તકેદારી જરૂરી:અમદાવાદમાં SVPમાં નવા 15, ખાનગી હોસ્પિટલમાં વધુ 7 કોરોનાના દર્દીને દાખલ કરવા પડ્યા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

એસવીપી હોસ્પિટલમાં કોરોનાના નવા 15 દર્દી દાખલ થયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં વધુ 7 દર્દીને દાખલ કરાયા છે. સિવિલમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં ગુરુવારે ઓમિક્રોન કે કોવિડ પોઝિટિવ એક પણ નવો કેસ નોંધાયો નથી. એટલે કે, સિવિલમાં છેલ્લાં બે દિવસથી કોવિડ કે ઓમિક્રોનના કોઇ દર્દી નોંધાયા નથી, તેમજ ગુરુવારે ઓમિક્રોન પોઝિટિવ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જેથી હાલમાં 1200 બેડ હોસ્પિટલમાં ઓમિક્રોન પોઝિટિવ- 2, ઓમિક્રોન શંકાસ્પદ-2 તેમજ 7 કોવિડ પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.

ગુરુવારે ખાનગી હોસ્પિટલમાં 7 નવા દર્દી દાખલ થયાં છે. જેમાં આઇસોલેશનમાં નવા 4 દર્દી નોંધાયા છે. જેથી હાલમાં ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશનનમાં સૌથી વધુ 65 અને એચડીયુુમાં 16 દર્દી સારવાર હેઠળ છે. તમામની હાલત સ્થિર છે. ​​​​​​​છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં કોરોનાના કુલ 5,634 કેસ નોંધાયા હતા. આમ છતાં સરકાર વાઈબ્રન્ટ, ફ્લાવર-શો, કાઈટ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમ બંધ રાખવા અંગે એક શબ્દ પણ બોલતી ન હતી. જો કે, ભાજપના 40 નેતા-કાર્યકર પોઝિટિવ આવતાં એકાએક તમામ કાર્યક્રમો રદ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.

રિવરફ્રન્ટ પર મંગળવારે યોજાયેલા સંત સંમેલનમાં ભાગ લેનારા શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, શહેર ભાજપ ઉપપ્રમુખ દર્શન ઠાકર તેમજ અન્ય કાર્યકર મળી 40ને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમિત શાહ અને ભૂષણ ભટ્ટે રસીના બંને ડોઝ લીધા હોવા છતાં તેમને ફરીથી કોરોના થયો છે. હાલ બંનેને એસવીપીમાં દાખલ કરાયા છે. પ્રસંગોમાં માત્ર 400 લોકોને ભેગા થવાની મર્યાદા છે પરંતુ સંત સંમેલનમાં ભાજપના 16 હજારથી વધુ કાર્યકરો એકઠા થયા હતા.

છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 1835 કેસ નોંધાયા છે. માત્ર 18 દિવસમાં કોરોનાના કેસમાં 100 ગણો વધારો થયો છે. 19 ડિસેમ્બરે માત્ર 18 કેસ હતા.ગુરુવારે નોંધાયેલા કેસમાંથી 1400થી વધુ પશ્ચિમના વિસ્તારોમાંથી આવ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે, જૂન પછી પહેલીવાર 541 દર્દી સાજા થયા છે. શહેરમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધી નોંધાયેલા ઓમિક્રોનના 93 કેસમાંથી 75 દર્દીને રજા આપી દેવામાં આવી છે.

સાણંદમાં 15 સહિત જિલ્લામાં વધુ 27 કેસ
અમદાવાદ જિલ્લામાં સાણંદના 15 સહિત કોરોના કુલ 27 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 7134 થયો છે. અત્યાર સુધીમાં 96 મોત થયા છે. ગુરૂવારે નોંધાયેલા કેસમાં સાણંદ બાદ દસ્ક્રોઇમાં 7, માંડલ 1, વિરમગામમાં 4 કેસ નોંધાયા છે. રોજના 1500થી વધારે આરટીપીઆર ટેસ્ટ થાય છે. સાથો સાથ સર્વેલન્સની કામગીરી પણ વધારી દેવાઇ છે. જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક કક્ષાએ હજી પણ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. બાળકોને રસી આપવાના કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ફોટા પડાવવા પહોંચી જતા હોવાથી તેનો પણ વિરોધ થયો છે. જિલ્લામાં 15થી 18 વર્ષના નોંધાયેલા 1,05,568માંથી ગુરૂવારે 11 હજારને વેક્સિન અપાઇ હતી. અત્યાર સુધીમાં કુલ 60 હજાર કિશોરને વેક્સિન અપાઇ છે. 7 જાન્યુઆરીના રોજ વિવિધ સ્કૂલો, જાહેર સ્થળોએ બાળકોના વેક્સિન માટે મેગા ડ્રાઇવ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...