સરકાર સાચી કે AMC?:અમદાવાદમાં અત્યાર સુધી 2 લાખ દર્દી કોરોનામાંથી સાજા થયાના AMCના દાવાના આંકડા સાથે મેળ ખાતો નથી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલમાં દાખલ થતાં મ્યુકર માઈકોસિસના દર્દીની સંખ્યામાં ઘટાડો પણ ઈન્જેક્શન માટે લાંબી લાઈન - Divya Bhaskar
સિવિલમાં દાખલ થતાં મ્યુકર માઈકોસિસના દર્દીની સંખ્યામાં ઘટાડો પણ ઈન્જેક્શન માટે લાંબી લાઈન
  • 5 મેએ 66,956 એક્ટિવ કેસ હતા, 20 દિવસમાં નવા 42,761 કેસ નોંધાયા
  • હજુ પણ 20,154 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો 20 દિવસમાં 1 લાખ સાજા કઈ રીતે થયા?
  • સિવિલમાં દાખલ થતાં મ્યુકર માઈકોસિસના દર્દીની સંખ્યામાં ઘટાડો પણ ઈન્જેક્શન માટે લાંબી લાઈન

શહેરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2.27 લાખ પર પહોંચી ગઇ છે જોકે તેની સામે 2 લાખ કોરોના દર્દીઓ સાજા થઇ ગયા હોવાનું મ્યુનિ.એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે. નોંધનીય છેકે, ગત 5 મેના રોજ મ્યુનિ. દ્વારા સત્તાવાર રીતે 1 લાખ દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થયા હોવાનું દર્શાવ્યું હતું. જે બાદ માત્ર 20 દિવસમાં જ શહેરમાં બીજા એક લાખ દર્દીઓએ કોરોનાને હરાવ્યો હોવાનું દર્શાવ્યું છે.

મ્યુ. કોર્પોરેશનની વેબસાઇટ પર સત્તાવાર આંકડા જાહેર કર્યા છે
ઉલ્લેખનીય છેકે, શહેરમાં ગત 5મી મેના રોજ 1 લાખ દર્દીઓ સાજા થયા હોવાનું મ્યુનિ.ની વેબસાઇટ પર સત્તાવાર રીતે દર્શાવવામાં આવ્યું હતું. જે બાદ માત્ર 20 દિવસમાં જ શહેરમાં 200242 દર્દીઓ સાજા થયા હોવાનું સત્તાવાર રીતે દર્શાવવામાં આવ્યું છે. શહેરમાં ગત 5મી મે ના રોજ કુલ 66956 એક્ટિવ દર્દીઓ હતાં. જે બાદ તબક્કાવાર રીતે એક્ટિવ કેસની સંખ્યા ઘટતાં તે આજે 20154 પર પહોંચી છે. તેને ધ્યાને લઇએ તો શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 5મી મે થી અત્યાર સુધીમાં 46805 જેટલી ઘટી છે. સામે શહેરમાં છેલ્લા 20 દિવસમાં 42761 જેટલા નવા દર્દીઓ વધ્યા છે. શહેરમાં 5મી મેથી 25મી મે સુધી સરકાર દ્વારા સત્તાવાર રીતે ડિસ્ચાર્જ જાહેર કરેલા દર્દીઓની કુલ સંખ્યા 97080 છે.

અગાઉ આંકડાની માયાજાળ મામલે હાઇકોર્ટે ઝાટકણી કાઢી હતી
આમ મ્યુનિ. દ્વારા આંકડાકીય માયાજાળ રચીને શહેરમાં 2 લાખ દર્દીઓ સાજા થયા હોવાનું દર્શાવ્યું છે. જોકે તમામ રીતે જોઇએ તો એક્ટિવ કેસની સંખ્યામાં માત્ર 46805 ઘટી છે તેની સામે નવા 42761 જેટલા દર્દીઓ વધ્યા છે. તે તમામ ડેટાની સમીક્ષા કરીએ તો પણ શહેરમાં 1 લાખ જેટલા દર્દીઓ માત્ર 20 દિવસમાં સાજા થયા હોવાનું મ્યુનિ. દ્વારા દર્શાવ્યું છે તે આશ્ચર્ય ઉપજાવે તેવું છે. આંકડા સાથે સરખામણી કરીએ તો મ્યુનિ.નો દાવો ગળે ઉતરી શકે તેમ નથી. અગાઉ હાઇકોર્ટે પણ સરકાર અને મ્યુનિ.ને કોરોનાના કેસ અને મૃત્યુના આંકડા છુપાવવા બદલ ઝાટકી હતી અને લોકોને સાચી વિગતો પૂરી પાડવા તાકીદ કરી હતી.

મ્યુકર માઈકોસિસના દર્દીની સંખ્યામાં ઘટાડો પણ ઈન્જેક્શન માટે લાંબી લાઈન
સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના 439 દર્દી સારવાર હેઠળ છે. મંગળવારે નવા 27 દર્દી દાખલ થયા હતા. અગાઉ દરરોજ 35થી 40 દર્દીઓ સિવિલ કેમ્પસમાં દાખલ થતા હતા પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. બીજી તરફ સિવિલ કેમ્પસમાંથી મ્યુકર માઈકોસિસના ઈન્જેક્શન આપવાનો પ્રારંભ કરાતા લોકોની લાંબી લાઈન લાગી હતી.

કોરોનાના 491 કેસ, વધુ 7 દર્દીનાં મોત, બે દિવસમાં 60 હજારથી વધુએ રસી લીધી
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 491 કેસ નોંધાયા છે. જ્યારે 7 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 3204 દર્દી સાજા થતાં વિવિધ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હજુ પણ શહેરમાં 20154 એક્ટિવ કેસ છે. છેલ્લા બે દિવસમાં 60 હજારથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી છે. મંગળવારે એક જ દિવસમાં 35868એ રસી મૂકાવી હતી. જેમાં 18થી 44 વર્ષની વયના 30570 જ્યારે 45થી વધુ વયના 3527નો સમાવેશ થાય છે. સોમવારે પણ પણ 29 હજારથી વધુ લોકોએ રસી મુકાવી હતી. મંગળવારેય એકપણ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવ્યો નથી. અમદાવાદ જિલ્લામાં કોરોનાના 31 કેસ નોંધાવા સાથે એક દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું.

222 ICU-વેન્ટિલેટર સહિત 6211 બેડ ખાલી, હવે માત્ર 2886 બેડ ભરેલા છે
શહેરમાં કોરોના સંક્રમણ હળવું થતાં જ હવે માંડ 2886 જેટલા બેડ જ ભરાયેલા છે. જ્યારે 6211 જેટલા બેડ ખાલી પડ્યા છે. ક્રિટિકલ કહી શકાય તેવા 9097 બેડ પૈકી મોટાભાગના બેડ હાલ ખાલી પડ્યા છે. શહેરમાં બેડની ખાલી હોવાની સ્થિતિમાં આઇસીયુ વીથ વેન્ટિલેટર વાળા 222 બેડ, આઇસીયુવાળા 493 બેડ, ઓક્સિજનવાળા 2611 બેડ અને આઇસોલેશનવાળા 2615 બેડ ખાલી છે. ત્યારે શહેરમાં હવે મહત્તમ બેડ ખાલી થઇ ગયા હોવાનું જોવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...