અમદાવાદમાં કોરોના સંક્રમણને કારણે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે કર્ફ્યૂમાં પણ તલવાર વડે જાહેરમાં કેક કાપવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં બે દિવસ પહેલા એક યુવકનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. શહેરમાં જાહેર રસ્તા પર સંગીતના તાલે યુવકે તલવાર વડે કેક કાપી હતી. આ દરમિયાન તેના મિત્રો પણ ત્યાં હાજર હતાં. કેક કટિંગનો આ વીડિયો વાયરલ થતાં જ પોલીસે તાત્કાલિક અસરથી કામગીરી કરીને જન્મ દિવસ ઉજવનાર સહિત સાત લોકોને પકડી પાડ્યા હતાં. પોલીસે કેક કટિંગ કરવામાં વાપરવામાં આવેલી તલવાર પણ જપ્ત કરી હતી.
મિત્રએ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સ્થિત ઝાંઝરકા કોલોનીના ગેટ પાસે 6 માર્ચે રાત્રે બાર વાગ્યાની આસપાસ કરણ ઉર્ફે ભૂરા પરમાર નામના યુવકના જન્મ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણી દરમિયાન કરણ ઉર્ફે ભુરાએ તલવાર વડે કેક કટ કરીને પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જો કે મિત્રો પૈકીના એક મિત્રએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં મુકતાં જ તે વાયરલ થયો હતો.
પોલીસે સાત લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી
શહેરમા કોરોનાને કારણે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ હોવાથી વાયરલ થયેલા વીડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી હતી. આમ ગોમતીપુર પોલીસે આજે ગોમતીપુરના કુંડાળાવાળી ચાલીમાં રહેતા કરણ ઉર્ફે ભુરા પરમારને પકડ્યો હતો. આ ઉપરાંત પ્રદીપ લક્ષ્મણભાઈ સોલંકી, રાજદીપ ઉર્ફે રોબિન મહેશભાઈ સોલંકી, સહયોગ પરમાર, સાગર ઉર્ફે બટકો પરમાર, ધવલ કાપડીયા અને પ્રજ્ઞેશ ઉર્ફે પીન્ટુ સોલંકીને પકડી પાડીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.