કોરોના સામે વેક્સિન જ અમોઘ શસ્ત્ર:અમદાવાદ શહેરમાં 42 સગર્ભા સહિત 44,670 લોકોને વેક્સિન અપાઈ, બુધવારે વેક્સિનેશન બંધ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ શહેરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. શહેરમાં 400 જેટલા વેક્સિનેશન કેન્દ્રો છે. અમદાવાદમાં મંગળવારે 44,670 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 25,690 પુરુષ અને 18,980 મહિલાઓનો સમાવેશ થાય છે. 18થી 44ની વય જૂથના 26,149 અને 45 વર્ષ ઉપરના 13,399 લોકોને વેક્સિન અપાઈ હતી. જ્યારે 60 વર્ષથી ઉપરના 3072 લોકોનું જ વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આવતીકાલે મમતા દિવસ હોવાથી અમદાવાદમાં વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે.

7 ઝોનમાં 42 સગર્ભાનું વેક્સિનેશન
નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઇમ્યુનાઇઝેશનની ભલામણ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સર્ગભાઓને સ્વૈચ્છિક મંજૂરીથી કોરોના વેક્સિન આપવાની મંજૂરી આપવામાં આવી છે.જેના પગલે અમદાવાદ શહેરમાં પણ તમામ અર્બન હેલ્થ સેન્ટર પર સગર્ભાઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. મંગળવારે કુલ 7 ઝોનમાં 42 સગર્ભા મહિલાઓને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં મધ્ય ઝોનમાં 1 અને પૂર્વ ઝોનમાં 9, ઉત્તર ઝોનમાં 5, દક્ષિણ ઝોનમાં 18, પશ્ચિમ ઝોનમાં 3, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 મહિલાઓએ વેક્સિન લીધી હતી.

ધોળકા, વિરમગામ, સાણંદ અને બાવળાના 24 ગામોમાં 100% વેક્સિનેશન
આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં રસીકરણની કામગીરી ઝડપથી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 6.63 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઇ છે. જેમાં જિલ્લામાં ધોળકા, સાણંદ, દેત્રોજ, વિરમગામ, દસક્રોઇ અને બાવળાના 24 ગામોમાં 100 ટકા વેક્સિનની કામગીરી પૂરી થઇ ગઇ છે. જિલ્લા આરોગ્ય વિભાગે કહ્યું કે, આ છ તાલુકાના ગામોમાં વેક્સિનના પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ થઇ છે.