તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત તરફ પ્રયાણ:અમદાવાદમાં સિંધી સમુદાયના 3,500 લોકો નાગરિકત્વ માટે રાહ જુએ છે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: નિકુલ વાઘેલા
  • કૉપી લિંક
  • શહેરમાં સિંધી સમુદાયના લોકોની સંખ્યા 3 લાખની નજીક છે
  • 1947 બાદ ભારત તરફ પ્રયાણ કરનાર સિંધી સમુદાયના લોકો આજે પણ લઘુમતીનો દરજ્જો મેળવવા ઝઝૂમે છે

શહેરના 3,500થી વધુ સિંધી સમુદાયના લોકો ભારતીય નાગરિકતા માટે રાહ જોઈ રહ્યાં છે. વર્ષ 1947માં જ્યારે દેશમાં ધર્મના આધારે વિભાજન થયું ત્યારથી પાકિસ્તાનથી મોટી સંખ્યામાં સિંધી સમુદાયના લોકોએ ભારત તરફ પ્રયાણ કર્યું હતું. ત્યારથી આજ સુધી સિંધી સમુદાયના લોકો ભારતમાં લઘુમતીનો દરજ્જો મેળવવા ઝઝૂમી રહ્યા છે.

શહેરમાં સિંધી સમુદાયના લોકોની સંખ્યા 3 લાખની આસપાસ છે, તેમાંથી ઘણાંને ભારતીયનો દરજ્જો મળી ગયો છે પણ તેમનો સમાવેશ લઘુમતીમાં થતો નથી. ઘણાં એવા લોકો પણ છે જેઓ પાકિસ્તાનમાં ડોક્ટર, એન્જિનિયરની ડિગ્રીનો અભ્યાસ કરી ચૂક્યા છે પણ ત્યાંની ડિગ્રી ભારતમાં માન્ય ના હોવાને લીધે તેઓ અહીં અભ્યાસથી વિપરીત વ્યવસાયમાં જોડાવા મજબૂર થયા છે. શહેરમાં હાલ 200થી વધુ સિંધી ડોક્ટર્સે પોતાની પાકિસ્તાનની ડિગ્રીની માન્યતા માટે કોર્ટમાં રજૂઆત કરી છે.

ઘણાં ડોક્ટર ભારતમાં પોતાની પાકિસ્તાની ડિગ્રીની માન્યતા મેળવવા માટે 40 વર્ષની ઉંમરે ડોક્ટરી એલિજિબલ ટેસ્ટ આપવા તૈયારી કરી રહ્યા છે. અમદાવાદમાં ઘણા ડૉક્ટર એવા છે જે એલિજિબલ ટેસ્ટ આપવા માટે દર વર્ષે તૈયારી કરી રહ્યા છે. પણ જે અભ્યાસ 20 વર્ષ પહેલાં કર્યો હોય તે અભ્યાસની તૈયારી કરવી હવે તે ડોકટર્સને મુશ્કેલ પડી રહી છે, જે એલિજિબલ ટેસ્ટ વહેલી તકે આપી શકાય તે અંગેની રજૂઆત સિંધી ડોક્ટર્સ કરી રહ્યાં છે.

ચાર વર્ષમાં 1600ને ભારતીય નાગરિકતા મળી
હેલ્પિંગ હેન્ડઝ ફાઉન્ડેશનના ડિમ્પલ વ્રિંદાનીએ કહ્યું- સિંધી સમુદાયના લોકોની નાગરિકતાની સમસ્યાને ધ્યાને લઈ 4 વર્ષ પહેલા તેમના ઓળખપત્ર, નાગરિકતા અંગેના કામો કરી રહ્યા છીએ. હાલ 1600 જેટલા સિંધી લોકોને ભારતની નાગરિકતા આપાવવામાં સફળતા મળી છે. નાગરિકતા મેળવવા માટે 7 અને 12 વર્ષના સમયગાળા અપાયા છે. જો કોઈ વ્યક્તિનો ફેમિલી મેમ્બર ભારતનો વતની હોય તો તેવી વ્યક્તિને 7 વર્ષ બાદ નાગરિકતા મળે છે, જ્યારે કોઈ સગુ ના મળે તેવી વ્યક્તિ 12 વર્ષ સુધી ભારતમાં રહ્યાં પછી નાગરિકતા માટે આવેદન કરી શકે છે.

પાક.ની ડિગ્રી માન્ય ન હોવાથી મોબાઈલ શોપ ખોલી મોબાઈલ શોપ માલિક વિશનદાસ માનકાનીએ કહ્યું- પાકિસ્તાનથી માઇગ્રેટ થઇને 2001માં ભારત આવ્યો હતો. મારી પાસે પાકિસ્તાનની ડોક્ટરી ડિગ્રી હતી, જે ભારતમાં માન્ય નહોતી. જેથી તે ડિગ્રીને ભારતમાં માન્યતા મળે તે અંગેના પ્રયાસ કર્યા. પણ તે સમયે માન્યતા માટેનો કોઈ નિયમ ના હોવાને લીધે પ્રયાસ છોડીને 2006માં મોબાઈલના બિઝનેસ શરૂ કર્યો. ત્યારબાદ 2016માં મને ભારતીય નાગરિકતા મળી,જોકે હવે મેડિકલ અને ડોક્ટરી સાથે કોઈ કનેક્શન રહ્યું નથી.

પહેલા ડોક્ટર એલિજિબલ ટેસ્ટ આપવા માગ
ડોક્ટર અશોકકુમાર શેખવાનીએ કહ્યું- 2002માં પાકિસ્તાનમાં ડોક્ટરની ડિગ્રી મેળવીને 2012માં ભારત આવ્યો જેથી 7 વર્ષ બાદ સિટીઝનશીપ માટે એપ્લાઇ કરી, સિટીઝનશીપ મળ્યા બાદ હવે ડોક્ટરની ડિગ્રી માટે એલિજિબલ ટેસ્ટ આપવો પડશે. જેથી હવે જે ડોક્ટરીનો અભ્યાસ 20 વર્ષ પહેલા કર્યો હતો, તે અભ્યાસ 40 વર્ષની ઉંમરે કરવો મુશ્કેલ છે. અમારી માગ છે કે સિટીઝનશીપ મળ્યા બાદ જ એલિજિબલ ટેસ્ટનો નિયમ બદલીને પહેલા ડોક્ટરી એલિજિબલ ટેસ્ટ આપવા દેવાશે તો સિંધી ડોક્ટર્સને પોતાની રોજગારી માટે મુશ્કેલી નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...