનો દારૂ ઝડપ્યો
  • આરોપી બુટલેગર રાજસ્થાનથી ગુજરાત આવતી બસમાં પાર્સલમાં દારૂનો જથ્થો મંગાવતો હતો અને તેનું વેચાણ કરતો હતો.

અમદાવાદમાં પોલીસે વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. શહેરના પોશ ગણાતા સોલા વિસ્તારમાં બુટલેગરે પોતાના વૈભવી બંગલામાં રસોડામાં ભોંયરૂ બનાવીને વિદેશી બ્રાન્ડનો મોંઘો દારૂનો જથ્થો છુપાવ્યો હતો. સોલા પોલીસે મળેલી બાતમીને આધારે દરોડો પાડીને વિદેશી બ્રાન્ડની રૂપિયા 9 લાખની કિંમતની 275 જેટલી દારૂની બોટલો કબજે કરીને આરોપી બુટલેગરની ધરપકડ કરી છે. આરોપી મોંઘી બ્રાન્ડનો દારૂ રાજસ્થાનથી બસમાં પાર્સલમાં મંગાવતો હતો અને તેનું વેચાણ કરતો હતો.

આરોપી બુટલેગર વિનોદભાઈ વોરા
આરોપી બુટલેગર વિનોદભાઈ વોરા

ઘરના રસોડાના ભોયરામાં દારૂ સંતાડ્યો હતો
સોલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વાલજીભાઈ અને માધુભાઈને બાતમી મળી હતી કે સોલા સિવિલ હોસ્પિટલ સામે આવેલા હરિવિલા બંગ્લોઝમાં આવેલા C 38 નંબરના બંગલામાં રહેતા વિનોદભાઈ વોરા(પટેલ) વિદેશી દારૂનું વેચાણ કરે છે. હાલમાં ગાડીમાં જથ્થો મૂકી રાખ્યો છે. જેના આધારે PI જે.પી જાડેજા ટીમ સાથે બુટલેગરના ઘરમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરના કમ્પાઉન્ડમાં પડેલી ગાડીમાં તપાસ કરતા પાછળની ડેકીમાંથી અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. ઘરમાં તપાસ કરતા રસોડામાં ફ્રીઝ ખસેડી જોતા નીચે ભોંયરું મળી આવ્યું હતું. ભોંયરામાં આવવા જવા માટે લોખંડની સીડી પણ મૂકી હતી.

આરોપી રાજસ્થાનથી દારુ મંગાવીને અમદાવાદમાં વેચાણ કરતો હતો
આરોપી રાજસ્થાનથી દારુ મંગાવીને અમદાવાદમાં વેચાણ કરતો હતો

ભોંયરામાં સંતાડેલી 9 લાખની કિંમતની 275 બોટલો પકડાઈ
પોલીસે ભોંયરામાં ઉતરી તપાસ કરતા નીચેથી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેમાં પણ અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે તમામ બોટલો ગણતા 275 જેટલી બોટલો કિંમત રૂ. 9.02 લાખની મળી આવી હતી. સોલા પોલીસ સ્ટેશનના PI જે.પી જાડેજાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપી પોતાના ઘરમાં જ દારૂની બોટલો ભોંયરામાં સંતાડતો હતો. રાજસ્થાનથી આ તમામ દારૂનો જથ્થો પાર્સલમાં બસમાં મંગાવતો હતો અને તેના ગ્રાહકોને વેચતો હતો.

પોલીસે આરોપીની કારની ડિકીમાંથી પણ દારુની બોટલ ભરેલા થેલા ઝડપ્યા
પોલીસે આરોપીની કારની ડિકીમાંથી પણ દારુની બોટલ ભરેલા થેલા ઝડપ્યા

બે વર્ષમાં 198.30 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો
દારૂબંધી અંગે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નમાં સરકારે જવાબ આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં બે વર્ષમાં 198.30 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. અને 67 દિવસના લોકડાઉનમાં 2019 કરતાં 2020માં વધુ દારૂ ઝડપાયો છે. રાજ્યમાં કોરોનાનાં કારણે 67 દિવસ સુધી લોકડાઉન રહ્યું હતું. તેમ છતાં રાજ્યમાં દારૂની રેલમછેલ ચાલુ જ હતી. આ ઉપરાંત રૂ.3.65 કરોડનો દેશી દારૂ તેમજ રૂ.13.18 કરોડનો બિયરનો જથ્થો પણ ઝડપાયો હતો. તેમજ રૂ.68.60 કરોડનું અફીણ, ગાંજા જેવા માદક દ્રવ્યો ઝડપાયા હતા. ગુજરાતના બે પોલીસ મથકમાંથી દારૂ ચોરીની કબૂલાત પણ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં કરી છે. કોંગ્રેસ MLAના પ્રશ્નમાં રાજ્ય સરકારનો લેખિત જવાબ છે કે ગાંધીનગર અને મહેસાણામાંપોલીસ મથકમાંથી દારૂ ચોરાયો હતો. અને દારૂ ચોરીમાં 8 કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.