તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોક્ટરોએ નવું જીવન આપ્યું:અમદાવાદમાં ‘સિવિયર હાઈડ્રોપ ફિટાલીસ’ નામની દુર્લભ બીમારીથી પીડાતા શિશુને ગર્ભમાં બે વખત લોહી ચઢાવી બચાવી લેવામાં આવ્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શિશુને જન્મ પછી 24 કલાકમાં ત્રણવાર લોહી ચઢાવાયું હતું

કોરોના કાળમાં ડૉક્ટરો જ ભગવાનનો બીજો સ્વરૂપ છે તે માન્યતા વધુ મજબૂત બની રહી છે. ત્યારે શહેરના ગાયનેકોલોજિસ્ટ અને બાળરોગ નિષ્ણાંત ત્રણ ડૉક્ટરો બાળકને નવજીવન આપી તેના માતા પિતા માટે ભગવાન સાબિત થયા છે. જવલ્લે જ જોવા મળતા કિસ્સામાં સિવિયર હાઈડ્રોપ ફિટાલીસની સમસ્યાથી પીડાતા બાળકને ગર્ભમાં જ 30મા સપ્તાહમાં અને ત્યારબાદ 15 દિવસ પછી એટલે કે 33મા સપ્તાહમાં લોહી ચઢાવી સુરક્ષિત જન્મ કરાવવામાં આવ્યો હતો. બાળકનો જન્મ થયા બાદ ફરીથી તેના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ખૂબ જ ઘટી જતા તેના જન્મ બાદ 24 કલાકમાં જ ત્રણ વાર લોહી ચઢાવવું પડ્યું. હવે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અને 10 દિવસનું થતાં તેને 15 મેના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

મહિલાને ત્રણથી ચાર કસુવાવડ થઈ હતી
30 વર્ષથી ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા ડૉ. અંજના સાવલિયાએ જણાવ્યું કે, કુબેરનગર રહેતા દિનેશ ગુજરના પત્ની નયનાબહેનને ત્યાં 9 વર્ષ પહેલા બાળકીનો જન્મ થયો હતો. એસમયે મહિલાનો બ્લડગ્રુપ નેગેટિવ અને બાળકનો બ્લડગ્રુપ પોઝિટિવ હોવાથી મહિલાને 72 કલાકની અંદર જરૂરી એન્ટી-ડી ઈન્જેક્શન આપવામાં આવ્યું ન હતું. જેના કારણે પછીથી ગર્ભ ધારણ કર્યા બાદ બાળકના શરીરમાંથી હિમોગ્લોબિન ઘટી જતા એનિમિયાની અસર હેઠળ 4થી 5 મહિના ગર્ભ બાદ તેમને કસુવાવડ થઈ જતી હતી. ત્રણથી ચાર કસુવાવડ થયા બાદ તેઓ ફરીથી ગર્ભવતી થતા સિવિલ હોસ્પિટલ, વીએસ હોસ્પિટલમાં ગયા હતા જ્યાં કોરોનાના નામે તેમને પરત મોકલી દેવાયા હતા.

બાળકને 34મા સપ્તાહ સુધી લઈ જવું ચેલેન્જ હતું
ત્યારબાદ લગભગ 18 સપ્તાહના ગર્ભ દરમિયાન નયનાબહેન તેમની પાસે આવ્યા હતા. જ્યાં તેમની તપાસ કરતા બાળક સિવિયર હાઈડ્રોપ ફિટાલીસની સમસ્યાથી પીડાતો હોવાનું નિદાન થયું હતું. ગર્ભમાં રહેલા આ બાળકને હવે 34માં સપ્તાહ સુધી લઈ જવાનું ચેલેન્જ હતું. તેના માટે બાળકને માતાના ગર્ભમાં જ લોહી બદલવાની જરૂર હોવાથી તેમને ડો. જનક દેસાઈ પાસે મોકલવામાં આવ્યા હતા. તેમણે સતત સોનોગ્રાફી કરી બાળકની દેખરેખ રાખવાની સાથે પહેલા 30માં સપ્તાહમાં અને ત્યારબાદ 33માં સપ્તાહમાં ગર્ભમાં જ બાળકને લોહી ચઢાવ્યું હતું.

હિમોગ્લોબિનનું પ્રમાણ માત્ર 7 ગ્રામ આવ્યું હતું
ત્યારબાદ 34માં સપ્તાહમાં સિઝેરિયનથી બાળકનો જન્મ થયો હતો. જો કે જન્મ બાદ તપાસ કરતા ફરી બાળકના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 7 ગ્રામ જ આવતા તેને તત્કાલ લોહી ચઢાવવું પડે તેમ હતું. આ સમયે પહેલાથી જ ત્યાં હાજર બાળરોગ નિષ્ણાંત ડો. કમલ પરીખ અને તેમની ટીમ બાળકને તત્કાલ તેમના હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં કાચની પેટીમાં રાખવાની સાથે જન્મ બાદ પહેલા જ કલાકે લોહી ચડાવવામાં આવ્યું હતું. બીજીવાર ફરીથી હિમોગ્લોબિન ઘટી જતા 12માં કલાકે અને ત્યારબાદ 24માં કલાકે ફરીવાર બાળકને લોહી ચઢાવવું પડ્યું હતું.

ત્રણવાર લોહી ચઢાવ્યા બાદ બાળક સ્ટેબલ થયું
બાળકની સારવાર કરનાર ડૉ. કમલ પરીખે જણાવ્યું કે, બાળકને ત્રણવાર લોહી ચઢાવ્યા બાદ તેના શરીરમાં હિમોગ્લોબિન અને સિરમ બિલીરૂબિન સ્ટેબલ થયું હતું. તેની સાથે તેને ફોટો થેરેપી અને આઈવી ગામા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. જેના પગલે બાળકની તબીયતમાં સુધારો થયો હતો, આજે બાળક અને માતા બન્ને સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને શનિવારે ઘરે મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...