કલોલ તાલુકાના એક ગામમાં 6 મહિના અગાઉ દુષ્કર્મની એક વિચિત્ર ઘટના ઘટી હતી. ખેતરમાં કામ કરતી કિશોરીને અજાણ્યા વ્યક્તિએ બળજબરીથી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ કિશોરી ગર્ભવતી બની હતી. જેથી કિશોરીના પિતાએ ગર્ભપાત કરાવવા હાઇકોર્ટેમાં અરજી કરી હતી. હાઈકોર્ટે કિશોરીનો મેડિકલ રિપોર્ટ જોયા બાદ ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી દીધી છે.
કિશોરીના શરીરમાં બદલાવ થયા સમગ્ર મામલો સામે આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, કલોલ તાલુકાના એક ગામમાં રહેતો પરિવાર ખેતરમાં કામ કરી ગુજરાન ચલાવે છે. એક દિવસ કિશોરી ખેતરમાં કામ કરતી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિએ ત્યાં આ કિશોરી જોડે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જોકે તે સમયએ કિશોરીએ આ ઘટના વિશે કોઈને જાણ કરી ન હતી. 6 મહિના બાદ આ કિશોરીમાં ઘણા બદલાવ જોવા મળ્યા તેથી તેની માતાએ આ માટે તેને હોસ્પિટલ લઈ ગઈ અને તપાસ કરાવી હતી. જેમાં એવી હકીકત સામે આવી કે આ કિશોરીના શરીરમાં 25 સપ્તાહનું ગર્ભ છે.
સિવિલમાં રિપોર્ટ નોર્મલ આવતા ગર્ભપાતની મંજૂરી મળી
ત્યારબાદ પરિવારમાં આ મામલે ઘણા તર્કવિતર્ક સર્જાય બાદ કિશોરીએ હકીકત જણાવી જેથી તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં જઈને ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 17 વર્ષીય કિશોરીના પિતાએ પુત્રીનો ગર્ભપાત કરાવવા માટે હાઇકોર્ટેમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, આ કિશોરીના જીવને જોખમમાં નાખીને કોઈ નિર્ણય ન લેવાય તેને હોસ્પિટલમાં દાખલ કરો અને ડોક્ટર જોડે તેના સ્વાસ્થ્યના રિપોર્ટ તૈયાર કરાવો ત્યારબાદ કોઈ નિર્ણય લેવાશે. જોકે સોલા સિવિલ હોસ્પિટલમાં આ કિશોરીને એડમિટ કર્યા બાદ તમામ રિપોર્ટ નોર્મલ આવતા હાઇકોર્ટે આ પુત્રીને ગર્ભપાત માટેની મંજૂરી આપી છે.
DNA સેમ્પલ લેવા ડોકટરને આદેશ કર્યો
એડવોકેટ જીગ્નેશ નાયકે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ઘટનાની જાણ પરિવારને કિશોરીએ કરી ન હતી. તેઓએ ગર્ભપાત કરાવવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ આવા કેસમાં કોર્ટની મંજૂરી વગર ગર્ભપાત કરાવી શકાય નહીં જેથી તેઓએ હાઇકોર્ટેમાં પિટિશન ફાઇલ કરી અને આખરે તમામ મેડિકલ રિપોર્ટને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે તેઓને ગર્ભપાત માટેની મંજૂરી આપી. સાથે હાઇકોર્ટે હુકમ કર્યો છે કે, DNA સેમ્પલ પણ આગળની તપાસ માટે લેવામાં આવે. વધુ અરજદાર લીગલ સર્વિસ ઓથોરિટીમાં કમ્પનસેશન માટે અરજી કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.