સાયબર ફ્રોડ:અમદાવાદમાં 24 કલાકમાં ઓનલાઇન ચીટિંગની 20 ફરિયાદ નોંધાઈ, કુલ 25 લાખની છેતરપિંડી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદેશથી આવેલી ગિફ્ટ છોડાવવાના નામે, 2 કિસ્સામાં આર્મીમેનની ઓળખ આપી ઠગાઈ
  • સોલામાં 7, વાડજમાં 3, નારણપુરામાં 2, ઘાટલોડિયા, નવરંગપુરા સહિત કુલ 8 વિસ્તારમાં ગુના નોંધાયા

શહેરમાં છેલ્લા 24 કલાકમાં ઓનલાઈન છેતરપિંડીની 20 ફરિયાદ નોંધાઈ છે. જેમાં યુવતી સાથે લગ્ન કરવાનું કહીને તેને લંડનથી ગિફ્ટ મોકલવાના બહાને 2.04 લાખ, 2 કિસ્સામાં આર્મીમેનની ઓળખ આપી મકાન ભાડે રાખવાનું કહી અને બાળકને સ્કૂલમાં એડમિશન આપવાનું કહીને પૈસા પડાવ્યા હતા. આમ કુલ રૂ. 25 લાખની છેતરપિંડી થઈ છે.

‘લંડનથી ગિફ્ટ મોકલી છે’ કહી 2 લાખ પડાવ્યા
નવરંગપુરાના ઉન્નતિબેન ભટ્ટના સોશિયલ મીડિયા પર માઈકલ પેટ્રિક નામની વ્યક્તિએ વાતચીત શરૂ કરી લગ્ન કરવાનું કહ્યું હતું. લંડનથી સરપ્રાઈઝ ગિફ્ટ મોકલવાની વાત કરી ઉન્નતિબેન પાસેથી રૂ.25,500 પડાવ્યા હતા. ત્યારબાદ ગઠિયાએ તેમના ખાતામાંથી રૂ.2.04 લાખ મેળવ્યા હતા.

કેવાયસી કરાવવાના નામે રૂ. 60 હજારની છેતરપિંડી
​​​​​​​ગોતામાં રહેતા રાજકુમાર જાટમને 8 જુલાઈના રોજ જુદા-જુદા નંબર પરથી ફોન આવ્યા હતા, જેમાં કેનેરા બેંકમાંથી બોલતા હોવાનું કહીને પેટીએમ બંધ થવાનું હોવાથી કેવાયસી કરાવવું પડશે તેમ કહીને બેંકની ડિટેઈલ-ઓટીપી માગી ગઠિયાએ તેમના ખાતામાંથી 4 ટ્રાન્જેક્શનથી 60,109 ઉપાડ્યા હતા.

આર્મીમેન હોવાનું કહી યુવક સાથે 48 હજારની ઠગાઈ
બોડકદેવના જયવીરસિંહ રાઘવે જયપુરમાં મકાન ભાડે આપવાની જાહેરાત મૂકતા સંજયસિંહે ફોન કરી પોતે આર્મીમાં હોવાનું અને જયપુરમાં મકાન ભાડે રાખવાની વાત કરી જયવીરસિંહ પાસે પેટીએમ નંબર, ક્યુઆર કોડ માગ્યા હતા. તે સ્કેન કરતા જ જયવીરસિંહના ખાતામાંથી રૂ.48 હજાર ઉપડ્યા હતા.

કુરિયર છોડવવાનું કહી યુવતીએ 1.35 લાખ પડાવ્યા
​​​​​​​સોલામાં રહેતા દેવાંગનાબેન પટેલની દીકરીના જન્મ દિવસે સબંધીએ યુકેથી કુરિયરથી ગિફટ મોકલી હતી. દરમિયાન પ્રિયંકા સિંગ નામની યુવતીએ ફોન કરી કુરિયર છોડાવવા કુલ 40 હજાર માગ્યા હતા. દેવાંગનાબેને પૈસા ટ્રાન્સફર કરતાંની સાથે જ ખાતામાંથી રૂ.1.35 લાખ ઉપાડી લીધા હતા.

દીકરાના એડમિશનનું કહી ગઠિયાએ 75 હજાર ઉપાડ્યા​​​​​​​
​​​​​​​પાલડીમાં રહેતા ચાર્મીબેન શાહના સાસુને ફોન કરી પોતે શ્રીકાંત અને તેનું પોસ્ટિંગ આર્મીમાં શ્રીનગર હોવાનું કહ્યું હતું. દીકરાને એડમિશન અપાવવાનું કહી ફીનું પૂછીને ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહીને કોડ નાખવાનું કહ્યું હતું. ત્યારબાદ બેલેન્સ ચેક કરતા ચાર્મીબેનના રૂ. 75 હજાર ઉપડી ગયા હતા.

જૂનું ફ્રીઝ ખરીદવાનું કહી ગઠિયાએ 98 હજાર ઉપાડ્યા
​​​​​​​વાસણામાં રહેતો અક્ષત શાહે ઓનલાઇન જૂનું ફ્રીઝ વેચવાની જાહેરાત મુકતાં, તેમને ફોન આવ્યો હતો. જેમાં રૂ.20 હજારમાં ફ્રીઝ વેચવાનું નક્કી થતા સામેવાળાએ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહીને સ્કેનિંગ કોડ મોકલવાનું કહ્યું હતું. તે સ્કેન કરતાં જ અક્ષતના ખાતામાંથી રૂ.98,003 ઉપડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...