આ બેદરકારી ભારે પડશે:આવી રીતે ત્રીજી લહેરને રોકીશું? અમદાવાદમાં 10 દિવસમાં 22 હજાર લોકો માસ્ક વિના પકડાયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેરમાં મિની લોકડાઉનમાં અનલોક થતા જ લોકો ફરી બેદરકાર બની રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી. હોસ્પિટલમાં બેડ, દવાઓ, ઈન્જેક્શનો તથા ઓક્સિજનની અછત ઘણા દર્દીઓએ જીવ ગુમાવ્યા. જોકે ધીમે ધીમે ગુજરાત ફરી તેમાંથી બહાર નીકળી રહ્યું છે. કોરોનાના કેસ અમદાવાદ શહેરમાં એક સમયે 5000થી ઉપર હતા, હવે તે 100થી નીચે આવે છે. સરકારે પણ મોટાભાગના પ્રતિબંધો હટાવી લીધા છે. પરંતુ મિની લોકડાઉનમાં અનલોક થતા જ લોકો બેદરકારી પૂર્વક ફરતા જોવા મળી રહ્યા છે. જેથી પોલીસે પણ ફરીથી આકરો દંડ વસૂલવાનું શરૂ કરી દીધું છે.

10 દિવસમાં 22000 લોકો માસ્ક વિના પકડાયા
અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસમાં જ 22000 લોકો માસ્ક વિના પોલીસે ઝડપી લીધા હતા. હાલમાં રાજ્યભરમાં માસ્ક વિના જાહેરમાં ફરતા પકડાવા પર રૂ.1000નો દંડ કરવામાં આવે છે. જ્યારે કોરોનાની બીજી લહેરના પીક સમય એવા એપ્રિલ અને મે મહિનામાં જ 1 લાખ લોકો પાસેથી 10 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની બીજી લહેરમાં વાઈરસનું ભયાનક રૂપ દેખાયું
કોરોનાની બીજી લહેરમાં વાઈરસનું ભયાનક રૂપ જોવા મળ્યું હતું. સેંકડો લોકોએ અમુક જ દિવસોમાં પોતાના સ્વજનો ગુમાવી દીધા તો કેટલાક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. સરકારે પણ કેસો પર કાબૂ મેળવવા માટે કેટલાક કડક પ્રતિબંધો મૂકી દીધા હતા. જોકે કેસમાં ઘટાડો થતા છૂટછાટોમાં રાહત આપી હતી. પરંતુ જો લોકો આવી રીતે બેદરકાર થઈને ફરશે તો સંભવિત ત્રીજી લહેર પણ જલ્દી જ આવી શકે છે.

ગઈકાલે અમદાવાદમાં કોરોનાના 72 નવા કેસ નોંધાયા
​​​​​​​
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 100 દિવસ બાદ સતત ત્રીજીવાર 100થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 72 નવા કેસ નોંધાયા છે, અગાઉ 1 માર્ચે 99 કેસ નોંધાયા હતા. જ્યારે ગઈકાલે 90 અને 9 જૂને 98 કેસ નોધાયા હતા. 110 દિવસ અગાઉ 22 ફેબ્રુઆરીએ આટલા 72 કેસ નોધાયા હતા. 24 કલાકમાં 2 દર્દીના મોત થયા છે. તેમજ 232 દર્દી સાજા થયા છે.

અમદાવાદ જિલ્લામાં 3 નવા કેસ
10 જૂનની સાંજથી 11 જૂનની સાંજ સુધીમાં શહેરમાં 69 અને જિલ્લામાં 3 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 224 અને જિલ્લામાં 8 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 2 દર્દીના મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 36 હજાર 998 થયો છે. જ્યારે 2 લાખ 31 હજાર 383 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 377 થયો છે.