તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઓરિજિનલ:‘સોનું બન્યું સંજીવની’, ઘર ચલાવવા દોઢ વર્ષમાં લોકોએ 10 હજાર કરોડનું સોનું ગીરવી મૂક્યું, જેમાં 40% બંગડીઓ અને 30% નેકલેસ

ગુજરાત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સોનું ગીરવી મૂકનાર લોકોમાંથી 55% નોકરિયાત
  • 20% સારવાર, 80%એ આર્થિક તંગી દૂર કરવા ગીરવી મૂક્યું
  • 40%થી વધુ બેન્કો-ફાઇનાન્સ કંપનીઓનું સોના પર ધિરાણ વધ્યું

કોરોનાએ છેલ્લા દોઢ વર્ષમાં ગરીબ અને મધ્યમ વર્ગ પર તીક્ષ્ણ ઘા કર્યો છે. ઘણા લોકોના ધંધા-રોજગાર ધીમા પડી ગયા કે ઘણાની નોકરી જ જતી રહી. આ મુશ્કેલીના સમયમાં ઘરમાં રાખેલું સોનું સંજીવની બનીને આવ્યું હતું. એસ.બી.આઇ.ના સિનિયર આસિસ્ટન્ટ મેનેજર પ્રકાશભાઈ માંડાણી કહે છે, કોરોના પહેલાં બેન્કમાં રોજના 3 લોકો સોનાના દાગીના પર લોનની ઈન્કવાયરી માટે આવતા હતા, જ્યારે કોરોના વખતે બેન્કમાં સંખ્યા બમણી થઇ ગઈ છે.

આ સ્થિતિ લગભગ દરેક બેંક અને ગોલ્ડ લોન આપતી એજન્સીઓની છે. બેન્કો, એજન્સીઓ બધાનો અંદાજ લગાવીએ તો, માર્ચ 2020થી જૂન 2021 દરમિયાન લગભગ 10 હજાર કરોડનું સોનું ગીરવી મૂકવામાં આવ્યું હતું. એમાં નેકલેસ, મંગળસૂત્રથી લઇને વીંટી, બંગડીઓ પણ છે. સોનું ગીરવી મૂકનાર લોકોમાં સૌથી વધારે નોકરિયાત વર્ગ છે. નાના દુકાનદારો અને બિલ્ડર્સની સંખ્યા પણ મોટી છે. કુલ 20% લોકોએ મેડિકલ ઇમર્જન્સી, 80%એ આર્થિક તંગી દૂર કરવા માટે સોનું ગીરવી મૂક્યું હતું. 40 ટકાથી વધુ બેન્કો-ફાઇનાન્સ કંપનીઓનું સોના પર ધિરાણ વધ્યું છે.

દેશમાં કુલ હાઉસહોલ્ડ સોનામાં 25 ટકાથી વધુ હિસ્સો ગુજરાતનો છે. 10 ગ્રામના સોના પર સરેરાશ રૂ.40000થી વધુનું ધિરાણ ગ્રાહકોને મળે છે. 90 ટકાથી વધુ માર્કેટ વેલ્યુના ઘરેણાં-સોના પર ધિરાણ કંપનીઓ આપી રહી છે. 30 ટકાથી ઓછો દર પર્સનલ લોન કરતાં ગોલ્ડ લોન પર છે.

માત્ર બેન્ક ઓફ બરોડામાં જ 2021માં 85,248 લોકો દ્વારા 1645 કરોડનું સોનું ગીરવી મુકાયું

વર્ષકેટલા લોકોએકેટલા રૂપિયાનું
201943111828.12 કરોડ
2021852481645.07 કરોડ

(એપ્રિલ 2021માં જ 4128 લોકોએ 75.24 કરોડની ગોલ્ડ લોન લીધી)

સૌરાષ્ટ્રમાં 53 હજાર લોકોએ 500 કિલો સોનું ગીરવી, મૂક્યું, જ્યારે 25 કિલો સોનું વેચ્યું

સમય મર્યાદાકેટલા લોકોએશું કર્યું
માર્ચ-મે 202153000

500 કિલો ગીરવી મૂક્યું

માર્ચ-મે 202123000

25 કિલો સોનું વેચાણ

(સૌરાષ્ટ્રનાં વિવિધ ગામોના લોકોએ સોનું રાજકોટમાં વેચ્યું કે ગીરવી મૂક્યું)

સૌરાષ્ટ્રના લોકોએ સૌથી વધારે બંગડીઓ અને વીંટી ગીરવી મૂકી, સોનાના નેકલેસ પણ વેચાયા

દાગીનાગીરવીવેચ્યા
સોનાની બંગડી40%10%
નેકલેસ30%20%
ચેન, વીંટી20%10%
પરચૂરણ વસ્તુઓ10%10%

(રાજકોટમાં બેન્કો અને સોનાના વેપારીઓને આધારે)

લોનની માગમાં 2 વર્ષમાં 24%ની વૃદ્ધિ

વિગતમાર્ચ-21માર્ચ-20માર્ચ-19
કુલ લોન માગ582804687138,304
વૃદ્ધિ(%)242220
લોનની ફાળવણી526224161134246
વૃદ્ધિ(%)262218

(સ્ત્રોત : મુથુટ ફાઇનાન્સ, આંકડા રૂપિયા કરોડમાં)

વડોદરામાં 31, 437 લોકોએ 496 કરોડનું સોનું ગીરવી મૂક્યું, 20થી 25% બિલ્ડર

બેન્કવ્યક્તિસોનું ગીરવી

બેંક ઓફ બરોડા, SBI, મુથુટ મન્નપુરમ

4437138 કરોડ
બીજી બેકો, પેઢીઓ27000358 કરોડ
કુલ31437496 કરોડ

(5 વેલ્યુઅર અને ત્રણ વેપારીના આધારે)

અને અહીં કુલ 1035 કરોડનું સોનું ગીરવી

સુરત80 કરોડ
સૌરાષ્ટ્ર-કચ્છ150 કરોડ
આણંદ30 કરોડ
ગોધરા18 કરોડ
દાહોદ103 કરોડ
ભરૂચ50 કરોડ
સાબરકાંઠા80 કરોડ
પાલનપુર60 કરોડ
પાટણ-મહેસાણા207 કરોડ
નવસારી132 કરોડ
બારડોલી71 કરોડ
વાપી-વલસાડ53 કરોડ

અમદાવાદમાં સોનું ગીરવી રાખવાનું પ્રમાણ 40% વધ્યું ...વાંચો કિસ્સા

કિસ્સો 1 - કોરોનાને કારણે પુત્રીના લગ્ન ન થઈ શક્યા, તેથી ઘરખર્ચ કાઢવા ગોલ્ડ લોન લીધી
મધ્યમવર્ગીય પરિવારના મોભીએ પૈસા બચાવીને દીકરીના લગ્ન માટે સોનું ભેગું કર્યું હતું. જોકે કોરોનાની સ્થિતિ સામાન્ય થાય ત્યારે દીકરીના લગ્ન કરવાનું નક્કી કર્યં છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા પિતાની પાસે જે બચત હતી એમાંથી અત્યારસુધી ઘરનો ખર્ચ નીકળતો હતો, પરંતુ હાલના સંજોગો જોતાં કંપનીએ પગાર કાપ કરતાં ઘર ચલાવવું મુશ્કેલ થતાં તેમણે દીકરીના લગ્ન માટે રાખેલા દાગીના ગીરવી મૂકવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

કિસ્સો 2 - વેપારીએ સ્ટાફનો પગાર ચૂકવવા, પ્રીમિયમ, ઘરખર્ચ માટે દાગીના પર લોન લીધી
શહેરના પોશ વિસ્તારમાં રહેતા એક વેપારીનો ધંધો દોઢ વર્ષથી સાવ ઠપ થઈ ગયો છે. તેમણે કહ્યું હતું કે જેમને માલ આપ્યો છે એ વેચાયો નથી. બીજી બાજુ કરોડો રૂપિયાનો માલ ફેક્ટરીમાં તૈયાર પડ્યો છે, પરંતુ માલના વેચાણના પૈસા ક્યારે આવે એ નક્કી નથી. હાલ વેપાર-ધંધા મંદ હોવાથી ઓફિસ સ્ટાફનો પગાર, ઘરખર્ચ, ઇન્શ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ જેવા ખર્ચાને પહોંચી વળવા ઘરમાં પડેલા સોનાના દાગીના પર ગોલ્ડ લોન લીધી છે.

કિસ્સો 3 - રિક્ષાના હપતા ચૂકવવા અને ઘર ચલાવવા પત્નીના દાગીના ગીરવી મૂકવા પડ્યા
રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતી એક વ્યક્તિનો ધંધો કોરોનાને કારણે સાવ ઠપ થઈ ગયો હતો. ઘરખર્ચ માંડ નીકળી જતો હતો, પણ ખાનગી પેઢીમાંથી લોન પર લીધેલી રિક્ષાનો હપતો કાઢવો મુશ્કેલ બન્યો હતો. એક વર્ષથી હપતા ચડી ગયા હતા, ઘરખર્ચ પણ નીકળતો ન હતો, આથી તેમણે પત્નીના દાગીના ગીરવી મૂકીને પૈસા લઈ બાકીના હપતા ભર્યા અને બાકીની રકમ હાલમાં ઘરખર્ચ માટે વાપરવાની નોબત આવી હતી.

કિસ્સો 4 - કોરોના, મ્યુકોરમાઇકોસિસની સારવાર પાછળ બચત વપરાઈ જતાં ગોલ્ડ લોન લેવી પડી
મધ્યમવર્ગના એક પરિવારના સાત સભ્યોને એક પછી એક કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. આ સ્થિતિમાં તમામની ખાનગી હોસ્પિટલમાં સારવાર થઈ હતી. ઇન્જેક્શન કાળાં બજારમાંથી ખરીદવા પડ્યાં અને સારવારના ખર્ચમાં બધી બચત વપરાઈ ગઈ હતી. એમાંથી બે સભ્યની મ્યુકોરમાઇકોસિસની સારવાર પણ ચાલી રહી છે. રોજનો હજારો રૂપિયાનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં થઈ રહ્યો હોવાથી પરિવારના મોભીએ ગોલ્ડ લોન લેવાનં નક્કી કર્યું હતું.

નોંધ - રાજ્યનાં જુદાં-જુદાં શહેરોમાં સરકારી અને ખાનગી બેન્કો, સોના પર લોન આપતી ખાનગી એજન્સીઓ, સોનાના વેપારીઓ, ધિરાણ કરનાર પેઢીઓ, સોનાના વેપારમાં સંકળાયેલા લોકો સાથેની વાતચીતને આધારે અહેવાલ તૈયાર કરાયો છે.