અમદાવાદ શહેરમાં ઝડપથી બદલાઈ રહેલી જીવનશૈલીથી ટી.બી.ના સંક્રમણમાં વધારો થવા પામ્યો છે.વર્ષ-2021માં 18 વર્ષ સુધીનાં કુલ 943 બાળકો ટી.બી.ના રોગથી સંક્રમિત થયા હતા.એક વર્ષમાં ટી.બી.ના રોગથી સંક્રમિત થયેલા 18 બાળકોના મોત થયા હતા.રખિયાલ વોર્ડમાં સૌથી વધુ પાંચ બાળકોના મોત થવા પામ્યા હતા.વર્ષ-2020માં શહેરમાં 18 વર્ષની વય સુધીના 811 બાળકો ટી.બી.ગ્રસ્ત થયા હતા એ પૈકી 32 બાળકના મોત થયા હતા.
2020માં 32 બાળકોનાં મોત થયાં હતાં
શહેરના વિવિધ વિસ્તારમાં વર્ષ-2020માં 18 વર્ષની વય ધરાવતા કુલ મળીને 811 બાળકો ટી.બી.ના લક્ષણ ધરાવતા મળી આવ્યા હતા. જેની તુલનામાં વર્ષ-2021માં ટી.બી.સંક્રમિત બાળકોની સંખ્યા વધીને 943 સુધી પહોંચી હતી.વર્ષ-2020માં 18વર્ષની વય સુધીના ટી.બી.સંક્રમિત કુલ 32 બાળકોના મોત થયા હતા.જેની તુલનામાં વર્ષ-2021માં ટી.બી.સંક્રમિત થયેલા બાળકોનો મૃતકાંક ઘટીને 18 ઉપર પહોંચ્યો હતો.
વિપક્ષે સરવે કરીને સારવાર આપવા અપીલ કરી
શહેરના સાત ઝોનમાં આવેલા મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંત ટી.બી.નિદાન કેન્દ્રો ઉપરથી હેલ્થ વિભાગ દ્વારા ટી.બી.સંક્રમિત બાળકોના નિદાન ઉપરાંત દવા સહિતની સારવાર આપવામાં આવી રહી છે.મ્યુનિ.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે શહેરમાં ગીચ વસ્તી ધરાવતા અને સ્લમ અને ચાલી વિસ્તારમાં રહેતા 18 વર્ષ સુધીના બાળકોનો ટી.બી.ના રોગને લઈ એક સર્વગ્રાહી સરવે કરી સારવાર આપવા મ્યુનિ.તંત્ર સમક્ષ અપીલ કરાઈ છે.
શહેરના આ વિસ્તારોમાં ટી.બી.ગ્રસ્ત બાળકના મોત
વર્ષ-2021માં શહેરના રખિયાલ વોર્ડમાં ટી.બી.થી 18 વર્ષ સુધીના સૌથી વધુ પાંચ બાળકના મોત થયા હતા.બહેરામપુરા વોર્ડમાં ત્રણ બાળકોના ટી.બી.થી મોત થયા હતા.નવાવાડજ વોર્ડમાં ટી.બી.સંક્રમિત બે બાળકના મોત થયા હતા.અસારવા, બાપુનગર, ચાંદખેડા, દાણીલીમડા ઉપરાંત જમાલપુર,વાસણા અને વેજલપુર અને ભાઈપુરા વોર્ડમાં અનુક્રમે એક-એક બાળકનું ટી.બી.સંક્રમિત થવાથી મોત થયુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.